કોરોનાને ખુલ્લો પત્ર !

હરામખોર કોરોના !


આમ તો તારા માટે આનાથી પણ ખરાબ સંબોધનો મનમાં સુઝી રહ્યાં છે. પણ વાચકોની સુરુચિનો ભંગ ના થાય એટલા માટે ‘હરામખોર’થી ચલાવવું પડે છે.

અમને ખબર છે કે તું અસલમાં ચાઈનાની પૈદાઈશ છે. એટલે તને ગુજરાતીમાં ટપ્પી નહીં પડતી હોય. પણ હજારો ગુજરાતીઓનાં લોહી પીધા પછી તો કમ સે કમ તારામાં થોડી અક્કલ આવી હોય એવી આશા તો રાખીએ કે નહીં ? જોકે એટલી યે આશા કરવા જેવી નથી.

આખરે યાર, તારો વિચાર શું છે ? નફ્ફટ પરોણાની જેમ અમારા ઘરોમાં ધામા નાંખીને શા માટે બેઠો છે ? તને શું લાગે છે ? શું અમે તને વધાવવા માટે અમે થાળીઓ વગાડી હતી ? તારી આરતી ઉતારવા માટે દીવા પ્રગટાવ્યા હતા ? અરે લલ્લુ, ફૂલો તો અમે મેડિકલ સેવા આપનારાઓ ઉપર વરસાવ્યાં હતાં, અને તેં એનો હાર બનાવીને જાતે જ પહેરી લીધો ?

જો, એક વાત સમજી લે. છેલ્લા બે વરસથી તને સહન કરી રહ્યા છીએ. હવે વધારે સહન કરવાના નથી. તારું આખું સેટિંગ અમે સમજી ગયાં છીએ. તું અમારું નાસ્તા-પાણીનું, પિકનિક-પ્રવાસનું અને મોજમજાનું બજેટ અમારા ખિસ્સામાંથી કઢાવીને મોંઘી હોસ્પિટલોની તિજોરીઓ ભરી રહ્યો છે ને ?

અમને તો ડાઉટ છે કે પર્યાવરણમાંથી ઓક્સિજન ખેંચાવીને તું અમારો જ ઓક્સિજન અમને વેચી રહ્યો છે ! યમરાજાની સાથે તેં કેટલા ટકાના રેટમાં કમિશન ફિક્સ કર્યું છે એની અમને કોઈ પરવા નથી પણ હવે અમારે કોરોનાથી તો નથી જ મરવું !

આના કરતાં તો અમે સિગારેટો ફૂંકીને, માવા-મસાલા ચાવીને, દારૂ ઢીંચીને, લિવર બગાડીને, તીખું તળેલું ખાઈને, હાર્ટ બગાડીને, વધારે પડતું ખાઈખાઈને ઢમઢોલ જેવા બનીને મરતા હતા તે શું ખોટા હતા ? તારા આવવાના પહેલાં અમે લોકો યમરાજાને વધારે ઓર્ડરો આપતા હતા ! યમરાજા પણ બિચારા સમજતા નથી કે હકીકતમાં એમનો વાર્ષિક ટાર્ગેટ સાવ ઘટી ગયો છે ! સાલા, ગુજરાતીઓનું લોહી તેં પીધું છે. તું તો જરા હિસાબમાં સમજ ?

બીજી એક વાત એ પણ સમજી લે કે કોરોનાના નામે તું હવે જુના પિક્ચરની નવી નવી સિક્વલો કાઢવાનું બંધ કર ! જે પિક્ચર સૌથી પહેલું આવે એજ સુપરહિટ હોય. એના પછીની સિક્વલો ફાલતુ જ હોય ! તું ભલે ‘એમિક્રોન’ની ગમે એટલી પબ્લિસીટી કરી લે, અને ભલે ન્યુઝ ચેનલવાળા પણ તારા એજન્ટ બનીને એમિક્રોનને વધારે પડતો ચગાવી મારે, પણ અમને ખબર છે કે ઓરીજીનલ કોરોના અને નવા એમિક્રોનમાં અજય દેવગણ અને દિપક ડોબરિયાલ જેટલો ફરક છે ! (હવે એમ ના પૂછીશ કે દિપક ડોબરિયાલ વળી કોણ છે ? જાતે ગુગલ કરીને શોધી લે !)

અને હા, આ દેશના નેતાઓનાં પડખામાં ઘૂસીને તું જે ખેલ પાડે છે ને, એ પણ સમજી ગયા છીએ ! એ લોકોનાં સભા-સરઘસ અને રેલીઓમાં તો જાણે તું મોઢું પણ નથી મારતો અને રાતના દસ વાગ્યા પછી કોઈ એકલદોકલ ગરીબ માણસ નીકળે એને જ તું દબોચી લે છે, એ આખી વાત જ બોગસ છે ! અને જો સાચી હોય તો તો તું એક નંબરનો બીકણ ફોસી છે. હિંમત હોય તો ભીડમાં આવ ને ?

અને છેલ્લી વાત સાંભળી લે. અમારાં નાનાં નાનાં બાળકોને કંઈ કર્યું છે તો તારી ખેર નથી ! એ લોકોને મોબાઈલ ચલાવતાં આવડી ગયું છે. મોટા થઈને એ લોકો ‘કોરોના-વોર’ નામની ગેમ બનાવીને તને મોબાઈલોમાં જ મારી નાંખશે !

હજી કહું છું, સમજી જા ! નહિતર…

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments