ખરેખર ગરીબ કોણ છે ?

આંકડાઓ કહે છે કે દુનિયાની 50 ટકા સંપત્તિ તો માત્ર 1 ટકા અમીર લોકો પાસે છે ! અને ‘ગરીબો’ની સંખ્યા સતત વધતી જ જાય છે.

પરંતુ આજના ટાઇમમાં ખરેખર ‘ગરીબ’ કોણ છે ? અમારા હિસાબે તો…

***

જો તમે 500 રૂપિયાનો ડ્રેસ 2500માં ખરીદતી વખતે કોઈ માથાકૂટ ના કરતા હો પરંતુ 25 રૂપિયાની શાકભાજી માટે જો રકઝક કરતા હો…

- તો તમે ખરેખર ‘ગરીબ’ છો !

***

જો તમે ફોનમાં માત્ર 20 રૂપિયાનું બેલેન્સ રાખીને વાત કરવા માટે હંમેશા મિસ-કોલ જ માર્યા કરતા હો…

- તો તમે 'માથે પડેલા ગરીબ’ છો !

***

જો તમે આરતીની થાળીમાં 10 રૂપિયાની નોટ મુકીને 9 રૂપિયાનું પરચૂરણ પાછું ઉપાડી લેતા હો…

- તો તમે 'ચાલાક ગરીબ’ છો !

***

‘અલ્યા, મારામાં કંઈ ડાઉનલોડ નથી થતું. તું જરા આ ચાર-પાંચ મુવી તારામાં ડાઉનલોડ કરીને મને પેન-ડ્રાઈવમાં આપ ને…’ જો તમે આ રીતે મુવીઝ જોતા હો…

- તો તમે ‘સ્માર્ટ ગરીબ’ છો !

***

જો તમે ઓનલાઇનમાં મોંઘા કપડાં મંગાવીને બે દિવસ માટે તમારા પ્રસંગમાં પહેરીને પાછા ‘રિટર્ન’ કરીને પૈસા પાછા મંગાવી લો…

- તો તમે ‘ઓનલાઇન ગરીબ’ છો !

***

અને તમે મોલમાં જઈને જુદાં જુદાં મસ્ત કપડાં ટ્રાય કરીને દરેક વખતે સેલ્ફીઓ લઈને એકપણ ખરીદી ના કરો અને પછી સળંગ દસ દિવસ સુધી સોશિયલ મિડીયામાં તમારી સેલ્ફીઓ પોસ્ટ કર્યા કરો…

- તો તમે ‘સોશિયલ ગરીબ’ છો !

***

અને જો મફતના મોટિવેશનલ સેમિનારમાં ગયા પછી ‘ હવે તો હું કરોડપતિ બની જઈશ’ એવાં સપનાં જોતાં થઈ ગયા હો…

- તો તમે ‘મનથી પણ ગરીબ’ છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments