તમે ખાસ માર્ક કરજો, અમુક ગુજરાતીઓ માટે ‘ફર્સ્ટ નાઈટ’ કરતાં ય ‘થર્ટી ફર્સ્ટ નાઇટ’ વધારે મહત્ત્વની હોય છે ! પેલી ભલે જીંદગીમાં એક જ વાર આવતી હોય અને આ દર વરસે આવ્યા જ કરતી હોય છતાં બાસઠમાં વરસે પણ આ ‘એકત્રીસમી નાઈટ’નો જાદૂ અમુક લોકો ઉપરથી ઓસરતો જ નથી.
એક તો બિચારા ‘પ્રોહિબિશન સ્ટેટ’માં ઉછરીને મોટા થયા હોય એટલે ક્યારે પીવું, કેટલું પીવું, પીધા પછી શું કરવું (જેમકે ઉલટી) અને ખાસ તો શું ના કરવું (જેમકે પેશાબ) એનું કોઈ ‘સામાજિક શિક્ષણ’ જ આપણને મળ્યું જ હોતું નથી. છતાં અમુક નમૂનાઓ મહિનામાં પંદર દહાડા દારૂને લગતી શાયરીઓ અને જોક્સને લગતા વિડીયો એવી રીતે ફોરવર્ડ કરતા હોય છે કે જાણે વિજય માલ્યા એમના જ પૈસે કમાઈને માલદાર બની ગયો હોય. (પાછા ડાયરેક્ટ માલ્યાને મેસેજ ફોરવર્ડ કરશે કે પેલા 4000 કરોડ પાછા નહીં આપો તો ચાલશે પણ કેલેન્ડર તો બહાર પાડો ? ઘરમાં ચાર-ચાર કેલેન્ડરો બહાર પડી ચૂક્યાં હોય તો પણ.)
એક તો આ પોલીસવાળા પણ 31stની આખી મઝા બગડવા માટે જ બેઠા હોય છે. તમે માર્ક કરજો, આજકાલમાં છાપાં-ટીવીમાં ડરામણા સમાચારો આવવાના ચાલુ થઈ જશે કે પોલીસે આપણી પાર્ટીઓ બગાડવા માટે કેવી ‘હવા ટાઈટ’ કરવા માંડી છે. આમાં ને આમાં આપણો રેગ્યુલર બાટલી સપ્લાયર જીગો કે ભૂરો ભાવ ખાતો થઈ જાય છે કે બોસ, આ ફેરી બહુ રિસ્કી છે હોં ! રેટ વધારે લાગશે !
આમાં છેવટે થાય શું, કે પેલો છેલ્લી ઘડીએ અંધારી રાતે પાછલે બારણે મોઢા ઉપર બુકાનીની માસ્ક મફલર બાંધીને આવે અને પસ્તીના છાપામાં જે બાટલું લપેટીને પકડાવી જાય તે જખ મારીને લેવું જ પડે ! જોવાની વાત પાછી એ પણ છે કે, ‘બોસ, આ ફેરી મેં કેવું ‘ઝોરદાર’ રિસ્ક લઈને બાટલી ‘મેનેજ’ કરી છે’ એની સ્ટોરી આપણો ગુજ્જુભાઈ બીજાઓ આગળ સંભળાવીને રોલા મારતો હોય ! એ જ વખતે એના ભાઈબંધો ચૂસ્કી લેતાં લેતાં મનમાં વિચારતા હોય કે સાલું, ટેસ્ટ કેમ નકલી માલનો હોય એવો લાગે છે ?
હવે જ્યારે ઓરીજીનલ અને નકલી માલની વાત નીકળી જ છે તો એ પણ જાણી લેજો કે પંજાબ જેવા સ્ટેટમાં જ્યાં રોજેરોજ લસ્સીને ઠેકાણે દારૂ પીનારા બેઠા છે ત્યાંના કરતાં અસલી માલની પરખ કરનારા ગુજરાતમાં વધારે છે ! (અરે બોસ, હું તો સુંઘીને જ કહી આપું ! એવું કહેનારની સામે બીજો બેઠો જ હોય, જે કહેશે, ‘એ તો કંઈ નથી, હું તો વીસ ફૂટ દૂરથી, લેબલ જોઈને જ કહી આપું કે માલ ‘બોઘ્ઘસ’ છે ! બોલો.’)
વરસના વચલે દહાડે ચાખનારો અને વરસના છેલ્લે દહાડે પીવા માટે થનગનભૂષણ બની જતો બિચારો ગુજ્જુ આ રાત્રે અગાઉથી જ એટલો બધો નરવસ હોય છે કે શિંગ ભૂજિયાંનાં પાંચ પેકેટ ખરીદતી વખતે પણ ચારેબાજુ એ રીતે નજર ફેરવી લે છે કે જાણે પોતે દાણચોરીના માલની ડિલીવરી લેવા આવ્યો હોય !
નોર્મલી તો એ ભોળિયો સોફ્ટ ડ્રીંકની દુકાને ક્યારેક જ પેપ્સી પીવા માટે ગયો હોય, પણ આ થર્ટીફર્સ્ટની નાઇટે એકસામટી ચાર સોડાની બાટલીનો ઓર્ડર આપતી વખતે બિન-જરૂરી ‘ચોખવટ’ કરી નાંખશે કે ‘હેંહેંહેં…. શું છે, કે આજે અમારા ફેમિલીમાં બધાના પેટમાં એક સાથે ગેસના ગોળા ચડ્યા છે !’
છેવટે, અમારી તો ગુજરાતની પોલીસને એટલી જ રિક્વેસ્ટ છે કે સાહેબો, જો રેડ પાડવા માટે તમે પેલું શ્વાસ લેવડાવવાનું મશીન લઈને નીકળવાના હો તો જરા જાતે બે ઘુંટ મારીને બરોબર ‘ચેક’ કરી લો તો સારું !
અને ભોળા થર્ટી-ફર્સ્ટઘેલા ગુજરાતીઓને એટલું જ કહેવાનું કે રાત્રે તમારા મોબાઈલની બેટરી ફૂલ ચાર્જમાં રાખજો, કેમકે સવાર સુધી જો પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હશે તો આખી રાત ‘ટાઈમપાસ’ શેના વડે કરશો ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment