ઓનલાઈનર્સનાં નવાં વિશેષણો !

સોશિયલ મિડીયામાં સતત ખૂંપેલા રહેવાને કારણે અને ભણતર-નોકરી પણ ઓનલાઇન થઈ જવાને કારણે દુનિયાભરમાં ‘ઓનલાઇનર્સ’ની સંખ્યા વધી ગઈ છે. પરંતુ એમાંથી અમુક નમુનાઓ ખાસ નવાં વિશેષણોને લાયક છે ! જેમકે…

***

ટ્વિટમાર ખાં

કંગના રાણાવત હોય કે રામગોપાલ વર્મા, આજકાલ તો ઓર્ડિનરી ટ્વિટ કરી ખાનારા પણ પોતાની જાતને ટ્વિટમાર ખાં સમજે છે ! બિચારાઓ વગર પગારે ડેઇલી બેઝિસ પર રોજેરોજ યુદ્ધ કરે છે અને લોહીલુહાણ થાય છે !

***

ટ્રોલ ટપોરીઓ

પોતાની ગલીમાં કૂતરાં પોતાની જાતને વાઘ સમજતા હોય એમ જેને ને તેને ટ્રોલ કરીને ગાળો ભાંડનારા વાંક દેખાણિયાઓ પતલી ગલીના ટપોરીઓ જેવા જ છે. ફરક એટલો જ કે હવે ટપોરીઓનાં પણ સૈન્ય બની રહ્યાં છે !

***

ફોરવર્ડ ફૂલણિયા

પોસ્ટ સાચી હોય કે ખોટી, કશું જોયા તપાસ્યા વિના એને દોઢસો જણાના ગ્રુપમાં ફોરવર્ડ કરીને પોતે મોટાં પરાક્રમો કરી નાંખ્યા હોય એ રીતે આ ફોરવર્ડ ફૂલણિયા રોજ મનોમન ફૂલાતા રહે છે.

***

વોટ્સએપ વિદ્વાનો

હવે તો વોટ્સએપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોને ઓક્સફર્ડ યુનિવર્સિટીવાળા પણ માન્યતા આપી દે એટલી જ વાર છે ! અગાઉ પુસ્તકિયા જ્ઞાનવાળા ડોબાઓ હતા. હવે વોટ્સએપ વિદ્વાનોએ એમને પાછળ રાખી દીધા છે.

***

‘ફેસ-ભૂખ’ પિડીતો

આમાં પિડીતો કરતાં ‘પિડીતાઓ’ વધારે છે ! પોતાનો ફેસ પોતે જ જોયા કરવાની અને સૌને બતાડ્યા કરવાની આ ‘ફેસ-ભૂખ’ની મહામારી કોરોના કરતાંય ખતરનાક બની ચૂકી છે.

***

ટકાટક ટિકટોકણિયા

આ આખી નવા પ્રકારની વન-મિનિટીયા અને અર્ધ-મિનિટીયા પ્રજાતિ છે ! આમાં જે નાચણિયા, ગાવણિયા અને જોક્સણિયા છે તે લાખોની સંખ્યામાં એકબીજાની જ નકલ કરે છે છતાં પોતાને 'ઓરિજિનલ' સમજે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments