જુની બોધકથા, નવા બોધ !

જુની બોધકથાઓમાં છેલ્લે જુના બોધ આવતા હતા. હવે એ જ બોધકથામાં જરા શોધો તો નવા બોધ પણ મળી આવે છે ! જુઓ…

***

સોનાનાં ઇંડાં મુકતી મરઘી

એક મરઘી હતી. તે રોજ એક સોનાનું ઇંડું મુકતી હતી.

મરઘીનો માલિક તે ઇંડું બજારમાં વેચીને ખાસ્સા એવા પૈસા લઈ આવતો. પરંતુ તે ધીમે ધીમે લોભી થવા લાગ્યો. તેને થયું ‘આ રોજ એક એક ઇંડું વેચી વેચીને હું ક્યારે ઢગલાબંધ ધનનો માલિક બની શકીશ ? લાવને, આ મરઘીને કાપી નાંખું અને એક સામટાં ઇંડા મેળવી લઉં !’

આમ વિચારીને તેણે મરઘીનું પેટ કાપી નાંખ્યું. પરંતુ અંદરથી કંઈ નીકળ્યું નહીં.

તે પસ્તાઈને રડવા લાગ્યો.

બોધ : અતિ લોભ તે પાપનું મૂળ છે.

હવે નવો બોધ સાંભળો…

નવો બોધ : જો તમે રોજ સોનાના ઈંડાં મુકી શકો એટલા ટેલેન્ટેડ હો તો કદી લોભી શેઠને ત્યાં નોકરી કરશો નહીં.

***

ફૂલણજી કાગડો

એક હતો કાગડો. તે ક્યાંકથી એક પુરી લઈ આવ્યો.

તે ઉડતો ઉડતો જઈને એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠો.

નીચેથી એક શિયાળ પસાર થતું હતું. તેને બહુ ભૂખ લાગી હતી. તેણે જોયું કે કાગડા પાસે પુરી છે એટલે તેણે કાગડાનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં.

તેણે કહ્યું, ‘વાહ કાગડાભાઈ ! શું તમારો સુંદર ચમકતો કાળો રંગ છે !’

કાગડો ફૂલાયો ! શિયાળે કહ્યું : ‘અરે, કાગડાભાઈ શું તમારી સુંદર અણીદાર ચાંચ છે !’

કાગડો વધુ ફૂલાયો ! શિયાળે કહ્યું ‘એ હિસાબે તમારું ગળું તો કેટલું સુંદર હશે ? જરા ગાઓને ! મારા જેવા સંગીતપ્રેમીને તમારા ગાયનનો લાભ આપો ને ?’

કાગડો ફૂલાઈને ગાવા ગયો ! ત્યાં પુરી પડી ગઈ.

શિયાળ તે લઈને ભાગી ગયો !

બોધ : ખોટા વખાણથી ફૂલાઈ જવું નહીં.

નવો બોધ : નેતાજી જ્યારે પ્રજાના વખાણ કરવા લાગે ત્યારે સમજી જવું કે એને જરૂર કોઈ પુરી જોઈએ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments