અમુક વખતે એવી એવી વાતો જોવા અને સાંભળવા મળે છે કે દિમાગમાં કરફ્યુ પડી જાય છે ! ત્યારે એક જ વિચાર આવે છે કે… ‘કાંઈ સમજાણું નંઈ !’ દાખલા તરીકે –
***
આંદોલન કરનારા ખેડુતો એક બાજુ એમ કહે છે કે અમને ‘મિનિમમ’ ‘ટેકા’ના ભાવની ગેરંટી આપો…
અને બીજી બાજુ એમ પણ કહે છે કે ખેડૂતોની આવક ‘બમણી’ કરી આપો !
- કાંઈ સમજાણું નંઈ !
***
ભારતે રશિયા સાથે મળીને 6 લાખ AK203 રાઇફલો બનાવવા માટેના કરાર કર્યા…
અને બીજી બાજુ મંત્રીશ્રી કહે છે કે આનાથી ‘શાંતિ’ અને સ્થિરતા આવશે !
- કાંઈ સમજાણું નંઈ !
***
એક બાજુ અમેરિકામાં હજી 40 ટકા જેટલા લોકોએ રસી લીધી નથી અને એનો વિરોધ પણ કરે છે છતાં સરકાર એમને કંઈ કહેતી નથી…
ત્યાં બીજી બાજુ અમેરિકાએ આફ્રિકાના છ દેશો ઉપર પ્રવાસનો પ્રતિબંધો મુકી દીધાં છે જ્યાં હજી ઓમિક્રોન વડે એકપણ મોત થયું નથી !
- કાંઈ સમજાણું નંઈ !
***
એક બાજુ જ્યારે કોરોનાની પહેલી લહેર પછી આખી દુનિયાનાં બજારો લગભગ બંધ થઈ ગયાં હતાં ત્યારે દુનિયાભરનાં શેરબજારોમાં તેજી હતી…
… હવે જ્યારે દિવાળી પછી બજારો ખુલી ગયા છે ત્યારે ભારતના રોકાણકારોના 11 લાખ કરોડનું ‘ધોવાણ’ થઈ ગયું છે !
- કાંઈ સમજાણું નંઈ !
***
એક બાજુ વિપક્ષો મોદીને ‘તુંડમિજાજી’, ‘જિદ્દી’, ‘અહંકારી’ અને ‘ઉગ્ર’ સ્વભાવના કહીને વિરોધ કરી રહ્યા છે…
… એ જ વિપક્ષો મમતા બેનરજીને મોદીના ‘વિકલ્પ’ તરીકે આગળ ધરી રહ્યા છે !
- કાંઈ સમજાણું ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment