ફિલ્મી ગીતોમાં વૈજ્ઞાનિક શોધો !

તમને કદાચ ખબર નહીં હોય પણ હિન્દી ફિલ્મોમાં ગાયનો લખનારા ગીતકારોએ જબરદસ્ત વૈજ્ઞાનિક શોધો કરેલી છે ! દાખલા તરીકે…

***

એક ગીતકારે એવી જોરદાર શોધ કરી છે કે આપણને હવે માચિસ, દિવાસળી, લાઈટર એવી ચીજોની જરૂર જ નહીં પડે ! એમની સિક્રેટ ફોર્મ્યુલા એવી છે કે –

‘બીડી જલઈ લે, જિગર સે પિયા !
જિગરમાં પડી આગ હૈ !’

***

ખગોળશાસ્ત્રીઓ અને પંચાગવાળા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી… આ બધાની ભ્રમણકથાઓની ગણત્રી કરીને થાકી ગયા ! પણ બોસ, ધોળે દહાડે ગ્રહણ શી રીતે થાય છે એની સિમ્પલ અને સાદી ફોર્મ્યુલા શું છે, ખબર છે ?

તૂને કાજલ લગાયા… દિન મેં રાત હો ગઈ !’

***

હમણાં થોડા દહાડા પહેલાં તો કેવાં માવઠાં થઈ ગયાં ? કોઈ ગામમાં કરા પડ્યા, કોઈ ગામમાં તો વીજળી પડી ! હવામાન ખાતું કીધે રાખે છે કે ફલાણા સમુદ્રમાં ફલાણું ડિપ્રેશન છે અને ઢીકણું વાવાઝોડું ફલાણા વિસ્તારના લો-પ્રેશરને કારણે આવવાનું છે…

પણ બોલો, આ બધાં ખતરનાક તોફાનોનું મૂળકારણ કોણ છે, ખબર છે ? લો, સાંભળો…

આ કર કે મેરી કબ્ર પર,
તૂ ને જો મુસ્કુરા દિયા,
બિજલી ચમક કે ગિર પડી,
સારા આલમ જલા દિયા !’

***

અચ્છા, દુનિયામાં આ બધું અજવાળું…. પછી અંધારું… દિવસ પછી રાત… આવું બધું શી રીતે થાય છે ? આપણને એમ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે એટલે ને ? પણ ના બોસ ! અહીં તો એક ફિલ્મી કવિ નવરો બેઠો બેઠો એક છોકરી પાસે જ આ બધું કરાવી રહ્યો છે ! સાંભળો…

જુલ્ફોં કો હટા દે ચહેરે સે, થોડા સા ઉજાલા હોને દે… સુરજ કો જરા શર્મિંદા કર, મુંહ રાત કા કાલા હોને દે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments