સિરિયલોની ભેદી અસર !

કહે છે કે માતા સગર્ભા હોય ત્યારે તે જે કંઈ વાંચે, કે જુએ તેની અસર તેના પેટમાં રહેલા બાળક ઉપર પડતી હોય છે.

ધારો કે કોઈ માતા સતત ટીવીમાં એકતા કપૂર ટાઇપની સિરિયલો જોયા કરતી હોય તો બાળક કેવું નીકળે ?
***

જન્મતાંની સાથે જ બોલશે : ‘આ કેટલામો એપિસોડ છે ? આગળ કેટલા એપિસોડ ગયા ? એની વાર્તા શું હતી ?’

***

સહેજ સમજણું થાય કે તરત પૂછશે. ‘હમારા ઉસ મલ્હોત્રા પરિવાર ઔર વીરાણી પરિવાર સે ક્યા રિશ્તા હૈ ?’

***

સ્કુલની એક્ઝામમાં નાપાસ થાય અને પપ્પા ખખડાવે તો કહેશે ‘મેરી યાદદાશ્ત ચલી ગઈ થી !’

***

ક્લાસમાં એક સબ્જેક્ટની ટિચર બદલાઈને બીજી ટિચર આવે તો પૂછશે ‘ક્યા તુમને પ્લાસ્ટિક સર્જરી કરવાઈ હૈ ?’

***

છ સાત વરસનો થતાંમાં તો એ અકળાઈ જશે. મમ્મીને કહેશે ‘હવે મારે ડાયરેક્ટ વીસ વરસનો જમ્પ મારવો છે !’

***

કોઈ દિવસ જો શાક દાઝી ગયું હોય કે દાળમાં મીઠું વધારે લાગે તો આખા ઘરમાં હાહાકાર મચાવી દેશે : ‘રસોડે મેં કૌન થા ?’

***

લોકડાઉનમાં પપ્પાને ઘરનાં કામ કરતાં જોયા હશે ત્યારે જરૂર પૂછ્યું હશે ‘પિતાજી, ક્યા યહી હમારે ખાનદાન કી પરંપરા હૈ ?’

***

તોફાન કરે ત્યારે જો મમ્મી એને ધમકાવે અથવા એકાદ થપ્પડ મારી દે તો ભાઈ સાહેબ તોબરો ચડાવીને ભારે અવાજમાં પૂછશે : ‘એક માં હોને કે નાતે તુમ અપને બેટે કે સાથ ઐસા સલુક કૈસે કર સકતી હો?’

***

અને, વન રૂમ કીચનના મામુલી ભાડૂતી ઘરમાં રહેતો છોકરો એક દિવસ મમ્મી પપ્પાને પૂછતો હશે :

‘હમારી જાયદાદ કે પેપર્સ કહાં હૈં ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments