૨૦૦૬થી ૨૦૧૬... 'વિક્રમ' સંવતનો એ દશકો !

1971માં આવેલી ‘જેસલ તોરલ’ પછી ગુજરાતી ફિલ્મોના બજારમાં બીજા લોકોને ‘પારકે ભાણે મોટા લાડુ’ એવા મોટા દેખાયા કે હિન્દી, મરાઠી અને ઇવન સાઉથથી પ્રોડ્યુસરો અને કલાકારો અહીં લાડવા લેવા દોડી આવ્યા હતા ! ત્યાર બાદ શી ખબર શું થયું ?

1985 પછી ટીવી ઘેર ઘેર પહોંચી ગયા એ કારણે કે પછી ગુજરાતી ફિલ્મો બીંબાઢાળ ચોકઠામાંથી બહાર જ નહોતી નીકળી શકી એટલે, આ મોટા લાડવા ધીમે ધીમે કરીને નાની લાડુડી જેવડા પણ ના રહ્યા ! 1990ના દાયકામાં એક સમય એવો આવી ગયો કે હવે દાળ-ભાત રોટલી-શાક જ બચ્યાં હતાં !


આવા સમયમાં માત્ર બે જ ફિલ્મકારોની ફિલ્મો ઠીકઠાક ચાલતી. એક જસવંત ગાંગાણી અને બીજા ગોવિંદભાઈ પટેલ. ફિલ્મો પ્રદર્શિત કરવાની રીત પણ બદલાઈ ગઈ હતી. અગાઉ જ્યાં ફિલ્મોની જાહેરખબરો છાપામાં આવતી, લગભગ તમામ શહેરોનાં એસટી બસ સ્ટોપની આસપાસ મોટાં હોર્ડિંગો લાગતાં, એ બધું ગયું.

એમ સમજો ને, કે શરૂઆતમાં તો મોટાં શહેરોમાં જમણવારની પંગત પડતી અને પછી નાનાં ગામડાંમાં માંડવા બંધાતા, એ આખી પેટર્ન બદલાઈ ગઈ. અગાઉ જ્યાં દરેક ફિલ્મની ડઝન દોઢ ડઝન પ્રિન્ટો રિલીઝ થતી. એના ઠેકાણે ફક્ત ચાર જ પ્રિન્ટો બનવા માંડી. (દાળ, ભાત, રોટલી અને શાક ! સમજ્યા કે નહીં?)

અગાઉ ઓલ-ગુજરાતમાં પબ્લિસીટી થતી. (દક્ષિણ ગુજરાતમાંથી પણ લાડવાનો પ્રસાદ મળી જતો.) પરંતુ સમય જતાં બજાર સંકોચાઈને ફીક્સ થાળીની માફક માત્ર ઉત્તર અને મધ્ય ગુજરાતનું જ રહ્યું. નિર્માતાઓ પેલી ચાર પ્રિન્ટો માત્ર ચાર સેન્ટરોમાં રિલિઝ કરે. મહેસાણામાં પંગત પડી હોય તો નડિયાદમાં સુગંધ પણ ના પહોંચી હોય, એવું ! એમ કરતાં કરતાં, થિયેટરો બદલતાં બદલતાં, અને જે તે ટાઉનમાં ફરતી રીક્ષામાં માઇકનાં ભૂંગળાં ગોઠવીને જે મળ્યા તે પ્રેક્ષકો સુધી નોતરાં મુકવામાં આવતાં !

આવા કપરા સમયમાં ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ (1998) આવી અને કંઈ ચમત્કાર જેવો થયો ! ટ્રેડ પંડિતોની ગણતરીના હિસાબે એ ફિલ્મે 10 કરોડનો વકરો કર્યો. જ્યાં ટિકીટના ભાવો 15 થી 40 રૂપિયા જ હતા ત્યાં, વિચાર કરો, કેટલા બધા લોકોએ આ ફિલ્મ જોઈ હશે !

નવાઇની વાત એ પણ ખરી કે અમેરિકા જેવા દેશમાં દિકરીને પરણાવ્યા પછી દુઃખી  થતી દિકરી અને તેના દાદાની આ ટ્રેજેડી જોવા જનારા પ્રેક્ષકો અમેરિકાના NRI તો હતા જ નહીં ! એ તો ઠીક, અહીં ગુજરાતમાં આ રડારોડથી ભરપૂર દ્રશ્યોવાળી ફિલ્મ જોનારી ભીડમાં પણ NRI કનેક્શન સાવ જુજ હતું ! છતાં એ ફિલ્મ સતત ચાલતી રહી.

જોકે અગાઉના ‘દેશી છાશ’થી દાઝેલા પ્રેક્ષકો તો હજીયે દૂર જ હતા પરંતુ ગુજરાતમાં ‘લાડવા’ ભાળી ગયેલા બહારના લોકો પણ ફરી ફરક્યા નહીં. કદાચ ‘વન ફિલ્મ વંડર’ની જેમ એ ફિલ્મને અપવાદ ગણવામાં આવી હશે. ત્યાર બાદ છેક 2006માં ‘પ્રવાહ પલટાયો…’

ના જી, અહીં કોઈ હરકિસન મહેતાની નવલકથા નહોતી, કોઈ મંજાયેલા નાટ્ય કલાકાર પણ નહોતા કે કોઈ દેશ-વિદેશમાં ખ્યાતનામ એવા ઓરકેસ્ટ્રાના અદાકાર પણ નહોતા. આ હતો વિક્રમ ઠાકોર નામનો એક લોકગાયક. એના ‘ડાયરા’માં છેક સવાર લગી પ્રેક્ષકોની ભીડ રીતસર ઉછળતી !

આ વિક્રમ સૌરાષ્ટ્રના લોકગાયકોની જેમ પલાંઠી વાળીને બેઠાંબેઠાં ગાનારો નહીં  પરંતુ સ્ટેજ ઉપર ઘડીકમાં ડ્રમ્સ તો ઘડીકમાં કી-બોર્ડ વગાડીને નાચતો કૂદતો લોકગાયક હતો. મેશ્વા ફિલ્મ્સવાળા અશોક પટેલે તેની આ લોકપ્રિયતા જોઈને તેને હીરો બનાવવાનું નક્કી કર્યું. એક્ટિંગનો ‘A’ ન જાણતાં વિક્રમને લાંબા સંવાદો સારા ઉચ્ચાર સાથે બોલવાનાં ફાંફાં હતા છતાં ફિલ્મ ઠીકઠાક બની હતી.

નિર્માતા અશોક પટેલે તારાચંદ બડજાત્યાની પ્રેરણા લઈને જે ચાર પ્રિન્ટોને ચાર થિયેટરોમાં રજુ કરી ત્યાં એકને બદલે ચાર ચાર બેનરો લગાડ્યાં, લાઇટો વડે રોશનીઓ કરી… અને પિક્ચર ચાલી નીકળ્યું ! ‘એક વાર પિયુને મળવા આવજે’ જોવા માટે લોકો વારંવાર આવ્યા !

આમ નરેશ-રાજ પછી ‘વિક્રમ-રાજ’ આવ્યું ! 2006 થી 2016 સુધીના દશકામાં ફરી ગુજરાતી ફિલ્મોની ટિકીટબારીઓ છલકાઇ ખરી પરંતુ ‘રાજ’નો વટ-વિસ્તાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી ખાસ વધારે ફેલાયો નહીં. બલ્કે, કોરોનાકાળ પછી તો સાવ પતી જ ગયું.

2006 પછીની આ ફિલ્મોમાં શું હતું ? કહેવું મુશ્કેલ છે ! ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ એ સાચું પણ ‘દેખણહારા દાઝે’ ય ક્યાંથી ? દેખે તો દાઝે ને ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

 

Comments