ઇન્ડિયામાં નવું સ્પાઇડરમેનનું મુવી તો રિલિઝ થયું છે પણ જરા વિચારો, જો ખરેખર બિચારા સ્પાઈડરમેનને ઇન્ડિયામાં આવવું પડે તો ?
***
‘ઓફ્ફો…’ સ્પાઇડરમેનનો બોસ ડૉ. સ્ટ્રેન્જ મુંબઈની ઓબેરોય હોટલના ધાબા ઉપર આંટા મારી રહ્યો છે.
‘અઢી કલાક થયા… આ સ્પાઇડરમેનનો હજી પત્તો નથી. ક્યાં રખડતો હશે ?’
એવામાં સ્પાઈડરમેન ડોલતો ડોલતો ધાબા ઉપર આવે છે. ડૉ. સ્ટ્રેન્જ એની ઉપર બગડ્યા :
‘ક્યાં હતો તું ? તને મેં પાકી ઇન્ફરમેશન આપી હતી કે પેલો ખતરનાક વિલન ન્યુ ક્લિયર વિસ્ફોટની ફોર્મ્યુલા ચોરીને અહીં મુંબઈમાંજ ક્યાંક સંતાયો છે. તારે એને શોધીને મારી પાસે લાવવાનો હતો. પણ તું તો -’
‘જુઓ બોસ, આ મુંબઈ છે. ન્યુયોર્ક નથી.’
‘તો ?’
‘અહીં અમુક જ એરિયામાં ઊંચા ઊંચા બિલ્ડીંગો છે. બાકી પેલું શું કહેવાય, ધારાવી… હા ધારાવી એરિયામાં તો બાર-બાર કિલોમીટર સુધી ઝુંપડા જ છે.’
‘એમાં હું શું કરું ?’
‘અરે બોસ, પેલો વિલન એ ઝુંપડપટ્ટીમાં જ બાઇક ભગાવીને છૂ થઈ ગયો.’
‘તો તારે પીછો કરવો જોઈએ ને ?’
‘કંકોડામાંથી પીછો કરે ? મારા ચમત્કારિક રસથી બનેલાં દોરડાં હું ક્યાં લટકાવું ? ઝુંપડાઓનાં પતરાં ઉપર ? એમાં વળી એક જુનું મકાન તો મારી સ્પીડના પવનથી જ પડી ગયું !’
‘ઠીક છે, ઠીક છે, પણ અઢી કલાક સુધી તેં કર્યું શું ?’
સ્પાઇડરમેને બગાસું ખાધું પછી બોલ્યો. ‘બોસ, એમાં શું થયું કે ત્યાં એક બહુ મોટો ઉકરડો હતો અને એની ઉપર ઢગલાબંધ માખીઓ, મચ્છરો અને જીવાતો બણબણતી હતી.’
‘તો ?’
‘મારા મોંમાં પાણી આવી ગયું ! આખરે તો કરોળિયો જ છું ને ?’
‘હા, પણ એમાં અઢી કલાક ?’
‘બોસ, જરા સમજો. સાત-આઠ હજાર માખી-મચ્છર-જીવાતની ઉજાણી કર્યા પછી બપોરે જરા ઊંઘ તો આવે ને ? આ ઇન્ડિયા છે બોસ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment