અમેરિકન ડાયલેક્ટ સોસાયટીએ કોરોનાકાળમાં નવા ચલણી બનેલા અંગ્રેજી શબ્દોની યાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં ‘કોવિડિયટ’ એટલે કોવિડના કારણે ઇડિયટ લોકો અને ‘આરટીઓ’ એટલે ‘રિટર્ન ટુ ઓફિસ’ જેવા મજેદાર શબ્દો છે.
લાગે છે કે ગુજરાતીમાં પણ આવી એકાદ યાદી બનવી જોઈએ !
***
ઝૂંમગણશી
લાંબી લાંબી ચાલતી બોરિંગ ઝૂમ મિટિંગ શરૂ થતાં જ જેને ઊંઘ આવવા લાગે છે તેના માટેનો આ નવો શબ્દ છે.
***
ત્રાસલાઇનિયો બોસ
જે બોસ સવારના નવ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ઓનલાઇન રહીને સતત ત્રાસ આપતો રહે છે એના માટેનો ખાસ શબ્દ.
***
નેટવર્કઢીલો કર્મચારી
ત્રાસલાઇનિયા બોસથી કંટાળેલો જે કર્મચારી વારંવાર ‘નેટવર્ક બરોબર નથી પકડાતું’ એવું બહાનું કાઢીને કામકાજમાં ઢીલો રહે છે એના માટેનું ખાસ વિશેષણ !
***
દોઢ-લાઇનિયું ભણતર
કોરોના દરમ્યાન જે ઓનલાઇન ભણ્યા છે એ તમામ સ્ટુડન્ટો મોબાઇલમાં ભણવા કરતાં બીજી તમામ ઓનલાઇન બાબતોમાં દોઢ-ડાહ્યા બની ગયા છે. એમના માટે છે આ ખાસ ડિગ્રી !
***
મુંહ-દિખાઇ અટેન્ડન્સ
ભણવાનો ઓનલાઇન ક્લાસ શરૂ થાય ત્યારે માત્ર બે મિનિટ માટે મોં બતાડીને પછી કેમેરો-માઇક બધું જ બંધ કરીને નવરા થઇ જાય છે એમના ‘હાજરીપત્રક’ માટેનો આ નવો શબ્દ છે.
***
વોલેન્ટરી પાવરકટ રિસેસ
ચાલુ ઓફિસે કે ચાલુ ક્લાસે ‘પાવર કટ થઈ ગયો’ એવું બહાનુ કરીને જે સ્વયંભુ રિસેસ પાડવામાં આવે છે તે !
***
કોરોના-મોબાઇલ
યસ, બિચારાં મા-બાપે ‘કોરોનામાં છોકરું ભણશે’ એમ કરીને મજબૂરીથી જે મોબાઇલો અપાવ્યા છે તે બધા જ છે આ ‘કોરોના-મોબાઇલ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment