જાગો ! 'ચા' ચાહકો જાગો !

જુઓ, એક વાત સમજી લો. ધોળિયાઓને કોફી પીવાની આદત છે. એટલે એમણે કોફી બનાવવાનાં મશીનો બનાવ્યા. એમાં એક સાઇડથી તમે તાજી કોફીના શેકેલા દાણા નાખો એટલે ત્યાં ને ત્યાં જ ગ્રાઇન્ડ પણ થાય અને પછી ગરમ પાણીમાં મિક્સ પણ થાય. અરે, મમતા બેનરજીની જેમ ગરમાગરમ ફૂંફાડા મારતી હોય એવી ‘એસ્પ્રેસો’ કોફીનાં મશીનો પણ એમણે બનાવ્યાં !


પણ અફસોસ, જે દેશનો વડાપ્રધાન ખુદ એક ચાયવાળો રહી ચૂક્યો છે. એ દેશની ઓફિસોમાં ઠોકી બેસાડેલાં ‘ટી-મેકર’ મશીનો કેમ આટલાં વાહિયાત છે ?

એક તો એમાં દૂધ નહીં પણ દૂધનો પાવડર નાંખવાનો ! કેમ ભઇ ? શું અમે ટ્રેનમાં બેઠાં છીએ ? વિમાનમાં ઊડી રહ્યાં છીએ ? (જોકે હજારો ટન માલસામાન લઇ જતી ટ્રેનો કે સેંકડો લગેજની બેગો ઉપાડીને ઉડતા વિમાનને 5-10 લિટર દૂધનું વજન ઉપાડવામાં શું જોર આવતું હશે ? અમારી સમજની બહાર છે !)

અને શું આપણે દૂધ પીતાં બચ્ચાં છીએ કે દૂધનો ‘પાવડર’ પીવડાવીને અમને છેતરવામાં આવે ?

પહેલી વાત તો એ કે પેલા ધોળિયાઓને કોફીમાં ય દૂધ નાંખવાની ટેવો જ ના હોય એટલે એમને ઇન્ડિયાની ‘ચા’માં શું ચાંચ ડૂબવાની હતી ? ટુંકમાં, પહેલી માગણી તો એ જ કે ટી-મેકર મશીનમાં દૂધ ભરવાની જગા હોવી જોઈએ. (પાણી તો દૂધવાળો મિક્સ કરીને જ આપતો હોય છે.) છતાં, માનનીય ડફોળ ધોળિયાઓને જણાવી દઈએ કે અહીં ઇન્ડિયામાં ‘આખા દૂધની ચા’ નામનો પણ એક વિશિષ્ટ પ્રકાર હોય છે.

અને ભઈ, આદુ-ફૂદીનાનું શું ?

જો એ લોકો કોફીના દાણા ભરડવાનું યંત્ર કોફી-મેકર સાથે ફીટ કરી શકતા હોય તો આપણે આદુ વાટવાનું એટેચમેન્ટ કેમ નથી રાખતા ? (અને ભૈશાબ, રેડીમેડ આદુ-જ્યુસ કે આદુ-ફૂદીના જ્યુસની તો વાત જ ના કરતા ! અમારા કિટલીવાળાઓ કંઈ મુરખા છે કે દરેક વખતે ઘરાકની નજર સામે આદુ વાટીને ચામાં નાંખે છે?)

એ જ રીતે ગરમ મસાલાનું પણ એક કન્ટેનર ‘ટી-મેકર’માં રાખવું જોઈએ. ચાની ભૂકીમાં એને મિક્સ ના કરી દેવાય.

પ્રોબ્લેમ શું છે કે, આપણા પ્રોડક્ટ ડિઝાઇનરો બધા નવી નવી જાતની કારો અને બાઇકોના વાંકાચૂકા શેપ કરવામાંથી જ ઊંચા નથી આવતા. બીજી તરફ જે કહેવાતા ‘ઇનોવેટર્સ’ છે એ બધા કાં તો હાઇ-ફાઇ અવકાશયાનોમાં પડ્યા છે, કાં તો ડફોળો માટે ઓનલાઇન ઇન્ટેલિજન્સ શી રીતે વધારવું એનાં એપ્સ બનાવવામાં બિઝી છે. એટલે તમને આટલું બધું ડિટેલમાં સમજાવવું પડે છે.

હવે ચાની મેઇન ખુબી પણ સમજો. એની અસલી મજા ક્યાં છે ?

અરે ભઇ, આદુ-ફુદીનાવાળી ચા જ્યારે ઉકળતી હોય ત્યારે એની જે સુગંધ… આહાહા… જે સુગંધ આખી ઓફિસમાં ફેલાય.. અને બોસ, ‘કામ ગયું તેલ લેવા’ કહીને જે કર્મચારીઓ (ઇન્ક્લુડીંગ બોસ)ને જે ચા પીવાનો મૂડ બની જાય… એમાં જ છે ને ?

પણ યાર, આજકાલનાં ‘ટી-મેકર’માં ચા ઉકળતી જ ક્યાં દેખાય છે ? ટુંકમાં, ‘ટી-મેકર’ એવું હોવું જોઈએ ! એનાં કાણામાંથી (અથવા ગ્રીલમાંથી) ઉકળતી ચાની સુગંધ ચારેકોર ‘ઉત્તેજક’ રીતે ફેલાય નહીં તો એ ‘ટી-મેકર’ શાનું ?

અને મારા સાહેબો, એ ‘ટી-મેકર’માંથી જે રીતે ચા નીકળે છે એ જોયું છે ? હાઇવે પાસે આવેલી કોઈ ફાલતુ રેસ્ટોરન્ટના ટોઇલેટમાં મુત્રવિસર્જન કર્યા પછી ફ્લશમાંથી જે પેલી પાણીની દદૂડી નીકળતી હોય છે એ જ યાદ આવી જાય છે ! યાર, તમે જ કહો, આવી ‘માનસિક’ સ્થિતિમાં ચા પીવી શી રીતે ગમે ?

ચાલો, પેલો કિટલીવાળો જે રીતે ઉકળતી ચાને કોઈ સરકસના ખેલાડીની જેમ હેન્ડલવાળા વાસણમાંથી ગળણાવાળી તપેલીમાં એક એક મીટર લાંબી ધારો કરીને રેડે છે એવું ભલે આ નવા ‘ટી-મેકર’માં ના થાય પણ કમસે કમ એસ્પ્રેસો કોફી મશીનના અડધા ઠસ્સા સાથે તો ચા રેડાવી જોઇએ કે નહીં ? શું કહો છો !

જોકે, છેવટે આવું ‘ટી-મેકર’ના જ બની શકવાનું હોય તો ચાયવાળા વડાપ્રધાનશ્રીને વિનંતી કે એક કાયદો એવો પસાર કરો કે દરેક ઓફિસ બિલ્ડીંગની બહાર એક ચાની લારી ઊભી રાખવી ફરજિયાત ગણાશે !

અને એની પાસે હપ્તો ઉઘરાવવો એ અક્ષમ્ય અપરાધ ગણાશે ! બોલો, ખોટી વાત છે ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments