અમારો મહેસાણાનો એક બકો છે, એ જ્યારે જ્યારે કોઇ ફેમસ હોલીવૂડનું પિક્ચર જુએ છે ત્યારે એની જ ભાષામાં એને જ સમજાય એવો ‘રિવ્યુ’ લખી મોકલે છે ! તમે પણ વાંચો…
***
મન્નુભઈ, મું શ્પાઈડરમેંનવારુ નવું પિચ્ચર જોઈને આયો. હાહરું મને એમ થાય કે આ કરોળિયા ભઇને ચમ જપ નહીં થતો ? સરસ મજાનું રહેવાનું ઘર છે છતોંય ચમ ઊંચા ઊંચા બિલ્ડીંગોના ધાબે જઈ જઈને શાલ-ધાબળા વિના આખી રાતનો ઉજાગરો કરતો હશે ?
પણ હશે, ભોગ ઇંના. તમે માર્ક કરજો મન્નુભઈ, જેને જેને આવા કંઈ સુપ્પર ‘મેંન’ બનવાના ધખારા ઉપડે છે ઈંની જિંદગી હાવ ભમૈંડા જેવી થઈ જોયં છ.
આ પિચ્ચરના વારતા ય હાવ ભમૈંડા જેવી છ. થાય છ શું, કે શરૂઆતમોં જ કોંક પરાક્રમ કરવા જતોં શ્પાયડરમેન એવા લોચા માર છ કે ટીવી ચેનલવારા ઇની પથારી ફેરવી નોંખે છે. ઇંમો ને ઇંમોં આ બારમા ધોરણમોં ભણતો શ્પાઇડરમેંન અને ઇની બેનપણી ને ઇના દોસ્તારને કોઈ મોટ્ટી મેડિકલ ટાઇપની કોલેજમોં એડમિશન નહીં મલતું !
હવે તમે જ કો’ મન્નુભઈ, એડમિશન લેવા હારુ ડોનેશનના રૂપિયાનો વેંત કરવામોં શ્પાયડરમેંનને ક્યોં વોંધો આવવાનો હતો ? કોક કરોડપતિના ઘરમોં ખાતર પાડ્યું હોત તો મેળ પડી જ્યો હોત કે નંઈ ? પણ આ ભઈનેં બહાદૂરી બતાડવાના ધખારા જ એવા લાગેલા કે એડમિશન કમિટીની ચેરમેન બાઈની કારને બરોબર બ્રિજની વચ્ચોવચ્ચ ઓંતરીને રિક્વેસ્ટ કરવા જોંય છ !
ઇંમો ક્યોંકથી વિલન આવ છ અને બ્રિજ મોં ભોંગફોડ કરી મેલે છે. બોલો ! હવ તો એડમિશન ચોંથી મલવાનું ? છતોંય એ શ્પાયડરમેન એક ખંડેર ઘરમોં જાય છ. અને ઘર વળી ચેવું ? બહાર ફૂલ તડકો છ, છતોં ય અંદર બરફ પડે છે ! અલ્યા, ઘરને છાપરું જ નહીં ? અને આટલો બધો બરફ ચોંથી આયો ? ટુંડ્ર પ્રદેશમોંથી ?
ત્યોં વળી, એક જાદૂગર જેવો મોંણસ હળગતા તણખાવારા કુડાળામોંથી અંદર આવ છ ! અલ્યા, આટલા બધા તણખા ઝરે છે, તો હાહરીનો બરફ ચમ ઓગળતો નહીં ?
છતોંય એવું પૂછવાને બદલે શ્પાયડરમેન પેલા જાદૂગરને કે’ છ કે તમીં એવો જાદૂ કરો કે આખી દુનિયા મને ભૂલી જાય. એટલે હાહરી એડમિશનની અડચણ જ મટી જાય ! પણ પેલો જાદૂગર તારામંડળનાં તણખા વડે ગોળગોળ કુંડાળા કરીને મંતર ભણતો હોય ત્યોં શ્પાયડરમેંન વચમોં વચમાં દખલ કરીને કીધે રાખે છે કે મારી બેંનપણી મને ના ભૂલે, મારો ભાઈબંધ મને ના ભૂલે, મારી કાકી, મામી, કોલેજની કેન્ટિનવારો… પોંનના ગલ્લાવારો… ઇંમો ને ઇંમોં આખો જાદૂ ‘ફેલ’ થઈ જોંય છ !
હવે હોંભળજો મન્નુભઈ ! જાદૂ ‘ફેલ’ થઈ જ્યો એટલે જુના શ્પાયડરમેંનના પિચ્ચરોમોં જેટલા વિલનો હતા ઇ બધોંય હાહરીના ઓંય આઈ ગ્યા ! આ તો એવું કે’વાય, કે જોંણે એક જ પિક્ચરમોં ગબ્બર, શાકાલ, મોગેમ્બો, ડોક્ટર ડેંગ અને ભલ્લાદેવને ભેગોં કરી નોંખ્યા !
મન્નુભઈ, આપણા હિન્દી પિચ્ચરના વિલનો તો કંઈકેય મોણહ જેવા તો ખરા ? પણ હાહરીના આ વિલનોની તો નાત જ જુદી ! કોઈ આખેઆખો માટીમોંથી બનેલો તો કોઈના બૈડામોંથી અજગર જેવા વોંકાચૂકા હાથપગ નેંકળે ! બોલો, આ આખી જફા ઊભી શેના કારણે થઈ ? તો કે’ પેલી કોલેજમોં એડમિશન લેવા માટે !!
પછી આવા ઝેરી અન ઝન્નાટ વિલનોની હોંમે લડવા હારુ આગલા પિચ્ચરોમાંથી જુના શ્પાઈડરમેંનોને બોલાવ છ ! ઇમ હમજો ને કે જય, વીરુ, કરણ, અરજુ, બાહુબલિ બધોંયને બબ્બે મહિનાના પગારે નોકરી રાખ્યા !
પછી ફાઈટો ય ચેવી ? આજુબાજુ બબ્બે ડઝન હેવી વાયર જતા હોય એવા ઇલેક્ટ્રીકના મોટા મોટા થોંભલા ઊભા છ, ઇંની વચ્ચે હોંમહોંમે તારામંડળનોં ચકૈડોં અને વીજળીના કડાકાઓ કરી કરીને ફાઇટિંગ કર છ ! છતોંય ક્યોંય શોર્ટ-સરકીટ નહીં થતી ! ને ક્યોંય કોઈ શહેરોમાં લાઈટો ય નહીં જતી !
છેલ્લે તો મન્નુભઈ, મશાલ ઝાલીને ઊભેલી એક બઈનું ફેમશ પૂતળું છ ને, ત્યોં જ જઈને ફાઈટ કર છ ! અલ્યા, આ લોકોને બીજી કોઈ જગ્યા જ નહીં મલતી ? ‘એવેન્જર’મોં ય ત્યોં જ લડ્યા તા ! (એટલે જ પૂતળાનું રિપેરિંગ ચાલતું હશે)
આખરે રિપેરિંગ માટે બોંધેલા હંધોંય આડા ઊભા થોંભલા નવરા કરીને મેલ્યા તાણે એન્ડ આયો ! મું ઇમ પૂછું મન્નુભઈ, કે અમેરિકાની ગવરમેન્ટ આ લોકોને કોંઈ દંડ-બંડ નહીં કરતી ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment