ગુજરાતી ફિલ્મોના સમ્રાટયુગ પછીનું 'નરેશ-રાજ' !

ઇતિહાસ ગવાહ છે. કોઈપણ સમ્રાટનું રાજ યાવત્‌ચંદ્રો દિવાકરૌ ટક્યું નથી. એમાંય આ તો અભિનય સમ્રાટ હતા એટલે એમના પછી અદાઓના ‘નરેશ’ આવ્યા !

નરેશ કનોડિયાનો રંગ જરા જુદા પ્રકારનો હતો. ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ એમનો સાહિત્યનો કંઈ ઊંડો અભ્યાસ નહોતો, ઉચ્ચારોમાં વ્યાકરણશુદ્ધિનો આગ્રહ પણ નહોતો પરંતુ નરેશ કનોડિયાને સ્ટેજ ઉપર ઉછળકુદ કરીને નાચવાનો, ખ્યાતનામ હિન્દી ફિલ્મી કલાકારોની મિમિક્રી કરવાનો અને ધમાલિયાં ગાયનો મસ્તી સાથે રજુ કરવાનો અનુભવ હતો.

હા, મહેશ કનોડિયાના એ નાનાભાઈ, અને ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ નામના એ સમયના અત્યંત જાણીતા ઓરકેસ્ટ્રાનું ખાસ આકર્ષણ હતા ! આથી નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતાં ‘અદાઓ’ ઉપર વધારે મદાર રાખ્યો.


બીજી બાજુ ફિલ્મોની વાર્તાઓમાં પણ બદલાવ આવી રહ્યો હતો. જુની લોકકથાઓ, વીરગાથાઓ, સતીકથાઓ અને ઇતિહાસની કહાણીઓનો સ્ટોક ખૂટી રહ્યો હતો. એવા સમયમાં નરેશ કનોડિયાની ફિલ્મોમાં બે મોટાં ‘ન્યુ એટ્રેક્શન’ હતા. એક તો મહેશ-નરેશનું જરા ચટાકેદાર અને વધારે ધમાકેદાર સંગીત અને બીજું નરેશ કનોડિયાની ‘અદાઓ’ !

ઉપેન્દ્ર ત્રિવેદીને ભાગે તો ચપ્પટ લીસ્સી વિગો જ આવી હતી જ્યારે નરેશકુમાર પોતાનાં વાંકડીયાં જુલ્ફાં ગરદનના ઝટકા વડે ઉછાળવાની સ્ટાઇલ મારતા હતા. (ક્યારેક તો ફૂંક વડે કપાળનાં જુલ્ફાં ઉડાડતાં !) એમાં ઉપરથી કમરના ઝટકા, કેડ ઉપર બાંધેલા ખેસને ફરીથી બાંધીને બંને છેડા ખેંચવાની અદા અને પેલી સ્ટેજ ઉપરની ધમાલ-નાચના થોડા નમૂના !

ઉપેન્દ્ર ત્રિવેદી એમને મળેલાં પાત્રોને કારણે ‘આદર્શ નાયક’ વધારે લાગતા હતા જ્યારે નરેશકુમારની અદાઓ અને સંવાદોની છટાને લીધે તે શરૂઆતની બેચાર ફિલ્મોથી જ ‘લોકપ્રિય સ્ટાર’ બની ગયા.

કહાણીઓમાં સૌથી મોટો ફરક એ આવ્યો કે હવે ગામડાના પરિવેશમાં પ્રેમકહાણીઓ આવી. ‘ઢોલા મારુ’ ‘જોડે રહેજો રાજ’ ‘મેરુ માલણ’ ‘મેરુ મુળાંદે’ ‘પાલવડે બાંધી પ્રીત’ ‘ઓઢું તો ઓઢું તારી ચુંદડી’ ‘તમે રે ચંપો ને અમે કેળ’ આ બધી મૂળ તો લવ-સ્ટોરીઝ હતી. જેમાંથી અમુક જુની લોકકથાઓ ખરી પણ એમાં નવો વઘાર ઉમેરાયો, અદાઓ અને ઝમકદાર સંગીતનો ! (આમાંથી ‘મેરુ મુળાંદે’ તો કેકેએ ડિરેક્ટ કરી હતી.)

સમ્રાટ યુગ પછી ઉદય પામેલા આ ‘નરેશ-રાજ’માં એમણે સામાજિક ફિલ્મો પણ કરી જેમકે ‘હાલો આપણા મલકમાં’ ‘કડલાંની જોડ’ ‘માબાપને ભૂલશો નહીં’ ‘મોતી વેરાણા ચોકમાં’ પરંતુ કેકે જે પ્રકારની શહેરી સામાજિક ફિલ્મો બનાવતા હતા તેવા પરિવેશમાં નરેશકુમાર ખાસ ફીટ થતા નહોતા. (એના માટે રાજીવ નામના હેન્ડસમ માસૂમ યુવાનને કાસ્ટ કરવામાં આવતો.)

છતાં નરેશ કનોડિયાએ ગુજરાતીમાં 100 જેટલી ફિલ્મો કરી. જેમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ’ પછી જે ગુજરાતી ફિલ્મોનો કમ-બેકના દૌર શરૂ થયો એ ફિલ્મોમાં બાપ, કાકા કે વડીલોના રોલમાં આવતા અને છેલ્લે છેલ્લે ‘ધંત્યા ઓપન’ નામની અર્બન ગુજરાતી ગેંગસ્ટર મુવીમાં નરેશભાઇએ વૃદ્ધ થઈ રહેલા ડોનનો રોલ ભજવેલો.

‘નરેશ-રાજ’ વખતે ફિલ્મોની ટેકનિકલ ક્વોલિટી પણ જરા સુધરી હતી. પરંતુ આખો પરિવેશ ગામડાનો હોવાથી શહેરી પ્રેક્ષકોની ‘સૂગ’ કદી દૂર થઈ જ નહીં. બાકી ‘તાનારીરી’માં તો મહેશ-નરેશનું સંગીત પણ સુંદર શાસ્ત્રીય ધૂનોથી ભરપુર હતું.

‘નરેશ-રાજ’માં પરંપરાગત પ્રેક્ષકોમાં પણ બદલાવ આવ્યો. જ્યાં મોટેભાગે સૌરાષ્ટ્રનું ઓડિયન્સ ટિકિટબારીઓ છલકાવતું હતું એમાં હવે ઉત્તર ગુજરાતનાં ઘેલાં ઓડિયન્સનો ઉમેરો થયો.

નરેશકુમારના મોટાભાઈ મહેશકુમારનો સ્વભાવ એકદમ સૌમ્ય હતો. દેખાવે પણ સાંઠ વરસની ઉંમરે બાળક જેવી માસૂમ ત્વચા !  નરેશભાઈ એમનાથી દસેક વરસ નાના, સ્વભાવે પણ સાવ બીજા છેડાના, છતાં બંને વચ્ચે ગજબનું બોન્ડિંગ હતું. ઉત્તર ગુજરાતમાં એમની જે પ્રચંડ લોકપ્રિયતા હતી તે જેણે નજરે જોઈ હોય તો, કાન પકડે કે, ભલભલા અમિતાભ બચ્ચનને પણ ટક્કર મારે તેવી હતી.

જોકે આનાથી ભરમાઈને તેમણે 1986માં ‘છોટા આદમી’ નામની હિન્દી ફિલ્મનું દુઃસાહસ કરેલું ! અમદાવાદના રૂપાલી થિયેટરમાં તે પહેલા વીક પછી જ ઉતરી ગઈ હતી. દેશમાં બીજે એના શા હાલ થયા તે ખબર નથી.

આ ઝટકા પછી તરત જ પ્રજાના મિજાજની નાડ પારખીને તેઓ કમ્ફર્ટ ઝોન યાને કે ગુજરાતી ‘નરેશ-રાજ’માં પાછા આવી ગયેલા. નસીબમાં ‘રાજયોગ’ હતો એટલે ધારાસભ્ય પણ બન્યા જ ને !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments