હું નાનો હતો ત્યારે ફિલ્મમાં કોઈના મરવાનો સીન આવે ત્યારે મને બહુ બીક લાગતી !
એક તો પેલો ડોસો મરવા પડ્યો હોય, (અને ઉપર યમરાજા એને લઈ જવાની ઉતાવળ કરતા હોય) ત્યારે ઘરનાં બૈરાંઓ મોટે મોટેથી ડૂસકાં લેવાનું ચાલુ કરે… એમાં વળી એકાદ તો નમૂનો એવો હોય જ, જે ડોસાની છાતીએ માથું પટકીને કહેતો હોય ‘બાબુજી, મત જાઓ… મત જાઓ…!’ એક બાજુ ડૂસકાનું કોરસ ચાલતું હોય, બીજી બાજુ ડોસો હેડકીઓ લેતો હોય, એના ડોળા ક્લોઝ-અપમાં ચકળવકળ થતા હોય, મંદિરીયામાં મુકેલા દીવામાં શી ખબર, 20 ફૂટ દૂરની બારીમાંથી, શી રીતે પવન નિશાનેબાજી કરતો હોય તેમ ઘૂસી આવતો હોય અને દીવાની જ્યોત ફડફડાટ કરવા મંડે…
અને પછી, ડોસો મરતાં પહેલાં જે કંઈ સૂચના આપવા માગતો હોય તે વાક્ય અધૂરું રહી જાય ! અને એની ગરદન કપાયેલાં પતંગની માફક લટકી પડે !
બસ, એ જ ક્ષણે પેલાં બૈરાં એક સામટી પોકો મુકે… ‘નહીંઈઈઈ…’ બેકગ્રાઉન્ડમાં ધેણેણેણેન્… કરીને ધમાકો થાય અને પછી શરણાઈના કરુણ સ્વરો પેલાં રડવાનાં અવાજોની હરિફાઈ કરતા હોય તેમ તાર-સપ્તકમાં ઊંચે ધસી જાય ! અને હા, ડોસાની ગરદન ‘કટી-પતંગ’ બને એ જ ઘડીએ પેલી 20 ફૂટ દૂર આવેલી બારીમાંથી કોઈ અણીદાર અદ્રશ્ય ફૂંક આવે ! અને દીવાને હોલવી નાંખે !
અત્યારે આ બધું ફરી જોઇને હસવું આવે છે પણ એ વખતે ડોસાની મરણપથારીનો સીન શરૂ થાય કે તરત જ ડરથી અમારા ધબકારા વધી જતા હતા ! પેલો દીવો હોલવાય એટલું જાણે ઓછું હોય તેમ કેમેરો ઝૂમ-ઈન થઈને બારીની બહાર જાય ! (જાણે બતાડતા હોય કે ડોસાનો આત્મા ‘અહીંથી’ ઊડીને ગયો !)
અમુક ફિલ્મોમાં મરવાના આ સીન પછી નવો સીન ખુલે ત્યારે ડોસાના ફૂલ સાઈઝના ફોટા ઉપર ચંદનનો હાર લટકતો હોય ! ત્યાંથી જ કેમેરો નીચે આવે ! અમને એમ થતું કે ભાઈ, આ હિન્દી બોલનારી પબ્લિકના સમાજમાં કંઈ બેસણાં-ફેસણાંનો રીવાજ જ નથી હોતો ? કમ સે કમ બારમાના લાડવા ખવરાવતા હોય, એવી પંગત તો દેખાડો ?
અચ્છા, તમે એ પણ માર્ક કરજો કે સ્મશાનમાં ચિતા સળગતી હોય એવા સીન વખતે મરનારનાં બે-ચાર સગા-વહાલાં જ ઊભાં ઊભાં જાણે ‘બે મિનિટનું મૌન’ પાળી રહ્યા હોય એવાં દેખાડશે ! અલ્યા, કમ સે કમ પેલા ડોસાને ઠાઠડીમાં ઉપાડી લાવનારા બીજા ચાર જણાને તો દેખાડો ? ગમે એટલી ધનવાન પાર્ટી ઊઠી ગઈ હોય તોય સ્મશાનમાં તો માંડ અડધો ડઝન ડાઘુઓ જ દેખાતા હોય ! કેમ ભઈ ? મરનારનાં કુટુંબીઓ શું એટલા કંજૂસ હશે કે ડાઘુઓને ત્યાં ચવાણું પણ નહીં ખવડાવે ?
આ તો મરનાર પાર્ટી સિનિયર સિટિઝન ટાઇપ હોય એની વાત થઈ, બાકી, જ્યાં સ્ટોરીમાં ‘લવ-ટ્રાએંગલ’ હોય ત્યાં તો અઢારમાં રીલમાં બેમાંથી એક હીરોને મરવાનું નક્કી જ હોય છે ! ‘દિલ એક મંદિર’માં રાજકુમાર કેન્સરનો દર્દી હોય તોય મારો બેટો એ નથી મરતો અને રાજેન્દ્રકુમાર ઓપરેશન સકસેસફૂલ થયું એના હરખમાં જ હાર્ટ-એટેકથી મરી જાય ! બોલો.
બિચારો રાજેન્દ્ર કુમાર એ મામલે અન-લકી હતો. રાજકપૂરને ‘સંગમ’નો એન્ડ સાડા ત્રણ કલાક પછી ગમે એમ કરીને લાવવો જ પડે એમ હતું એટલે રાજેન્દ્રકુમારે પોતાની જાતે જ ગોળી મારી દીધી ! એ વખતે તમે માર્ક કરજો, બેટમજી રાજકપૂર રાજેન્દ્રકુમારનો હાથ પોતાના બન્ને હાથમાં લઈને એમાં કપાળ ખોસીને રડવાની એક્ટિંગ કરે છે ત્યારે હોઠના ખૂણે જે સ્માઈલ આવે છે તે સિનેમાહોલની છેક છેલ્લી લાઇનમાંથી પણ દેખાય એવું સ્પષ્ટ હોય છે !
(હકીકતમાં તો ‘સંગમ’ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે રાજકપૂરે સ્ટેપ બાય સ્ટેપ રાજેન્દ્રકુમારને ગિલ્ટી ફીલ કરાવીને આપઘાત કરવા માટેની ‘પ્રેરણા’ આપવાની જાળ બિછાવી હોય છે !! યસ !! )
આવા લવ ટ્રાએન્ગલના મરણમાં એ પણ ફીક્સ હતું કે એમ્બ્યુલન્સો બોલાવવાને બદલે મરનારો હીરો પુરી પાંચ મિનિટ સુધી ‘તુમ્હારી ફલાણી ફલાણી ગંગા કી તરહા પવિત્ર હૈ’ વાળી સ્પીચ આપશે ! અલ્યા, આટલી વારમાં તો તને ICUમાં ભરતી કરી દીધો હોત ! પણ તો પછી પિક્ચરનો એન્ડ શી રીતે લાવે ? (છાપામાં સદ્ગતનો ફોટો પણ ના આવે.)
આમાં બીજું પણ એક વેરિએશન આવતું. જેમાં હિરોઈન કોઈ પહાડી ઉપરથી આત્મહત્યા કરવા માટે ગઈ હોય અને તેના બ્લાઉઝમાંફીટ કરેલા GPSથી બન્ને હીરો લોગને ખબર પડી જતી હતી કે બહેન કઈ ટેકરી ઉપર પહોંચી ગયા છે ! પછી હિરોઇનને બચાવવા જતાં બિચારો સાઇડ હિરો જ ખીણમાં ધબાય નમઃ થઈ જાય !
છેલ્લે ‘ધી એન્ડ’ના ટાઇટલ વખતે ગ્રુપ ફોટો પડાવવા માટે બીજા બધા કલાકારો પણ પહોંચી ગયા હોય ! રાઇટ ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment