તમે ટાઢા પહોરનાં ગપ્પાં તો જરૂર સાંભળ્યાં હશે. તો હવે આ કડકડતી ઠંડીમાં ટાઢા પહોરની કલ્પના જેવી સ્ટુપિડ ટચૂકડી જાહેરખબરો પણ વાંચી લો… મઝા પડશે !
***
વીજળી વેચવાની છે
આખો દહાડો હથેળીઓ ઘસ ઘસ કરવાથી જે વીજળી પેદા થાય છે તે વાજબી ભાવે વેચવાની છે ! ઝિરો વોલ્ટના 50 બલ્બની સિરીઝ એના વડે મિનિમમ એક કલાક સુધી લબૂક ઝબૂક થાય છે !
ખાસ નોંધ : વીજળી લેવા આવનારે પોતાનું વાસણ ઘરેથી જાતે લાવવાનું રહેશે ! જેને મોડેથી ટ્યુબલાઇટ સળગે છે તેવા ગ્રાહકોએ તસ્દી લેવી નહીં !
***
સળગતા કોલસા ઓનલાઇન મળશે
જે રીતે ઘેરબેઠાં ફૂડ ઓર્ડર કરી શકાય છે એ જ રીતે તમારાં તાપણાં માટે ગરમાગરમ લાલચોળ કોલસા મંગાવો ! મિનિમમ ઓર્ડર ચાર પ્લેટ.
ખાસ નોંધ : આંગળી વડે ટેમ્પરેચર માપવાની કોશિશ કરવી નહીં. છતાં ડિલીવરી જોઈ તપાસીને લેવી ! કાળા પડી ગયેલા કોલસા પાછા લેવામાં આવશે નહીં ! બર્નોલ પણ ફ્રી નથી !
***
ઓનલાઈન ફ્રી ગરમાટો મળશે
શું આવી ઠંડીમાં ગરમાટો લાવવા માટે તમે હજી XXX ટાઇપની વિડીયો ક્લીપો જુઓ છો ? જુની રીતો ભૂલી જાવ ! નવી સિસ્ટમ અપનાવો !
ઓવેસી, કેજરીવાલ, ચન્ની, મુલાયમ સિંહ, આદિત્યનાથ, અખિલેશ, રાહુલ, તથા નવજોતસિંહનાં ગરમાગરમ ચૂંટણી ભાષણો સાંભળો અને ‘ગરમ’ થઈ જાવ !
***
ઝૂંબેશમાં જોડાવાની અપીલ
ગુજરાતમાં નશાબંધી હોવાને કારણે લાખો લોકો સરખી રીતે ઠંડીને ભગાડી શકતા નથી. આનો વિરોધ કરવા માટે જાહેર ધરણામાં જોડાઈ જાઓ… અને બાટલી પીતાં પીતાં જાહેરમાં સવિનય કાનૂન ભંગ કરો !
ખાસ નોંધ : પોતપોતાની બાટલી ઘેરથી લઈને જ આવવું. સંસ્થા માત્ર સોડા આપશે. આઇસ ક્યુબની સેવા શિયાળા પુરતી બંધ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment