હાય ! ઓળખી મને ?

ઓફિસમાં બેસીને હિસાબના વાઉચરો અને પરચેઝનાં બિલોમાં અટવાઈ રહેલા જિગ્નેશભાઈ મોદીનો મોબાઇલ રણક્યો. અંદરથી એક મીઠો મધ જેવો અવાજ આવ્યો. ‘હાય જિગ્નેઇઇઇશ ! ઓળખી મને ?’


કાનમાં એક સાથે સોળ સોળ સ્વીટ રીંગટોન વાગતી હોય એવી ઝણઝણાટી ફેલાઈ ગઈ. સાલું, આ ઉંમરે એમને ‘જિગ્નેઇઇશ !’ કહીને બોલાવે એવું હતું જ કોણ ? છોકરાંઓ એને ‘જિગ્નેશ અંકલ’ કહેતા હતા, ઓફિસમાં એ ‘મોદીભાઈ’ બની ગયા હતા અને બૈરીએ એનું નામ ‘સાંભળો છો ?’ પાડી દીધું હતું. આવી સ્થિતિમાં સામેથી રોંગ નંબર હોય તોય કોઈપણ જિગ્નેશભાઈને ફોન પતાવતાં મિનિમમ ચાર મિનિટ તો લાગે જ ને !

‘મેં તો તને આપણી સ્કુલના રજિસ્ટરમાંથી શોધી કાઢ્યો ! બોલ યુ બિલિવ ઇટ ?’

જિગ્નેશભ’ઇ ક્યાંથી બિલિવ કરે ?

‘તમે કોણ ?’ એવું પૂછે એ પહેલાં જ પેલી બોલી ‘અરે હું ચારુલતા ! ચોટલામાં રોજ મોગરાનાં ફૂલ નાંખીને આવતી હતી એ ! હાય, હાય ! સાવ ભૂલી ગયો ?’

જિગ્નેશભાઇ શેના ભૂલે ?

ચારુ એની આગળની જ પાટલી ઉપર બેસતી હતી. એના ચોટલામાંથી રોજ મોગરાના ફૂલની બે પાંખડીઓ ચોરીને ગણિતની નોટમાં રાખીને રાતે મનોમન બીજગણિતનાં સમીકરણો ગોઠવવાનાં સપનાં જોનારો આ જિગ્નેશ તાત્કાલિક થનગનભૂષણ બની ગયો. ફોનમાં પેલી સ્વીટ રીંગટોન ચાલુ જ હતી.

‘અચ્છા સાંભળ ! હું આ શહેરમાં ફક્ત એક જ નાઇટ માટે છું. તું મને મળવા ના આવે ?’

જિગ્નેશ ના શેનો આવે ?

સાંજે બૈરીને ફોન કરીને કહી દીધું ‘ઓફિસની એક ઉઘરાણીએ જવાનું છે, રાત્રે મોડું થશે.’

પછી ફટાફટ એક સલુનમાં જઈને જિંદગીમાં પહેલીવાર મોંઘા ભાવનું ફેશિયલ કરાવ્યું. મોલમાંથી નવું રંગીન શર્ટ, નવું ટ્રાઉઝર, નવા શુઝ ખરીદી, પહેરી, જુનો માલ નવી શોપિંગ બેગમાં ઠૂંસીને રિ-લોન્ચ થયેલો, ન્યુ ઇમ્પ્રુવ્ડ જિગ્નેશ, પેલી ચારુલતાએ લખાવેલી હોટલની ઝગમગાટભરી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો.

‘હાય જિગ્નેઇઇશ ! તારે બહુ વેઇટ તો નથી કરવું પડ્યું ને ?’

એવું કહેતી ચારુલતા પુરા અડધો કલાક રાહ જોવરાવ્યા પછી સાક્ષાત પ્રગટ થઈ ત્યારે જિગ્નેશભઇ જોતા જ રહી ગયા ! ક્યાં પેલી ચોટલાવાળી ચારુ અને ક્યાં આ ‘લતા’ યાને કે બોગનવિલાની ‘વેલ’ જેવી ચાર્મિંગ- લતા!

જોકે અહીં એક કરેક્શન ખરું, કે વેલ સાવ બોગનવિલા જેવી પાતળી નાજુક નહોતી પણ વડના ઝાડ ઉપરથી લટકતી હોય તેવી જરા ડબલ-એક્સ સાઇઝની હતી !

પણ એથી શો ફેર પડે છે ? ચોટલાની જગાએ બોયકટ વાળ હતા, સાદા ફ્રોકને ઠેકાણે સ્લીવલેસ બ્લાઉઝ અને શિફોનની લીસ્સી સાડી હતી, અને સ્કુલના દફતરને બદલે સિલ્વર કલરનું મસ્ત પર્સ હતું.

ચાર્મિંગલતાએ બેસતાંની સાથે પર્સ ખોલીને એમાંથી નાનો મિરર કાઢીને પોતાનો મેકપ સરખો કરી લીધો. જિગ્નેશભઇ તો જોવામાં જ ખોવયેલા હતા. છેવટે જ્યારે લતાએ તેનો સુંવાળો હાથ જિગ્નેશના હાથ ઉપર મુકીને પૂછ્યું કે, ‘સો, હાઉ ઇઝ લાઇફ ? શું કરે છે તું ? મેરેજ તો થઈ ગયાં હશે નહીં ? મારાં પણ થઈ ગયાં છે, હોં !’

ત્યારે, જિગ્નેશભઇ થોડા નોર્મલ થયા.

આડીઅવળી વાતો શરૂ થઈ. સિનિયર કારકુનની જોબ છે, વાઇફ છે, બે બાળકો છે, ફ્લેટ છે, હપ્તેથી લીધેલી કાર છે એવું બધું કીધાં પછી એણે ધીમેથી પૂછી લીધું, ‘તું શું કરે છે ચારુ ?’

જવાબમાં ચાર્મિંગલતાએ હળવો નિસાસો નાંખીને કહ્યું, ‘જવા દે ને જિગ્નેશ, અહીં એક નાઇટ માટે જ છું ! પણ જો હું તારા માટે શું લાવી છું…’

એમ કહેતાં તેણે એક મોટી હેન્ડબેગમાંથી મોંઘી બ્રાન્ડના પરફ્યુમની છ બોટલ ટેબલ ઉપર મુકતાં કહ્યું ‘આ તારી વાઇફ માટે !’

જિગ્નેશના ગળે હેડકી અટકી ગઈ. ‘વાઇફ ? એને શું કહીશ, કે – આજે મારી એક -’

ત્યાં તો લતાએ ટેબલ ઉપર બીજાં બે બોક્સ મુક્યાં. ‘આમાં તારા માટે ઇન્ટરનેશનલ બ્રાન્ડની ગ્રુમિંગ કીટ છે અને તારી વાઇફ માટે મેકપ કીટ ! એન્ડ યસ..’ વધુ બે ચાર આઇટમો હતી. બેબી માટે બે ડ્રેસ અને બાબા માટે બે જિન્સ !

જિગ્નેશ અટકી ગયેલી અડધો ડઝન હેડકીઓ વચ્ચે હજી કંઈ પૂછે એ પહેલાં લતાએ ચાર્મિંગ સ્માઇલ ઝબકાવતાં તેના હાથ ઉપર હાથ મુકી દીધો.

‘પ્લીઝ, ના નહીં કહેતો ! આ બધાનો ટોટલ અમાઉન્ટ ફક્ત થર્ટી ફાઇવ થાઉઝન્ડ છે. એન્ડ ડોન્ટ વરી. જો તું મારી જેમ અમારી કંપનીનો મેમ્બર બનીને દર મહિને થર્ટી થાઉઝન્ડનું સેલ કરી આપે તો ફૂલ ટ્વેન્ટી પર્સેન્ટનો પ્રોફિટ મળશે ! બોલ, મેમ્બર બની જઈશને જિગ્નેઇઇશ ?’

જિગ્નેઈઈશ બિચારો શું બોલે ? તમે જ કહો.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Thangan bhushan clean bold but koi modi ne banavi jay baat kuch hajam nahi huyi

    ReplyDelete
  2. Modi surname walo point 👌🎉😀😀🌸 ha ha ha

    ReplyDelete
  3. મોદીનાં ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવાઈ ગયું મામા!

    ReplyDelete
  4. ચારુ ની માર્કેટિંગ જોરદાર છે

    ReplyDelete

Post a Comment