WFHની પરમેનેન્ટ માંગણીઓ !

કોરોનાકાળમાં જે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ ચાલુ કરાવ્યું હતું એમાંથી મોટાભાગની IT કંપનીઓને આ ફાવતું મળી ગયું છે ! એક તો બધાને પોતપોતાનાં કોમ્પ્યુટરો ઉપર જ ઘેરબેઠા મજુરી કરાવવાની અને ઉપરથી ઓફિસની લાઈટો, એસી, પટાવાળા, સાફસફાઈ અને ચા-કોફીના કોઈ ખર્ચા જ નહીં !

જોકે હવે સરકારે WFHના નવા નિયમો બનાવવા માટે એક કમિટિ બનાવી છે. આ કમિટી પણ ‘ઘેરબેઠાં’ બધું ઓનલાઇન નક્કી કરી નાંખશે કે ‘ડિસ્કસ’ કરવા માટે સરકારી ખર્ચ ગોવા-મહાબળેશ્વર જશે એ ખબર નથી પણ છંછેડાયેલા અને ત્રાસેલા (બોસથી નહીં પત્નીથી) કર્મચારીઓ હવે આવી માગણીઓ કરવાના છે…


(1) અત્યાર સુધી તો અમે ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર, ડ્રોઇંગરૂમની ટિપોય ઉપર, બેડરૂમના ઓશિકા ઉપર અને ધાબાની ટાંકીઓ ઉપર લેપટોપ રાખીને (નેટવર્ક ના પકડાતું હોય ત્યારે ધાબે જવું પડે છે) કામ કર્યું.

પણ હવે એક ટેબલ, એક ખુરશી, એક કચરાટોપલી, એક પગલૂછણિયું, એક એશ-ટ્રે, એક ઝાપટિયું અને પાણીના બે ગ્લાસ… કંપનીના લેપટોપ સાથે જ આપવાના રહેશે.

(2) ઓફિસ ટાઇમ દરમ્યાન અમે જે ચા-કોફી જાતે બનાવીએ છીએ એના માટે દૂધ, ચા, ખાંડ, કોફી, કપ-રકાબી, ટ્રે, ટી-કોસ્ટર, તપેલી, ગળણી ગેસ લાઈટર અને રોજનો અડધો લિટર LPG ગેસનો પુરવઠો… આ બધું રોજનાં પાર્લે-જીનાં છ બિસ્કીટો સાથે પુરાં પાડવાના રહેશે.

અને હા, અમારા જ પટાવાળા તરીકે અમે પટાવાળાની ડ્યૂટી કરીએ છીએ એટલે ચોથા વર્ગના કર્મચારીના રોજના એક કલાકનું પગાર-ભથ્થું અમારા પગારમાં ઉમેરા આપવાનું રહેશે.

(3) કામના કલાકો નક્કી કરવા બેઠા છો તે રિસેસના કલાકોનું પણ હવે કંઇ વિચારો. ઓફિસમાં તો બોસની પંચાત અને બીજા લોકોની કુથલીઓ કરવા માટે કેન્ટિન હતી, પણ હવે શું ?

એટલે ઓનલાઇન પંચાત કરવા માટે એક ઝૂમ પંચાત ગ્રુપ અલગથી બનાવવું પડશે. જેની જાસૂસી જો મેનેજમેન્ટ કરે તો તેની સખતમાં સખત સજા થવી જોઈએ.

(4) હવે હોમ જ વર્ક સ્ટેશન બની જવાથી એડિશનલ રિસ્પોન્સિબિલીટીઝમાં વધારો થયો છે.

આ માટે શાક સમારવાનાં ચપ્પુ, લીંબુ-સંતરાનો જ્યુસ કાઢવાના જ્યુસર, ડુંગળી સમાર્યા પછી આંખો લૂછવાનાં ટીશ્યુ પેપર, વઘાર કરતાં દાઝી જવા ઉપર લગાડવાની ટ્યુબો, પત્ની સાથે રકઝક કર્યા પછી લેવાની માથાનાં દુઃખાવાની ગોળીઓ ઉપરાંત અન્ય સ્ટાન્ડર્ડ સામગ્રી તો આપવી જ પડશે, જેમકે કચરા વાળવા માટે સાવરણી, પોતાં માટે ગાભા, નીચોવવા માટે ડોલ અને કપડાં-વાસણ માટે વોશિંગ પાવડર, સ્કોચ બ્રાઈટ, બ્રશ અને ધોકો.

(5) મહિલા કર્મચારીઓ ઓનલાઇન સારી દેખાઇ શકે એ માટે એમને એકસ્ટ્રા બ્યુટિ-પાર્લર ભથ્થું મળવું જોઈએ.

એ જ રીતે પુરુષો આરામદાયક રીતે કામ કરી શકે એ માટે એમને એકસ્ટ્રા ‘બર્મુડા ભથ્થું’ તથા ‘લુંગી ભથ્થું’ મળવું જોઈએ.

(6) અઠવાડિયામાં એક વાર કર્મચારીઓની પત્નીઓ તથા બોસની પત્નીની ઓનલાઇન ‘ઓટલા પાર્ટી’ ગોઠવવાની રહેશે.

જેથી પોતાના ઘરમાં બોસનું ખરેખર કેવું રાજ ચાલે છે તેની પોલ ખુલી જાય અને બોસની ફાલતુ દાદાગિરીઓ બંધ થાય.

(7) ઘર હવે વર્ક-પ્લેસ છે અને ઘરની બોસ તો પત્ની જ છે. એ હિસાબે હવે કર્મચારીની પત્નીની પણ બોસ જેવો જ પગાર મળવો જોઈએ. (બોસનાં મિસિસ પણ આ વાતે એગ્રી થશે!)

(8) ચાલુ નોકરી દરમ્યાન જ્યારે સ્કુલોમાં વેકેશન પડે અથવા સ્કુલો જ્યારે ઓનલાઇન હોય ત્યારે છોકરાં સંભાળવાની ડ્યૂટીને નોકરીનો ભાગ ગણવામાં આવે.

અને નાનાં બચ્ચાંને ઓફિસના ખર્ચે અને જોખમે ‘લેપટોપ-લેપટોપ’ રમવા દેવું પડશે.

(9) અને છેલ્લે, દર રવિવારે ‘રજાનો દિવસ’ ગણીને દરેક કર્મચારીને ‘ઓફિસે’ આવવાની છૂટ મળવી જોઈએ !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments