ખાતામાં બાસઠ- બાસઠ લાખ ?

‘વિશ્વ અસમાનતા રિપોર્ટ’નું ગણિત સારું છે ! કહે છે કે દુનિયાભરના પૈસા જો દરેક જણાને સરખી રીતે વહેંચો તો દરેકના ખાતામાં 62-62 લાખ રૂપિયા આવે !

ધારો કે… ખરેખર આવું થાય તો ?

***

સૌથી પહેલાં તો ભાજપ જાહેરાત કરી દેશે કે પેલા જે 15-15 લાખ મોદી સાહેબે આપવાની વાત કરેલી, તે આમાં આવી ગયા હોં ! હિસાબ ચૂકતે…

***

વિજય માલ્યા પણ લંડનથી કહેવડાવશે કે ‘બોસ, હવે તો મારે કંઈ આપવાનું રહેતું નથી ને ?’

***

નીરવ મોદી પણ ખુશ થઈ જશે છતાં એ આડાઈ જરૂર કરશે કે ‘આ બધું બરોબર,  પણ મારું 12 લાખનું ક્રોકોડાઈલ સ્કીનનું જાકીટ તો હું કોઈને નહીં આપું !’

***

અહીં ઇન્ડિયામાં તો ભિખારીઓ 40-45 લાખની મર્સિડીઝ લઇને નીકળી પડશે… ભીખ માગવા માટે !

***

જરા વિચારો, મહિલાઓના ખાતામાં 62-62 લાખ આવી પડશે તો બ્યુટિ પાર્લરોના ધંધામાં કેવી જોરદાર તેજી આવી જશે ?

***

અને પાણીપુરીવાળો તો એક-એક પાણીપુરીના સીધા 2000 રૂપિયા જ માગશે ને ?

***

જોકે ‘આઇ-ફોન’ની તો આખી ઇમેજના જ ભુક્કા બોલી જશે ! કેમકે પેલા ભિખારીઓ પણ આઇ-ફોન લઇને જ ફરતા હશે ને ?

***

પેલો ‘કૌન બનેગા કરોડપતિ’ શો પણ બંધ જ કરવો પડશે, કેમકે બધા ’62-62 લાખ-પતિ’ જ બની શકે ને ?

***

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની શી હાલત હશે એ તો પૂછવા જેવું જ નથી ! પણ જરા વિચારો, માર્ક ઝુકરબર્ગની પત્ની બિચારી શું કહેતી હશે ? કે –

‘હાય હાય ! આ લોકોએ 62 લાખની ફક્ત એક વીંટી જ મારી પાસે રહેવા દીધી છે ! હવે હું બીજું પહેરું શું અને ઓઢું શું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments