કહે છે કે કોમ્યુનિસ્ટો ભગવાનમાં જરાય નથી માનતા.
આવો જ એક કોમ્યુનિસ્ટ જંગલમાં ફરવા નીકળ્યો હતો. એણે આખી જીંદગી ભગવાનની મજાક ઉડાવતાં ભાષણો કર્યાં હતાં, સેંકડો લેખો લખ્યા હતા અને ધર્મસ્થાનોની બહાર ધરણાં કર્યાં હતાં.
ભગવાનને થયું, ચાલ, આજે આ કોમ્યુનિસ્ટને મારો ચમત્કાર બતાડું !
થોડી જ વારમાં જંગલમાં ઘનઘોર વાદળો છવાઈ ગયાં ! વરસાદ પડવા લાગ્યો ! વીજળીના ચમકારા થવા લાગ્યા !
કોમ્યુન્સિટ કહે ‘એમાં શું ? આ તો કુદરત છે !’
ભગવાને તરત જ વાદળ વીખેરી નાંખ્યાં. તડકો નીકળ્યો ! કોમ્યુનિસ્ટ ફરી બોલ્યો : ‘એમાં શું ? આ પણ કુદરત છે !’
કોમ્યુનિસ્ટ ગુમાનમાં ચાલ્યો જતો હતો ત્યાં અચાનક ‘કુદરતી રીતે’ એક રીંછ આવી ચડ્યું ! તેણે કોમ્યુનિસ્ટને પછાડી દીધો અને છાતી ઉપર ચડી બેઠું !
કોમ્યુનિસ્ટના મોંમાંથી ચીસ નીકળી ગઈ ‘ઓ માય ગોડ !’
ત્યાં અચાનક સમય થંભી ગયો ! રીંછ પૂતળું બની ગયું ! ઝરણાં વહેતાં અટકી ગયાં ! પવન સ્થિર થઈ ગયો.. અને આકાશવાણી થઈ :
‘બોલ, હવે તો માને છે ને, કે ભગવાન છે ?’
કોમ્યુનિસ્ટે હાથ જોડી દીધા. ‘ભગવાન ! માન્યા સિવાય છૂટકો જ ક્યાં છે ? પણ એક રિક્વેસ્ટ છે.’
‘શું ?’
‘મેં આખી જિંદગી તમારો વિરોધ કર્યો છે, તમારી મજાક ઉડાડી છે. હવે જો હું એમ કહું કે હું ભગવાનમાં માનું છું તો લોકો મારી બહુ મશ્કરી કરશે ! પ્રભુ કંઈક વચલો રસ્તો કાઢો.’
‘શું છે વચલો રસ્તો ?’
‘આ રીંછને ભગવાનમાં માનતું કરી દો.’
‘ઠીક છે !’
થોડી જ વારમાં ઝરણું વહેવાં લાગ્યું, પવન ચાલ્યો અને રીંછ પણ હલ્યું !
છાતી ઉપર ચડી બેઠેલા રીંછે હવે આકાશ તરફ જોયું… અને તે બોલ્યું :
‘હે ભગવાન ! આટલું સરસ ભોજન મોકલવા બદલ તારો આભાર !’
***
- મન્નુ શેખચલ્લી
મજો મજો!
ReplyDeleteThank you Navneet Bhai 😀
ReplyDelete