તમને ખબર પડી કે નહીં ? સલમાન ખાનને શૂટિંગ દરમ્યાન એક સાપ કરડી ગયો !
સલમાનભાઈને તો તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરી દીધા પણ બિચારા પેલા સાપને તો કોઈ પૂછતું પણ નથી !
એટલે જ અમે એનો ઇન્ટરવ્યુ લેવા ગયા હતા. સાંભળો…
***
‘તો…’ અમે ટીવી રિપોર્ટરની સ્ટાઇલમાં સાપ સામે માઇક ધરીને પૂછ્યું : 'ડંખ મારને કે બાદ કૈસા લગતા હૈ ?’
સાપે ફૂંફાડો મારતાં અમને ચોપડાવી. ‘ડફોળ ! એ તારે સલમાનને પૂછવું જોઈએ !’
‘હા પણ એને તો ડોક્ટરોથી લઈને નર્સ, કમ્પાઉન્ડર, ચમચા, ચાહકો, મિડીયાવાળા, ફિલ્મલાઇનવાળા અને સોશિયલ મિડિયાવાળાએ પૂછ્યું જ હશે ને ?’ અમે કહ્યું.
‘તો મને શું કામ પૂછો છો?’ સાપે મોં બગાડીને વળ ખાધા.
‘તમે ગુસ્સામાં લાગો છો.’
‘ગુસ્સો તો આવે જ ને ? ડંખ મેં માર્યો અને પબ્લિસીટી સલમાન લઈ ગયો !’
‘પણ મેં તો સાંભળ્યું કે તમે બિન-ઝેરી છો.’
‘મિડિયાવાળા જે બારે મહિના ઝેર ઓકે છે એના હિસાબે તો હું બિન-ઝેરી જ ગણાઉં ને ?’
‘ઓકે. પણ તમે આ ડંખ મારવાનું ક્યાંથી શીખ્યા ?’
‘માણસના ડંખીલા સ્વભાવમાંથી !’
‘એ હિસાબે તમને સલમાન પણ ડંખીલો જ લાગતો હશે નહીં ?’
‘મારી વાત છોડોને, માણસજાતને તો પોતાનાં જૂતાં પણ ડંખીલાં લાગે છે.’
અમારી ઉપર ડાયરેક્ટ હુમલો થતો જોઈને અમે દિશા બદલી. ‘અચ્છા, તમને સલમાનનું લોહી સ્વાદમાં કેવું લાગ્યું ?’
સાપે ફરી ફૂંફાડો માર્યો. ‘શું મેં તમારી પત્નીને કદી એવું પૂછ્યું છે કે એને તમારું લોહી કેવું લાગે છે ?’
અમારા પગ તળે રેલો આવતો જોઈને અમે છટકવા જતા હતા ત્યાં સાપ અમારા પગે વીંટળાતા બોલ્યો. ‘ચાલો, અમારા ‘સ્નેઇક’ બારમાં આવવું છે ? ’
અમે ‘સ્ટીંગ’ ઓપરેશનથી બચવા માટે તરત જ ત્યાંથી ભાગી છૂટ્યા.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment