૨૦૨૧ના ક્રિકેટ એવોર્ડ્ઝ !

ભલે આપણા ક્રિકેટરો ગયા વરસે દેશમાં રમ્યા એનાં કરતાં વિદેશમાં વધારે રમ્યા, પણ એમાંના અમુક જરૂરથી એવોર્ડ્ઝને લાયક છે…

***

બેસ્ટ ફિલ્ડર

શિખર ધવન ! બિચારો શ્રીલંકામાં જઈને કેપ્ટન બનીને, સાવ B કક્ષાની કહેવાય એવી ટીમ લઇને શ્રીલંકાનો વ્હાઈટ વોશ કરી આવ્યો છતાં હજી એને ભારતીય ટીમમાં પાછા દાખલ થવા માટે મેદાનની બહાર ફિલ્ડીંગો ભરવી પડે છે !

***

બેસ્ટ બોલિંગ

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં એક પણ વિકેટ ના લઈ શક્યા એ અદ્‌ભૂત બોલિંગ-સ્પેલ !

***

બેસ્ટ રનિંગ બિટવીન વિકેટ્સ

રોહિત શર્મા ! વર્લ્ડ કપ પછી વન-ડે અને T20નો કેપ્ટન બનવા દોડ્યો, ટેસ્ટ મેચ ના રમવી પડે એટલે ઇન્જરીનું બહાનું કાઢીને દોડ્યો, તો હવે વન-ડે ટીમમાંથી પણ ‘રન-આઉટ’ થઈ ગયો !

***

બેસ્ટ કમ-બેક

વિરાટ કોહલી ! ઓસ્ટ્રેલિયાથી પોતે પપ્પા બનવાની ખુશીમાં 'પાછો' ઇન્ડિયા આવી ગયો. વર્લ્ડ કપ પછી ન્યુઝિલેન્ડ સામેની સિરીઝ વખતે થાક ઉતારવા માટે ઘરમાં 'પાછો' આવી ગયો ! અને હવે દ.આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બરડો ખેંચાવાથી પેવેલિયનમાં 'પાછો' આવી ગયો ! વોટ અ કમ-બેક !

***

લાઇફ ટાઇમ અચિવમેન્ટ

એવોર્ડ ગોઝ ટુ હરભજનસિંહ ! છેલ્લે છ વરસ પહેલાં ઇન્ડિયાની ટીમમાં રમ્યો હતો છતાં છેક હવે નિવૃત્તિ જાહેર કરી છે ! કીસીને કહા હૈ, લાઇફ બડી નહીં, લંબી હોની ચાહિયે…

***

બેસ્ટ ક્રિકેટર્સ

ભઇ, એ તો શાહિદ કપૂર અને રણવીર સિંહ જ છે ! તમે જુઓ એમની ફિલ્મો (જર્સી અને 83)માં શું બોલિંગ અને બેટિંગ કરી છે ! કપિલદેવને પણ શરમ આવે…

***

- મન્નુ શેખચલ્લી

Comments