ત્રણ ટાઈપની સિચ્યુએશનો !

પતિ-પત્ની વચ્ચે ત્રણ જાતની સિચ્યુએશનો ઊભી થતી હોય છે.

***

રૂટિન ટાઇપ

તમારા પતિ રાત્રે 10 વાગે ઘરે આવે છે અને કહે છે ‘ઓફિસમાં બહુ કામ હતું.’

ભારે કરી ટાઈપ

તમારા પતિ રાત્રે 1 વાગે ઘરે આવે છે અને તમને કહે છે ‘લે ! તું તો હજી જાગતી બેઠી છે !’

હદ કરી નાંખી ટાઇપ

તમારા પતિ રાત્રે 3 વાગે ડોલતા ડોલતા ઘરે આવે છે અને તમને કહે છે ‘મેડમ… ત… ત… તમને ક્યાંક જોયાં છે !’

***

રૂટિન ટાઇપ

તમારી પત્ની તમને કહે છે ‘તમે મને કદી એક પણ સારી સાડી ખરીદીને આપી નથી.'

ભારે કરી ટાઈપ

તમારી પત્ની તમને એક દિવસ કહે છે ‘પેલા નીલકમલ સાડી ભંડારનો માલિક મારો ફેસબુક ફ્રેન્ડ થઈ ગયો છે !’

હદ કરી નાંખી ટાઇપ

તમારી પત્ની તમને બીજા એક દિવસે કહે છે ‘સુરતની પેલી અપ્સરા સાડી આવે છે ને, એના માલિકે ગઈકાલે જ એની વાઇફને છૂટાછેડા આપી દીધા ! બોલો !’

***

રૂટિન ટાઇપ

તમારા પતી તમને કહે છે ‘તારી બહેનપણીની ઓળખાણ તો કરાવ ?’

ભારે કરી ટાઈપ

તમારા પતિ એક દિવસ તમને કહે છે ‘પેલી તારી બહેનપણી છે ને, એણે તો મને આજે મોલમાં જ ઓળખી કાઢ્યો ! પછી અમે બંનેએ જોડે બેસીને કોફી પીધી !’

હદ કરી નાંખી ટાઇપ

તમારા પતિ બીજા એક દિવસે આખા શરીરે પાટાપિંડી સાથે ઘરે આવીને કહે છે ‘આજે તો તારી બહેનપણીનો હસબન્ડ મને મલ્ટીપ્લેક્સના અંધારામાં પણ ઓળખી ગયો !’

***

રૂટિન ટાઈપ

પત્ની : ‘આ સલમાન કેટલો હેન્ડસમ છે, નહીં !’

ભારે કરી ટાઈપ

પત્ની : ‘તમારો પેલો ફ્રેન્ડ જે અક્ષયકુમાર જેવો લાગે છે એનું નામ શું ?’

હદ કરી નાંખી ટાઇપ

પત્ની : ‘આપણા નવા પાડોશીના તો છાતીના અને પેટના મસલ્સ પણ ટાઇગર શ્રોફ જેવા જ કડક છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments