વૈજ્ઞાનિક વિલન અજીત !

લો બોલો, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે એક સિગારેટ પીવાથી માણસની જીંદગીમાંથી સાડા પાંચ મિનિટ ઓછી થઈ જાય છે.

હવે જુઓ, જુના જમાનાનો ક્લાસિક વિલન ‘અજીત’ આનો કેવો ઉપયોગ કરે છે ?

***

વિલન અજીતના અડ્ડામાં હિરોને થાંભલા સાથે બાંધી રાખ્યો છે. હિરો ગુસ્સામાં છે. એ કહે છે :

‘કુત્તે ! કમીને ! મૈં તેરા ખૂન પી જાઉંગા !’

સાયન્ટિફીક નોલેજ ધરાવતો અજીત શાંતિથી કહે છે : ‘કોઈ…. ફાયદા નહીં હૈ ! મેરા બ્લડ શ્યુગર લેવલ બહોત હાઈ હૈ. તુમ્હેં ડાયાબિટિસ હો જાયેગા !’

હિરો ધૂવાંપૂવાં થઈને કહે છે ‘એક બાર મેરી રસ્સી ખોલ દે ! મૈં તુમ્હેં કચ્ચા ચબા જાઉંગા !’

અજીત હિરોની મેડિકલ ફાઇલ જોઈને કહે છે ‘તુમ ઐસા નહીં કર સકતે ! ક્યું કિ તુમ્હારે દાંત કે મસૂડે કમજોર હો ચૂકે હૈ… તુમ ને શાયદ નમકવાલા ટુથપેસ્ટ ઇસ્તેમાલ નહીં કિયા થા !’

આ બધી દલીલોથી કંટાળેલો અજીતનો ચમચો માઇકલ કહે છે : ‘બોસ, ઇસે ગોલી માર દૂં ?’

અજીત હસે છે ‘મૈં ઇસી ઇતની આસાની મરને નહીં દૂગા !’

પછી વિલન અજીત એની બન્ને સેક્રેટરીઓને સૂચના આપે છે : ‘મોના, તુમ કેલક્યુલેટર લાઓ… ઔર સોના તુમ હિસાબ લગાઓ !’

‘કૈસા હિસાબ, સર ?’

‘અગર હમેં ઇસ હિરો કી જિંદગી સે પૈંતાલિસ સાલ કમ કરને હૈ તો ઉસે હમેં કિતની સિગારેટ પિલાની પડેગી ?’

સોના અને મોના કેલક્યુલેટરમાં ફટાફટ ગણત્રી કરીને કહે છે ‘બોસ, તૈંતાલીસ લાખ નિન્યાન્વે હજાર, આઠસો સતત્તર સિગારેટ ઔર દો ઠૂંઠાં !’

‘અચ્છા ?’ અજીત માથું ખંજવાળે છે પછી માઇકલ કહે છે :

‘માઇકલ, ઇસે બીડી પિલા પિલા કર માર ડાલો ! હમેં કો…. ઈ જલ્દી નહીં હૈ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments