કોરોનાએ નાંખ્યાં લંગશિયાં !

બરોબર સામી ઉતરાણે કોરોનાએ આપણા આનંદમાં લંગશિયાં નાંખ્યાં છે ! મકરસંક્રાંતિમાં અને લગ્નોમાં કોરોના વડે સરકારે ટાંગ અડાડી છે…

***

સરકાર કહે છે કે ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર સ્પીકરો વગાડવા ઉપર પ્રતિબંધ છે…

- ભઈ કમાલ છે ? થાળી વગાડવાથી કોરોના જતો રહે ! અને મ્યુઝિક વગાડવાથી શું દોડતો પાછો આવે ?

***

અચ્છા, વાસી ઉત્તરાયણને દહાડે સ્પીકરોમાં જુનાં અને વાસી ગાયનો વગાડીએ તો ચાલે ? દાખલા તરીકે જુના સાયગલનાં, અને વાસી નદીમ-શ્રવણનાં !

***

અને બીજું, સ્પીકરોમાં જો મોદી સાહેબનું ભાષણ વગાડીએ તો ના ચાલે ? કોરોના એમના અવાજથી તો ડરે જ ને !

***

લગ્નોમાં પણ કોરોનાનાં લંગશિયાં નડવાનાં ! 400ની લિમિટ ગણીને જે કંકોત્રીઓ મોકલેલી એમને હવે શું કહેવાનું ? ‘કંકોત્રી પાછી મોકલી આપજો, કુરિયરના પૈસા અમે આપી દઈશું’ એમ ?

***

અને હા, જેમને ફક્ત ઓનલાઇન કંકોત્રીઓ મોકલેલી, એમની પાસેથી ઓનલાઇન ચાંલ્લો તો લેવાય જ ને ?

***

ઉત્તરાયણમાં પતંગો કપાવાની અને પછી લગ્નોમાં સગાં કપાવાનાં !

***

ટીવી ન્યુઝમાં સનસનાટીભરી હેડલાઇનો આવશે : ‘ગુજરાતમાં 15 દિવસના લગ્નગાળામાં 15000 સગાવ્હાલાં કપાયાં ! કોરોનાએ મચાવ્યો કાળો કહેર… ઠેરઠેર ચાલી રોક્કળ…’

***

ઉત્તરાયણમાં પાંખો કપાયેલાં પક્ષીઓની સારવાર તો જીવદયાવાળા કરશે પણ લગ્નોમાં ઇન્વીટેશનો કપાયેલાં બોયફ્રેન્ડોની સારવાર કોણ કરશે ?

***

અને હા, લગ્ન પછી કન્યાની વિદાય કરવામાં જો રાતના 10 વાગી જાય તો પછી કરફ્યુમાં વરરજા ક્યાં જશે ? એને તો સાસરીમાં જ ‘કન્ટેઇન’ કરી રાખવો પડશે ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments