એક ખતરનાક પ્લાન !

એક ગુપ્ત જગ્યાએ અંધારામાં ચાર ભેદી લાગતા શખ્સો ઊભા છે. ચારેયના માથા ઉપર ઊનની બુઢિયા ટોપી છે. હાથમાં ગ્લોવ્સ પહેરેલાં છે અને ચહેરાઓ મફલર વડે ઢંકાયેલા છે.

એમાંનો એક મુખ્ય માણસ જેવો લાગતો શખ્સ આખો પ્લાન સમજાવી રહ્યો છે…

‘આખો પ્લાન જરાય ગડબડ વિના પાર પાડવો જોઈએ. સ્હેજ પણ ચૂક થાય એ આપણને નહીં પાલવે…’

એ શખ્સે ચહેરા ઉપરનું મફલર સ્હેજ ઢીલું કરતાં ટેબલ ઉપર પાથરેલા નક્શા તરફ આંગળી ચીંધી.

‘બધા સમજી લો. આ ચાર રસ્તાના પહેલા પોઈન્ટ ઉપર જિગર નજર રાખતો હશે. ડાબે જમણે કે સામેની દિશાથી કોઈપણ પોલીસ વાહનની હિલચાલ થતી દેખાય કે તરત તે મોબાઇલમાં ગ્રુપ મેસેજ નાંખીને બધાને એલર્ટ કરી દેશે.’

બીજા ત્રણ જણાએ એકબીજા સામે નજરો મિલાવીને હકારમાં માથાં હલાવ્યા.

‘હવે પોઈન્ટ નંબર બે ઉપર, યાને કે બેન્કની બિલકુલ સામેની સાઇડના લાઇટના થાંભલા નીચે પરેશે ઊભા રહેવાનું છે. અહીંથી પોઈન્ટ નંબર વન બિલકુલ સામેની સાઈડે પડે છે અને પોઈન્ટ નંબર ત્રણ પાછળની સાઈડે પડે છે…’

બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

‘જેવો જિગરના મોબાઈલમાંથી મેસેજ આવે કે તરત પરેશ એલર્ટ થઈ જશે અને ફૂટપાથ ઉપરથી પથ્થર ઉઠાવીને થાંભલાની લાઈટમાં મારી દેશે ! નિશાન ચૂકવું ના જોઈએ !’

‘નહીં ચૂકે !’ પરેશે કહ્યું.

‘અને એ સાથે જ પોઇન્ટ નંબર ત્રણ ઉપર દૂરબીન લઈને ઊભેલા રાકેશને સિગ્નલ મળી જશે. એ તરત જ બાઈક ચાલુ કરીને હોર્ન વગાડશે અને ટ્રાફિક સર્કલનાં બે રાઉન્ડ મારશે ! રાકેશ સમજી ગયો ને ?’

‘બિલકુલ સમજી ગયો.’

‘બસ એ સિગ્નલ મળતાંની સાથે જ્વેલરી શોપની ઉપર સાતમે માળે આવેલા એપાર્ટમેન્ટની લાઇટો ગુલ થઈ જશે ! અને ઓપરેશન સ્ટાર્ટ થઈ જશે !’

‘એક મિનિટ…’ એક જણે. મોં ઉપરનું મફલર ખસેડતાં કહ્યું ‘હું નવો છું. આ ઓપરેશન શાનું છે ? બેંક લૂંટવાની છે કે જ્વેલરી શોપ ?’

‘ના ! થર્ટી ફર્સ્ટની પાર્ટી સેઇફ રાખવાનું પ્લાનિંગ છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments