વિચિત્ર મોસમનાં વન લાઇનર્સ !

શું વિચિત્ર મોસમ થઈ ગઈ છે ! શિયાળો અને ચોમાસું મિક્સ થઈ ગયાં છે ! આવી સિઝનમાં અવળચંડા – વનલાઇનરો જ સૂઝે ને…

***

શું સાલી સિઝન છે…

ઘરમાં સ્વેટર પહેરવું પડે છે અને બહાર નીકળો તો રેઇનકોટ !

ઘરમાં શાલ ઓઢવી પડે છે અને બહાર નીકળો તો છત્રી !

ઘરમાં મોજાં ના પહેરો તો પગ ઠરી જાય છે અને બહાર મોજા પહેરીને નીકળો તો સાલાં, પલળી જાય છે !

***

કુદરતે દિવાળી પછી નવી સ્કીમ કાઢી છે : શિયાળાના એક મહિના ઉપર ચોમાસાના ચાર દહાડા ફ્રી !

***

સ્વર્ગમાં ઇન્દ્રદેવને ફોન કરીને પૂછ્યું કે ‘પ્રભુ ! આ બધું શું છે ?’

તો એ બોલ્યા, ‘ખાસ કંઈ નથી. આ તો ચોમાસાનું જે રિટર્ન ભર્યું હતું એમાંથી થોડું રિ-ફંડ આવ્યું છે !’

***

આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતના બુટલેગરોએ મેઘરાજાનો ખાસ આભાર માન્યો છે !

***

બ્રેકિંગ ન્યુઝ : તિબેટના ઉન-બજાર વાળા વેપારીઓ હવે આવનારી સિઝનમાં નવી ઓફર લાવશે… ત્રણ સ્વેટરની ખરીદી ઉપર એક છત્રી ફ્રી !

***

જવા દો ને, આ ઠંડી એટલી વિચિત્ર છે કે હવામાન ખાતાની વેબસાઇટ ખોલીએ તો મારો બેટો ફોન પણ ‘વાયબ્રેટ’ થાય છે !

***

મને તો ડાઉટ છે કે ભગવાનના ‘વેધર-એપ’માં કોઈ વાયરસ ઘૂસી ગયો લાગે છે !

***

ખુશીની વાત એટલી જ છે કે પેલો દક્ષિણ આફ્રિકાવાળો વાયરસ પણ હવે ઇન્ડિયામાં ઘૂસતાં પહેલાં સાત વાર વિચાર કરશે ! ઊહૂહૂહૂહૂ…

***

- મન્નુ શેખચલ્લી

Comments