બકાનું 'ગો-કોરોના-ગો' કાવ્ય !

અમારો મહેસાણાવાળો બકો કોરોના ઉપર સખ્ખત બગડ્યો છે ! એણે હવે એક કવિતા લખી નાંખી છે જેમાં તે કોરોનાને મણમણની જોખાવી રહ્યો છે ! લો, તમે પણ સાંભળો….

***

અલ્યા કોરોંનિંયા

તારો વચાર શું છ ?

વિદાય લેવી છ મોંનભેર

કે ડફણોં ખાતોં જવું છ ?

બોલ, કોરોંનિંયા બોલ

તારો વચાર શુ છ ?

***

મોંન ઇંનો જ જળવાય

જે ટાઇમશર વદાય થોંય

બાકી, ગાંગુલી જેવો ગાંગુલી

બે કોડીનો થઈ જોંય !

અ’વ લાખેંણોં થઈને વખણોંવું છ ?

કે કોડીના થઈને રઝળવું છ ?

બોલ, કોરોંનિયાં બોલ

તારો વચાર શુ છ ?

***

તું આયો તોંણે ધોની અ’તો

બીજી લ્હેરમોં તો કોહલી અ’તો

પણ અ’વ તું વાશી અકરમ છ

તારા જેવા ચાર ચાર ચકરમ છ

અવ ચીનના શચિન થૈને રે’વુ છ ?

કે ઘરમોં પપ્પુ થૈને રખડવું છ ?

બોલ કોરોંનિંયા બોલ

તારો વચાર શુ છ ?

***

ચાર દા’ડામોં તો તારી

પક્કડ છૂટી જોંય છ

બે ડોઝ મોં તો તારી

ધાક ઉતરી જોંય છ

અવ તારાથી છોકરોંય ડરતોં નહીં

આ તો દંડ છ, નકર

અમીં માશ્ક ય પે’રતોં નહીં

તેં વધારી મેલ્યા ’તા

રેંમડેશીવર’નોં ઘરાક

પણ આજે હાળા તું છ

એક ‘ડોલો’નો ઘરાક !

અવ ‘ડેલ્ટા’નો મોંભો મોંણવો છ ?

કે મામુલી વાયરશ થૈને મરવું છ ?

બોલ હાહરીના, બોલ

તારો વચાર શુ છ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments