બચપનથી જવાનીના જમ્પ મારતા સીન !

વચ્ચે એક જમાનો હતો જ્યારે ફિલ્મોની શરૂઆત ‘બચપન’થી થતી હતી. એ વખતે બચ્ચાંઓને મોટા કરવા માટેની જાતજાતની ટેકનિકો રહેતી હતી. એક ટેકરી જેવો ઢાળ હોય, બે બાબલાઓ દોડતા દોડતા એ ઢાળ ઉપરના રસ્તે ચડીને ભાગતા દેખાય, પાછળ બે હવાલદારો દોડતા હોય.. અને એ પછીના સીનમાં એ જ ઢાળ ઉપરથી બે હીરો બે બાઈકો લઈને પાછા આવતા દેખાય ! અને પાછળ બે હવાલદારને બદલે ચાર ચાર જીપો દોડતી હોય !


બિચારી એકતા કપૂરનો તો તે વખતે જન્મ પણ નહીં થયો હોય, પણ સ્ટોરીમાં ૨૦ વરસનો ‘જમ્પ’ શી રીતે મરાવવો તે સૌ ડિરેક્ટરોને આવડતું હતું. નાનો બાબો મંદિરનો ઘંટ વગાડવા માટે બિચારો ઠેકડા મારતો હોય… અને પછી બીજા સીનમાં એનો પંજો ઉપર… ઉપર… ઉપર લંબાતો જાય અને છેવટે ઘંટ વાગે ! પછી ઝૂમ-આઉટ થાય ત્યારે ભાઈનું ડાચું જોઈને સમજી જવાનું કે ભાઈ પોતે જ ‘ઘંટ’ બની ગયા છે !

કોઈ કોઈ ફિલ્મમાં, (ખાસ કરીને મિથુનની ફિલ્મમાં) એ મોટો થાય ત્યારે બાઈક હવામાં ઉછળે… અને ત્યાં ફ્રીઝ થઈ જાય ! પછી પુરી સાડા સાત મિનિટ સુધી ટાઇટલિયાં પડતાં રહે ત્યાં લગી મિથુનભ’ઈ બાઈક સહિત હવામાં જ ચોંટેલો હોય ! છેવટે ડિરેક્ટરનું નામ આવે પછી જ બાઈક હવામાંથી ભોંય ઉપર પટકાય !

આની સરખામણીમાં હીરોઈનને મોટી કરવાના આઇડિયાઝ બહુ ચાંપલા ટાઈપના રહેતા હતા. હીરોઈન બેબલી હોય ત્યારે બે ચોટલામાં લાલ રિબિનો બાંધીને, તાજું ધોયેલું ફ્રોક પહેરીને, બિલકુલ ‘બુલબુલ પ્રાથમિક કન્યા વિદ્યાલય’ના પાંચમા ધોરણની ડાહી ‘ક્લાસ-મોનિટર’ હોય એવી રીતે એકાદ તુલસી ક્યારમાં નાનકડી લોટી વડે પાણી રેડતી હોય ! પણ પછી જ્યારે પેલી લોટીનો લોટો થઈ જાય ત્યારે ભલે  તુલસી ક્યારો એ નો એ જ હોય, તુલસીનો છોડ પણ સેઈમ હોય, છતાં પેલી બેબલી આંખે હેવી કાજલ ચીતરેલી અને હોઠ પર લાલ ચટ્ટાક લિપસ્ટિક રંગેલી હિરોઈન બની ગઈ હોય !

અમુક ફિલ્મોમાં બેબલી હિંચકા ખાતાં ખાતાં ફ્રેમની બહાર જતી રહે અને પછી, સ્લો મોશનમાં, હિંચકા કરતાંય બમણાં હિલોળા લેતા યૌવનવાળી હિરોઈન પ્રગટ થાય !

એ તો ઠીક, ’60 અને ’70ના જમાનામાં હિરોઈનની ‘બાલી ઉમર’ જાય અને એની ‘જવાની’ એન્ટ્રી મારે એ જાણે કોઈ તહેવાર હોય એવું એકાદ ગાયન આવતું હતું. એમાં વળી હીરોઈનની બે ડઝન બહેનપણીઓ એવી હરખપદૂડી થઈને નાચતી હોય કે જાણે પોતે બારમામાં જ રહી ગઈ પણ હીરોઈન BA પાસ થઈ ગઈ છે !

ગાયન પણ કંઈક એવી જ ટાઈપનું હોય : ‘ગયા બચપન, તો આઈ જવાની, કે ચૂનરી પતંગ હો ગઈ !’ અલી બ્હેન, અમે જાણીએ છીએ કે તું ચોંત્રીસ વરસની થઈ ચૂકી છે, મેકપ અને તંગ ડ્રેસના કારણે તું અઠ્ઠાવીસની લાગવા માટે મથી રહી છે પણ ગીતમાં જે ‘સોલવાં સાલ’ની વાત આવે છે એને ય બાર વરસ થઈ ગયાં, મારી માસી !

ક્યારેક વળી આવું ગાયન શરૂ થતાં પહેલાં ‘સિમ્બોલિક’ શોટ આવતો. એક નાનકડી કળી હોય, પછી ધીમે ધીમે એ ફૂટે ! અને ફૂલ બની જાય ! તે વખતે બેકગ્રાઉન્ડમાં કાં તો સિતાર ઝણઝણી ઊઠે, કાં તો સંતુરના તમામ તાર ઉપર ડંડીકા ફરી વળે !  

ફિલ્મોમાં ‘ટાઇમ-લેપ્સ’ એટલે કે અમુક સમયગાળો પસાર થતો બતાડવા માટે પણ અમુક ટિપિકલ રિવાજો હતા. જેમકે કેલેન્ડરનાં તારિખિયાંના ડટ્ટામાંથી પાનાં એની મેળે ખરતાં જાય ! અથવા એક જ ઝાડ ઉપર પાનખર આવી જાય, પછી પાંદડાં ઉગે, ફૂલો આવે, વરસાદ પડે અને ફરી પાનખર આવે…

ક્યારેક વળી ગાડાનું પૈડું આખા પરદા ઉપર ઘુમતું દેખાય ! (આમાં આપણે સમજી લેવાનું કે આ તો ‘કાલ કા પહિયા’ છે !) એ જ રીતે કુંભારનો ચાકડો ફરતો દેખાય અને માટીના લોંદામાંથી માટલું બનીને ઉતરતું દેખાય ! આમાં આપણે એમ સમજવાનું કે આ તો ‘સર્જનહાર’નો ચાકડો છે અને આપણે સૌ તો ‘માટીની મૂરત’ છીએ !

લ્યો, ચાલો ત્યારે, ફરી મળીશું… જ્યારે ડિજિટલ કેલેન્ડરમાં સાત તારીખો વારાફરતી સરકી ચૂકી હશે !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments