જુની ફિલ્મોના એ 'ક્લિશે' લવ-સીન !

તમે વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે અત્યારની નવી ફિલ્મો ‘ઓપ્પન’ થતી જાય છે ! ખુલેઆમ હિરો-હિરોઈનને કિસ કરતાં બતાડે છે. બેધડક ઉઘાડા થઈને સેક્સ કરતાં બતાડે છે.

બિકીની પહેરીને હિરોઇન સ્વિમિંગ પુલમાંથી બહાર આવે એ તો ઠીક, ગાયનોમાં પણ બિકીની પહેરેલી છોકરીઓ આમથી તેમ ઠેકડાં મારીને નાચતી બતાડે છે.

એ જમાનામાં અમે આવા બધાં સીન માટે કહેતા કે ‘બહુ ઓપ્પન બતાડે છે !’ પરંતુ આવા દૃશ્યો રાજકપૂર જેવો શો-મેન જ સેન્સર બોર્ડમાંથી પાસ કરાવી શકતો હતો.

દાખલા તરીકે છેક 1960માં આવેલી ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’માં પદ્મિની ધોધમાં નહાતી નહાતી ગાયન ગાય છે એવું દૃશ્ય છેક 1978માં ‘સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌’માં પણ આવે અને 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’માં પણ આવે. ફક્ત હિરોઇનો અને સેન્સર બોર્ડના સભ્યો જ બદલાય.

પરંતુ રાજકપૂર સિવાયના ફિલ્મ મેકરો બિચારા શું કરે ? એટલે એમણે જાતજાતના નુસ્ખાઓ શોધી કાઢવા પડતા હતા.

સેક્સના પ્રતીક તરીકે સૌથી ફેમસ હતું પેલું બે ફૂલનું ટકરાવું !

એ પણ સાલું, એટલી હદે સ્ટિરીયોટાઇપ થઈ ગયેલું કે એ ફૂલો પીળા કલરનાં જ હોવાં જોઈએ ! એમાંય, એક ફૂલ બીજા ફૂલને જરા વધારે જોરથી ટક્કર મારતું હોય એવું જ બતાડવું પડે !

આ ફૂલવાળો રીવાજ પતે કે તરત પોળના જાહેર નળમાં અચાનક મ્યુનિસિપાલિટીનું પાણી આવી ગયું હોય તેમ પથ્થરો વચ્ચેથી પાણીનો ધોધ વછૂટતો બતાડે ! (બિચારા સેક્સોલોજિસ્ટો પણ પોતાના વાળ ખેંચી નાંખે કે ભઇલા, આવું નથી હોતું !)

અચ્છા, કિસના મામલમાં અમે એવું વાંચ્યુ હતું કે 1930ના દશકામાં કિસ ઉપર કોઈ બાન નહોતો. 1933માં આવેલી ‘કર્મા’ નામની ફિલ્મમાં દેવીકા રાનીએ અભિનેતા હિમાંશું રોયને તસતસતું હોઠ ઉપર હોઠવાળું ચુંબન આપ્યું હતું. એ સીન ચાર મિનિટ ચાલ્યો હતો. (એ વખતે થિયેટરોમાં સીટીઓ વાગી વાગતી હતી કે નહીં એ ખબર નથી ! હયાત વડીલોને યાદ હોય તો જણાવે !)

એ ભારતીય સિનેમાનું પહેલું ચુંબન દૃશ્ય હતું. પરંતુ એ પછી આઝાદી મળ્યા પછી સેન્સર બોર્ડ જ વધારે આઝાદ થઈ ગયું અને ચુંબન દૃશ્યો ઉપર કાતર ચાલવા લાગી.

આવામાં બિચારા ફિલ્મો બનાવનારા શું કરે ? એટલે ગાયન વખતે ઝાડની આજુબાજુ નાચીકૂદીને ગોળગોળ ફરી રહેલા હિરો હિરોઇનનાં માથાં અચાનક ઝાડની પાછળ જતાં રહે અને બિચારો કેમેરો શરમાઇને આકાશ બાજુ ફાંફાં મારવાં માંડે !

ક્યારેક વળી એવું બતાડતા કે બગીચાની ઝાડીમાં હિરોઇન ગબડે, પાછળ હિરો ગબડે અને થોડી ક્ષણો પછી હિરોઇન પોતાના હાથ વડે હોઠ લૂછતી અને ચહેરા ઉપરથી શરમના શેરડા લૂછતી ઊભી થાય ! (બોલો, બીજું તો શું બતાડી શકે ? યાર, આમાં ને આમાં એક આખી પેઢીને લગ્ન પછી પણ કિસ કરતાં નહોતી આવડતી !)

આમાં કશું ‘ઓપ્પન-ઓપ્પન’ તો કહેવાય જ નહીં ને ? છતાં  ’60ના દાયકામાં સંજય અને સાધનાની એક ફિલ્મમાં ભર વરસાદમાં બન્નેના ભીના પગ એકબીજા ઉપર મોશ્ચરાઈઝિંગ ક્રીમ ચોપડવાના પ્રયત્નો કરતા હોય એવા દૃશ્યને લોકો ‘ઓપ્પન-સીન’ કહેતા હતા. બોલો.

એમાંય વળી જે ફિલ્મની સ્ટોરીમાં હિરોઇનને પ્રેગનન્ટ બનાવીને હિરોએ ક્યાંક બીજા જ ગામે પોતાનું સરનામું, ફોન નંબર કે ઇમેઇલ આઈડી આપ્યા વિના જતા રહેવાની ‘મજબૂરી’ હોય એમાં દેશનું હવામાન ખાતું અને ફિલ્મી આદિવાસી લોકો આખું પ્રિ-પ્લાન્ડ કાવતરું ઘડી કાઢતા !

થાય એવું કે પ્રેમલો-પ્રેમલી દેશના ટુરિઝમ ઉદ્યોગને મદદ કરવા માટે કોઇ જંગલમાં ગયા હોય, ત્યાં પેલી ફિલ્મી આદિવાસી સ્ત્રીઓ હિરોઇનને કોઈ ઝુંપડામાં ખેંચી જાય અને એના શહેરી વસ્ત્રો ઉતારીને એને રાજકપૂર બ્રાન્ડની બ્લાઉઝ વિનાની સાડી પહેરાવી દે ! પછી લક્ષ્મી-પ્યારે અથવા શંકર-જયકિશને તૈયાર કરેલી ફિલ્મી ધૂન ઉપર એ લોકો ગાયન સાથે ‘લોકનૃત્ય’ કરવા માંડે !

અને જાણે છેલ્લા અંતરાની રાહ જોઈને બેઠો હોય તેમ વરસાદ ભર ઉનાળાની રાતમાં વીજળીના કડાકાની સ્પેશીયલ ઇફેક્ટો સાથે વરસી પડે… હિરો હિરોઇન એક ઝૂંપડામાં જતા રહે અને બાકીના આદિવાસીઓ ? એ ‘સલામત’ સ્થળે ખસી જાય !

પછી ફિલ્મનાં બે-ચાર રીલ પતે એટલે વધુ એક ‘ક્લિશે’ સીન આવે… હિરોઇનને ઉલ્ટી થાય ! (અને બેકગ્રાઉન્ડમાં ઢેન્ટેણેન… થયા પછી કરુણ વાયોલિનો વાગવા લાગે… યાદ છે ને ?)

e-mail : mannu41955@gmail.com

Comments