ગર્લફ્રેન્ડ, પત્ની, બોસ... પવન !

જો ઉત્તરાયણમાં સાવ બંધ થઈ ગયેલો પવન પત્ની, ગર્લફ્રેન્ડ કે બોસની જેમ બોલી શકતો હોય તો ?...

***

ગર્લફ્રેન્ડ જેવો પવન

શાંતિ રાખ ને બકા, આવું છું ! મને જરા તૈયાર તો થવા દે ?

પત્ની જેવો પવન

તમારે તો બસ ધાબે ચડી જવું છે ! પછી આ ઉંધિયું, તલપાપડી અને ખિચું કોણ બનાવશે ? શાંતિ રાખો ! આવું છું !

બોસ જેવો પવન

સારી હવા હોય તો તો બધા ચગાવે ! હવા વિના પતંગ ચગાવતા શીખો ! અને ભૂલતા નહીં, સાંજ સુધીમાં ટાર્ગેટ પુરો કરવાનો છે !

***

ગર્લફ્રેન્ડ જેવો પવન

આવું તો ખરી, પણ મને ગિફ્ટ શું આપીશ ? અને તારી ફિરકી હું નથી પકડવાની, હા !

પત્ની જેવો પવન

આમ વારંવાર પાછળના ધાબે કઈ સગલી માટે ફાંફા મારો છો ? હું એ બાજુથી નથી આવવાની !

બોસ જેવો પવન

આ બધાં સ્પીકરોનો શું ઘોંઘાટ માંડ્યો છે ? વર્ક-ફ્રોમ-હોમની છૂટ આપી એટલે ચગી જવાનું ?

***

ગર્લફ્રેન્ડ જેવો પવન

ફેસબુક પર પોસ્ટ મુકીને આવું છું, ઇન્સ્ટામાં રીલ અપ-લોડ કરીને આવું છું, વોટ્સએપના મેસેજો ચેક કરીને આવું છું… જાનું, તું ઓફલાઇન ના જતો, બસ, હમણાં જ આવું છું !

પત્ની જેવો પવન

આ શેતરંજી પાથરો, પેપરની ડીશો ઊડી જાય છે. એ સરખી ગોઠવો, ઉંધિયાનું તપેલું નીચેથી લેતા આવો… ધાબા ઉપર ખાલી પતંગ ચગાવવા નથી આવ્યા, તમે !

બોસ જેવો પવન

ઠીક છે. ઉત્તરાયણને બદલે વાસી ઉત્તરાયણમાં થોડી હવા આપું છું ! પણ હવે ફેબ્રુઆરીમાં કોઈ એક હોલીડેમાં વર્કીંગ ડે રાખવો પડશે ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments