ફિલ્મોમાંથી 'બહેન' ક્યાં ગાયબ થઈ ગઈ ?

યાર, શું તમને એ વિચાર નથી આવતો કે આપણી હિન્દી ફિલ્મોમાંથી ‘બહેન’ ક્યાં ગાયબ થઈ ગઈ ?

બાકી, એક જમાનો હતો જ્યારે દર સાતમા પિક્ચરમાં હિરો એની બહેનની ડોલીમાં વિદાય કરવાનું ગાયન ગાવાનાં રિહર્સલો કરતો દેખાતો હોય !

પેલી ગોળમટોળ ચહેરાવાળી ફરીદા જલાલ તો ‘ફિલ્મી બહેન’ તરીકેના રોલમાં લગભગ પરમેનેન્ટ થઈ ગઈ હતી ! (આજે જો એવા બહેનના રોલ આવતા હોત તો આલિયા ભટ્ટ એમાં બરોબર ફીટ બેસે એવી છે ! અરે, આલિયા તો છોટેભૈયા તરીકે પણ ચાલે ! ચડ્ડી અને ટી-શર્ટ પહેરાવી દો, બસ !)


ફરીદા જલાલ સિવાય પણ બીજી એકટ્રેસો હતી જેમના નસીબમાં ‘બહેન’ બનવાનું જ લખેલું હતું. જેમકે તબસ્સુમ, અરુણા ઇરાની, નાઝિમા, બેબી નાઝ, કુમકુમ વગેરે. એમાંથી અરુણાજી એકમાત્ર એવાં હતાં જે પાર્ટી બદલીને આઇટમ સોંગ સુધી ઘૂસ મારી શક્યાં હતાં.

જોકે મૂળ સવાલ આપણો એ છે કે ભૈશાબ, આજકાલની ફિલ્મોમાં કોઈને ‘બહેનો’ જ નથી હોતી ? બધા મારા બેટાઓ ગર્લફ્રેન્ડોની આજુબાજુ જ આંટાફેરા મારતા ફરે છે ? બહેનોનાં ફિલ્મી પાત્રો તો છોડો, આજકાલ રિયલ લાઇફમાં પણ કોઈ છોકરો કોઈ છોકરીને ‘ધરમની બહેન’ નથી બનાવતો !

અગાઉનો જમાનો એવો હતો કે કોઈ છોકરાએ ખુલ્લી સડક ઉપર કોઈ છોકરી જોડે અમસ્તી વાત પણ કરી હોય તો પોળમાં ‘બ્રેકિંગ ન્યુઝ’ બની જતા હતા. એવા સમયે અમુક ચતુર ચાલુ છોકરાઓ છોકરીના ઘરમાં ઘૂસ મારવા માટે ‘ધરમના ભાઈ’ બની જતા હતા ! પછી તો ખુલ્લી સડક શું, ઘરના રસોડામાં પણ પ્રાયમસને પંપ મારી આપવાને બહાને મીઠી મીઠી વાતો થઈ શકે ને ?

અમને તો આજે એ વખતના ભાઈ-બહેનનાં ગાયનો સાંભળીને પણ જાતજાતના વિચારો આવે છે. જેમકે એક પિક્ચરમાં રાજેશ ખન્ના પોતે બેન્ડવાજાંવાળો બનીને ગાવા મંડે છે કે ‘ભૈયા રાજા બજાયેગા બાજા, મેરી પ્યારી બહેનિયાં બનેગી દુલ્હનિયાં, સજ કે આયેંગે દુલ્હે રાજા..’

આમાં પહેલી વાત તો એ કે, આ ભૈયા રાજા ઓલરેડી બાજા બજાઈ જ રહ્યા છે ! છતાં ‘ભવિષ્યકાળનું’ ગાયન ગાઈ રહ્યા છે ! અને બીજો પાયાનો સવાલ એ થાય છે કે યાર, ‘બનેવી’ માટેનું આખું કોઈ ગાયન કેમ નથી આવતું ? જેમ કે ‘ઘર આયા મેરા પ્યારા બહનોઈ, મૈં ને બજાઈ શહેનાઈ-ઈ-ઈ-ઈ.’

તમે ખાસ જોજો, એ જમાનાની ફિલ્મોમાં પણ બનેવી કઈ સારો માણસ નહોતો નીકળતો. કાં તો વારંવાર દહેજની માગણીઓ કરતો અથવા નોકરી-ધંધો છોડી દારૂ પી-પીને બહેનને મારઝુડ કર્યા કરતો હતો. (એ રીતે જોવા જાવ તો ‘સાલા’ને બહુ ભાવ મળ્યો છે, જુની ફિલ્મોમાં !)

બીજું એક ગાયન છે એમાં મીનાકુમારી ગાય છે કે ‘મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અનમોલ રતન, તેરે બદલે, મૈં જમાને કી કોઈ ચીજ ના લું !’ ઓ તારી ભલી થાય મીનાબો’ન ! તારા ભાઈને શું હરરાજીમાં વેચવા કાઢ્યો છે ? એના બદલે લોકો તને કંઈ ‘કિસાન વિકાસ પત્ર’ અથવા ‘રિલાયન્સ પાવર’ના શેર આપી જવાના છે ?

મેઇન સવાલ તો એ છે કે તારે તારા ભાઈની અદલા-બદલી કોઈ ‘ચીજ’ સાથે કરવી છે જ શેના માટે ? જોકે એનો ભાઈ જે બતાડ્યો છે (તમે ગાયનમાં જોજો) એના બદલામાં તો ખરેખર કોઈ જુની પ્લાસ્ટિકની ડોલ પણ ના આપી જાય !

બીજું એક ગાયન છે જેમાં ભોળી બહેન ગાય છે ‘બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ…’ ઓ ભોળી બહેના ! તારા ભાઈને ‘સંસાર’માં કચકચાઈને ‘બાંધી’ રાખવાવાળીતો તારી ભાભી આવવાની છે ! એ વખતે તું તારા ભાઈને ‘છોડાવવા’ આવજે, ઓકે ?

જોકે ફિલ્મોમાં બહેનોની હાલત ક્યારેય સારી નથી દેખાડી. બિચારીઓ સાચું જ ગાતી હતી કે ‘હમ બહેનોં કે ભાગ મેં ભૈયા, આતા હૈ એક દિન સાલ મેં !’ ખાસ તો પરણી ગયા પછી એનો ભૈયો રક્ષાબંધન વખતે જે 200-500ની નોટ આપે છે એટલું જ એના ભાગ્યમાં રહે છે.

આ બધાં ભાઈ-બહેનનાં ગાયનોમાં છેલ્લે છેલ્લે દેવઆનંદે તો કંઈ ભલતું જ લખાવી માર્યું કે ‘સારી ઉમર હમેં સંગ રહેના હૈ !’ હવે તમે જ કહો, આમાં બનેવીલાલને તો ઘરજમાઈ બન્યા વિના છૂટકો જ ના રહ્યો ને ?

જોકે અમારું દ્રઢપણે માનવું છે કે ફિલ્મોમાં જ્યારથી પેલી ‘રાખી સાવંત’ આવીને, ત્યારથી જ ‘રાખી’નાં ગીતોએ કસમ ખાધી છે કે પરદા ઉપર નહીં આવવામાં જ સાર છે !

શું કહો છો ? હવે એમ ના કહેતા કે રાખી સાવંત પાસે ‘રાખી’ બંધાવી તો જોઈએ ? બાદ મેં દેખા જાયેગા…

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. No more Shashikala and Bindu,Tabassum,Naaz are fit now for sisters because they are now great grand maa s, other
    new comers only prefer to work as Heroins in swimming suites,not sisters' roles. જય સિયારામ.

    ReplyDelete

Post a Comment