હજી શિયાળો ધીમે ધીમે ઓનલાઇન થઈ રહ્યો હતો ત્યાં તો અચાનક ચોમાસું ડાઉનલોડ થઈ ગયું ! ‘ક્રેશ’ થઈ ગયેલી સિઝનની હાર્ડ-ડિસ્કમાં હવે ગઝલ ફસાઈ ગઈ છે…
***
ગઝલની આ મહેફિલોમાં
તું કવ્વાલી ઠોક મા,
શિયાળાની આ મોસમમાં
તું ચોમાસું ઠોક મા !
***
ભજીયાં ખાઉં ગરમાગરમ
કે તાજો બદામપાક ?
કરોડપતિ જેવા આ અઘરા
ઓપ્શનો તું મુક મા !
***
ધાબું થયું છે આબુ
ઓટલો શિમલા થયો
હવે મારા રસોડામાં
તું ચેરાપુંજી ઠોક મા !
***
સ્વેટર, ઉપર રેઇનકોટ
હું ઠઠાડી નીકળ્યો,
હવે ખટારાની છાલક
પેન્ટ ઉપર ઠોક મા !
***
લગ્નના મંડપની ઉપર
તાડપત્રી ક્યાં મુકું
હજી જાન નીકળી નથી
વિદાયનું ગાણું ઠોક મા !
***
કોરોનાથી માંડ માંડ
હમણાં છૂટ્યા છીએ
નવો વળી એમિક્રોનનો
વેરિયન્ટ તું ઠોક મા !
***
પેટ્રોલ અને ડિઝલ
હજી યે મોંઘા જ છે
ગેસના બાટલાની હવે
તું પત્તર ઠોક મા !
***
ત્રણ જે કાનૂન હતા
એ ય પાછા થૈ ગયા
હવે કિસાનોની ઉપર
માવઠાં તું ઠોક મા !
***
કાન પકડ્યા, ભૂલ થઈ
બાળકોને માફ કર
માંડ નિશાળો ખુલી
ફરી ઓનલાઇનનું ઠોક મા !
***
ગઝલની આ મહેફિલોમાં
તું કવ્વાલી ઠોક મા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment