વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે મંગળ ગ્રહની કોઈ ખીણમાં 46000 ચો. કિલોમીટર વિસ્તારમાં પાણી જ પાણી છે !
આ ખબરથી ખરેખર હલચલ મચી ગઈ છે…
***
આપણે અક્ષય કુમારને કહી રાખ્યું છે કે ભઈ, હવે જ્યારે તું ‘મિશન મંગલ-2’ બનાવે ત્યારે ત્યાંનું પાણી ઇન્ડિયામાં લઈ આવવાનો જ પ્લાન બનાવજે !
***
ભાજપના અમુક સભ્યોની માગણી છે કે એ ફિલ્મમાં આપણા મોદી સાહેબ મંગલ ગ્રહના મંગલ પાણીમાં ડૂબકી મારીને ભારતના મંગલ ભવિષ્ય માટે મંગલ કામના કરતા હોય એવું એક દ્રશ્ય ખાસ ઉમેરવું !
***
જોકે ભારતના જ્યોતિષીઓની માગણી પ્રેક્ટિકલ છે. એમણે કહ્યું છે કે દરેક જ્યોતિષીને કમ સે કમ એક એક લોટો મંગળનું પાણી વાજબી ભાવે આપવામાં આવે, જેથી મંગળના નંગ ઉપર મંગળનું 'પાણી' ચડાવીને ‘પાણીના પૈસા’ બનાવી શકાય !
***
એમ તો કોંગ્રેસીઓની પણ તીવ્ર માગણી છે કે મંગળ ગ્રહ ઉપરથી બે ડોલ જેટલું મંગળનું પાણી ખાસ રાહુલબાબા માટે મંગાવવામાં આવે, જેના વડે એમને સ્નાન કરાવીએ તો એમને સારી, સુશીલ કન્યા પ્રાપ્ત થાય !
***
બાબા રામદેવે તો અત્યારથી લગભગ સાડા ત્રણસો જેટલા રોગોની યાદી બનાવવા માંડી છે, કે જે મંગળનું શુદ્ધ આયુર્વેદિક પાણી પીવાથી તાત્કાલિક દૂર થવાના છે !
***
દીવ, દમણ તથા આબુ જનારા ગુજરાતી પ્રવાસીઓ પૂછાવે છે કે બોસ, મંગળનું પાણી કેવું છે ? જો ‘સોડા વોટર’ જેવું હોય તો ત્યાં જવા જેવું ખરું !
***
અને સાત દહાડાથી નાહ્યા વિના ફરતા કોલેજિયનો અકળાયા છે. ‘યાર, શું ક્યારનું પાણી… પાણી… લઇ મંડ્યા છો ? ઉનાળામાં તમે કહેશો ત્યાં નહાવા જઈશું, બસ ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment