લો, ફરી પાછાં ‘માસ્ક-મેરેજો’ આવી ગયાં ! હવે તો એમાં નવા નવા નિયમો અને નવા નવા રિવાજો પણ બનાવવા જ પડશે ! જેમકે…
***
દરેક મહેમાને માસ્ક પહેરીને જ આવવું. પણ પોતે ‘કોણ’ છે તેની ખાતરી કરાવવા માટે દરેક ગળામાં ‘આધારકાર્ડ’ લટકાવી રાખવું પડશે !
***
મહેમાનોને વેલકમ ડ્રીન્ક માત્ર સ્ટ્રો વડે જ પીવાનું રહેશે ! તે પણ માસ્કને સ્હેજ જ ઊંચું કરીને !
***
બુકે ડિનર જમતી વખતે હોલમાં કે મેદાનમાં દોરેલાં ગોળ કુંડાળામાં ઊભા ઊભા જ ખાવાનું રહેશે !
***
ચાંલ્લો કે કન્યાદાનની રકમનું ઓનલાઇન પેમેન્ટ કરતાં પહેલાં સૌએ પોતપોતાનો ફોન સેનિટાઇઝર વડે ‘પવિત્ર’ કરી લેવાનો રહેશે.
***
વરરાજા માંડવે આવે ત્યારે તેની સાસુએ નાકને બદલે માસ્ક ખેંચવું ! અથવા જો નાક ખેંચવું જ હોય તો સાસુજીએ હાથ ઉપર ગ્લોવ્ઝ પહેરેલાં હોવાં જોઈશે !
***
વર-કન્યા વચ્ચે જે ‘અંતરપટ’ (પરદો) રાખવામાં આવે છે તેને હટાવવાની વિધીની સાથે સાથે બન્ને જણાએ પોતપોતાનાં માસ્ક હટાવીને, પોતાનો અસલી ચહેરો પુરેપુરો બતાડવાનો રહેશે !
***
ફેરા ફરતી વખતે વર અને કન્યા વચ્ચે મિનિમમ 6 ફૂટનું અંતર મેઇન્ટેઇન થવું જરૂરી છે !
***
સૌ મહેમાનોનાં સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે યજ્ઞની વેદીમાં અવારનવાર એલચી, તુલસી, આદુ, હળદર વગેરે હોમવામાં આવશે !
***
લગ્ન પત્યા પછી સૌએ બહાર જતાં પહેલાં છ ફૂટ ઊંચા સેનિટાઇઝરના ફૂવારામાંથી પસાર થવાનું રહેશે !
***
વર કન્યા સુખી રહો. બાકી બધા સ્વસ્થ રહો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment