ઠંડીનો ચમકારો વધી ગયો છે ! આવી ઠંડીમાં અમુક સીધા સાદા લાગતા નાગરિકો ખરેખર બહાદુરીનું કામ કરી રહ્યા છે ! એમને ખાસ નવા એવોર્ડો આપવા જોઈએ…
***
એવોર્ડ (1)
જે લોકો વહેલી સવારે ઊઠીને પથારી, ગોદડું, રજાઈ, ધાબળો, ચારસો, શાલ વગેરે તમામ ચીજોનો સ્વચેછાએ અને સમયસર ‘ત્યાગ’ કરે છે…
- તેઓ ‘મહાભિનિષ્ક્રમણ’ એવોર્ડને લાયક છે !
***
એવોર્ડ (2)
જે ભોળા લોકો એમ માને છે કે શિયાળાના દોઢેક મહિના દરમ્યાન સવારે ઊઠીને ચાલવા માટે નીકળી પડવાથી આખા વરસની તંદુરસ્તીમાં સુધારો થઈ જાય છે…
- એમને ‘રાહી માસૂમ’ એવોર્ડ મળવો જોઈએ !
***
એવોર્ડ (૩)
જે મજબૂત મનોબળ ધરાવતા લોકો સવાર સવારના ઊઠીને અતિશય ખતરનાક સ્વાદવાળા અડદિયા પાક અને કડવું કરિયાતું જેવી વાનગીઓ ખાઈ શકે છે…
- એમને ‘સ્વાદેન્દ્રિયજીત’ એવોર્ડ આપો, ભૈશાબ !
***
એવોર્ડ (4)
જેમના બાથરૂમમાં ગિઝર હોવા છતાં છેક પાડોશમાં સંભળાય એવા મોટા અવાજે ‘ઊહુહુહુ… ’ સહિતના મંત્રોચ્ચાર કરીને સાવ ઠંડા પાણીએ નહાય છે…
- એમને ‘વીર હિમમાનવ’નો એવોર્ડ, શાલ ઓઢાડ્યા વિના આપવો જોઈએ !
***
એવોર્ડ (5)
જે વીરલાઓ સુરજ ઊગે એ પહેલાં ધાબે ચડીને, ઉઘાડા થઈને, સૂર્યનમસ્કાર સહિતની વિવિધ કસરતો કરી બતાડે છે…
- એમને બાબા રામદેવના હસ્તે ‘શ્રેષ્ઠ પતંજલિ પોષાક’નો એવોર્ડ અર્પણ થવો જોઈએ !
***
એવોર્ડ (6)
અને આ એવોર્ડ એ પતિઓ માટે છે જેઓ આજે પણ આવી કડકડતી ઠંડીમાં વાસણ ઘસવા માટે ‘ગરમ’ પાણીની માગણી કરવાની હિંમત કરી શકતા નથી !
- એવોર્ડનું નામ છે ‘મિસ્ટર સુપર કુલ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment