વીતેલા વર્ષના એવોર્ડ્ઝ !

2022માં 2021 જેવી વાટ ના લાગે એવી શુભેચ્છાઓઓ સાથે જાહેર કરીએ છીએ 2021ના બેસ્ટ એવોર્ડ્ઝ…

***

પ્રેસિડેન્ટ ઓફ ધ યર

બાઇડન પણ નહીં, પુતિન પણ નહીં અને અફઘાનિસ્તાનમાંથી ભાગી છૂટેલા ઘાની પણ નહીં ! એવોર્ડ તો જાય છે કોંગ્રેસના પ્રેસિડેન્ટને… જે કોણ છે એ હજી ‘ઓફીશીયલી’ નક્કી નથી !

***

ચાઇલ્ડ ઓફ ધ યર

દરેક વખતે રાહુલબાબાને ખેંચી ના લાવો યાર ! આ વરસનો સર્વોત્તમ બાળક આર્યન ખાન હતો ! જુઓને, ધરપકડ પછી કેટલો સુધરી ગયો છે ? ના ફેસબુક, ના ઇન્સ્ટા, ના પબ્લિસીટી, ના પાર્ટી… બિચારો પેલો તૈમૂર પણ જલે છે એનાથી !

***

ઇનોવેટિવ ગેજેટ ઓફ ધ યર

ફેસબુકવાળા ઝુકરબર્ગના મેટાવર્સના ચશ્મા આવશે ત્યારે આવશે પણ ઇન્ડિયામાં કોરોનાની બીજી લહેર વખતે બજારમાં જે ઓક્સિજન માપવાના મશીન હતાં એ જબરાં ચમત્કારી હતાં ! સાલું, એમાં તો ભજિયું પણ શ્વાસ લેતું દેખાતું હતું !

***

શહીદ ઓફ ધ યર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવત તો ખરા જ. પરંતુ એથી પણ વધારે અણધારી શહીદી રૂપાણી સાહેબ અને એમના આખા મંત્રીમંડળની હતી ! એક સામટા શહીદ થઈ ગયા બિચારા…

***

આંદોલન ઓફ ધ યર

ખેડૂત આંદોલન તો ખરું જ. પણ એથી ય વધારે હકદાર છે એ આંદોલન, જે આ ખેડૂતોને દેશદ્રોહી, ભાગલાવાદી, ખાલિસ્તાની અને આતંકવાદી સાબિત કરવા માટે ચાલી રહ્યું હતું !

***

સિંગર ઓફ ધ યર

સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંઘ કે નેહા કક્કડ નહીં પણ સહદેવ દિરદો… જેણે ગાયું ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે…’

***

મન્નુ શેખચલ્લી

Comments