પહેલો સવાલ તો આપણને એ થાય કે હિન્દી ફિલ્મોમાં પોતાનું નામ જમાવી ચૂકેલી અભિનેત્રી અરુણા ઇરાનીને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું ક્યાંથી સુઝ્યું હશે ?
એની સાથે સાથે બીજો સવાલ એ થાય કે ટોલ, હેન્ડસમ હિરો કિરણકુમાર કયા હિસાબે ગુજરાતી ફિલ્મોમાં આવી ચડ્યો ?
બન્ને સવાલોનો જવાબ એક જ છે. ‘નવરા હતા એટલે !’ જી હા, અરુણા ઇરાનીના પોતાના શબ્દોમાં કહીએ તો 1971માં આવેલી કોમેડી ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’માં અમિતાભ બચ્ચનની હિરોઇન બન્યા પછી એમને એમ હતું કે હવે સાઇડ રોલ બહુ થયા. હવે તો હું ‘હિરોઇન’ બની ગઈ ! પરંત સમય વીતતો ગયો, ઘરે બેસીને તે રાહ જોતાં રહ્યાં પણ કોઈ એવો ફોન ના રણક્યો કે મેડમ અમારી ફિલ્મમાં હિરોઇન બનશો ?
અરુણા ઇરાની માટે આ કપરો સમય હતો. 1946માં જન્મેલી આ ટેલેન્ટેડ છોકરીને માત્ર સાત આઠ વરસથી જ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ મળવા માંડ્યું હતું. પોતે સારી ડાન્સર પણ હતી એટલે આગળ જતાં દમદાર સપોર્ટીંગ રોલ મળવા માંડ્યા હતા.
ફિલ્મ ‘કારવાં’ (1971)માં તો અરુણા ઇરાનીએ હિરોઇન આશા પારેખની છુટ્ટી થઈ જાય એવો રોલ ભજવ્યો હતો. પરંતુ સળંગ પાંચ વરસની બેકારી, એ પણ માત્ર 25-30 વરસની ઉંમરમાં, અને ખાસ તો જેનામાં ટેલેન્ટનો દરિયો ઉછળતો હોય તે શાંત શી રીતે બેસી રહે ? એટલે 1978માં નવા દિગ્દર્શક મેહુલકુમાર સાથે ‘ગુજરાતી ફિલ્મોમાં પહેલો ડબલ-રોલ’ એવી પબ્લિસિટી લાઇન સાથે અરુણા ઇરાનીએ એન્ટ્રી કરી ‘કંચન અને ગંગા’ ફિલ્મથી ! જોકે, મૂળ વારતાનો પ્લોટ તો ‘સીતા ઔર ગીતા’નો જ હતો. (જે ‘રામ ઔર શ્યામ’માંથી ઉઠાવેલો હતો.) પરંતુ અભિનયનો જબરદસ્ત સ્કોપ હતો.
આ એ સમય હતો જ્યારે નરેશ કનોડિયાની પણ એન્ટ્રી થઈ ચૂકી હતી. બીજી રીતે કહીએ તો ‘સમ્રાટયુગ’ પછી ‘નરેશ-રાજ’ સાથે વધુ એક ‘અરુણોદય’ થઈ રહ્યો હતો ! (જેમાં કિરણકુમાર નામનું એક કિરણ પણ ક્યાંક હતું !) અરુણા ઇરાની તો મૂળે ગુજરાતી જ હતાં એટલે પોતાની ભાષા માટેનો પ્રેમ તો હોય જ, પરંતુ પેલો કિરણકુમાર અહીં શી રીતે આવી ચડ્યો ?
તો સાહેબો, એવું છે કે ભઇને કોઈ લેતું નહોતું અને બહેનને બીજું કોઈ ફાવે એમ નહોતું ! હિન્દી ફિલ્મોમાં કિરણકુમારની કરિયર લગભગ પતી જ ગઈ હતી. વળી, એમના પિતાશ્રી (વિલન જીવન) કંઈ એવું કમાઈને નહોતા બેઠા કે બાબાભાઈ ખાઈ-પીને જલ્સા કરે. બીજી બાજુ અરુણાજી નરેશ કનોડિયા જેવા સ્ટારનો સહારો લે એ એમના મિજાજ સાથે મેળ ખાય તેમ નહોતું. બાકી, રાજીવ નામનો એક હેન્ડસમ શો-પિસ જેવો રૂપાળો અને કહ્યાગરો હિરો હાથવગો હતો જ ! પરંતુ કિરણકુમારનું ‘નામ’ જરા વજનવાળું લાગ્યું એટલે એમ ચોકઠું ગોઠવાયું.
જોકે એક અફવા એવી પણ હતી કે આપણા અમદાવાદની જ કન્યા મલ્લિકા સારાભાઈ સાથે કિરણકુમારનું ઇલુ-ઇલુ ચાલતું હતું ! એટલે એ બહાને ગુજરાતમાં જ પડ્યા પાથર્યા રહેવાનું કિરણભાઇને ફાવતું મળી ગયેલું ! ખેર, અફવા ગમે તે હોય પણ હકીકત એ હતી કે અરુણા ઇરાનીએ ગુજરાતી ફિલ્મોની સિકલ બદલવાની ભરપૂર કોશિશ કરી હતી.
દોઢેક ડઝન જેટલી જે ફિલ્મો કરી એમાંથી મોટેભાગે બંડખોર નારી જેવાં જ પાત્રો ભજવ્યાં. નામો જ જોઈ લો ને ? વિફરેલી વાઘણ, જમના બની જગદંબા, રૂપલી દાતણવાળી, લોહીનું તિલક, વેરના વળામણાં, ચરોતરની ચંપા, છેલછબિલી સોનલ… વગેરે. આમાંથી લગભગ અડધો ડઝન ફિલ્મો મેહુલકુમારે ડિરેક્ટ કરી હતી.
એમ તો બર્નાડ શોના નાટક ‘પેગ્મિલિયન’ ઉપરથી મધુ રાય લિખિત ‘સંતુ રંગીલી’ નાટક આવ્યું એ પહેલાં સંગીતકાર અવિનાશ વ્યાસે જે ‘સંતુ રંગીલી’ નાટક લખીને તખતા ઉપર રજુ કર્યું હતું એનું જ ફિલ્મી રૂપાંતર એ જ નામે ગુજરાતી ફિલ્મમાં થયું. એમાં અરુણા ઇરાની સંતુ બન્યાં હતાં.
જોકે છ-સાત વરસ મથ્યા પછીયે આપણો શહેરી ભદ્ર ગુજરાતી પ્રેક્ષક હલ્યો પણ નહીં એટલે અરુણા ઈરાની પાછાં હિન્દી ફિલ્મોમાં જતાં રહ્યાં.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment