રજાઈમાં... રજાઈમાં... !

આવા ગુલાબી શિયાળામાં જો પ્રિયતમા કરતાં પણ વહાલી લાગે તેવી હોય તો એક જ ચીજ છે… રજાઈ ! એ જ વાત ઉપર માણો આ નવી ગઝલ…

***

જીવનનાં સુખ ને દુઃખો છે

રજાઈમાં… રજાઈમાં…

વધુ બે ક્ષણ તો રહેવા દો

રજાઈમાં… રજાઈમાં…!

***

કોણે શું પામી લીધું, કહો

વહેલાં ઊઠી, દોડી દોડીને ?

પૂછો તો સઘળી સંપત્તિ છે

રજાઈમાં… રજાઈમાં…!

***

ભલે મહેલો ના હો, કે

ના હો નોકરો-ચાકરો

અહીં તો સારી ઐયાશી છે

રજાઈમાં… રજાઈમાં…!

***

બસ, એક એની યાદ, ને

બીજો આપી દો મોબાઈલ

પછી તો જોઈએ બીજું શું ?

રજાઈમાં… રજાઈમાં…!

***

ભલે શોધો તમે સત્યો

જગતની જંગ-ઓ-જહેમતમાં

અહીં સત્યમ્‌ શિવમ્ સુંદરમ્‌

રજાઈમાં… રજાઈમાં…!

***

હવા આ આવે છે ક્યાંથી ?

કે રહી ગઈ ખુલ્લી બારી છે ?

છે શાયદ ચાદરો કાણી ?

કે ખસી ગઈ સ્થાનેથી આજે ?

સમસ્યાઓ જગતની આ જ છે

રજાઈમાં… રજાઈમાં…!

***

કહી દો સમયને ‘રેસ્ટ’ લે

શી ઉતાવળ સૂર્યને છે, યાર ?

પ્રોબ્લેમો માંડ જંપ્યા છે

રજાઈમાં… રજાઈમાં…!

***

પેદા થયા ’તા ઢૂંઢવા

કોઈ સનમને ‘કલાપી’

અમને તો આમ જ મળી ગઈ

રજાઈમાં… રજાઈમાં…!

***

હવે બસ, એક મળી જાય

ગરમાગરમ ચા પથારીમાં

પછી તો સ્વર્ગ જ છે અહીં

રજાઈમાં… રજાઈમાં…!

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment