છગ્નેશ કદી છેતરાય ?

પિસ્તાળીસ વરસની ઉંમરમાં છગ્નેશ ફક્ત એક જ વાર છેતરાયો હતો જ્યારે એના બાપાએ એનું નામ એને પૂછ્યા વિના, ‘છગન’ પાડી દીધું હતું.

બાકી ભગવાને એને ડામરના રોડ જેવો કાળો, ખરબચડો ચહેરો આપેલો, જેમાં ઇંટના લાલ ભૂકા જેવા હોઠ અને કટાઈ ગયેલા વાયરોના ગુંચળા જેવા બરછટ વાળ હોવા છતાં છગ્નેશને છેતરાયાની ફિલીંગ કદી નહોતી આવી.

અરે, એની હાઇટ પાંચ ફૂટથી ક્યારેય એક મિલીમીટર જેટલી નહોતી વધી અને પેટ દર વરસે એક-બે ઇંચ જેટલું વધતું જ રહ્યું છતાં છગ્નેશને ભગવાન સામે કોઇ ચિટિંગની ફરિયાદ હતી જ નહીં. કારણ સિમ્પલ હતું. બારમું પાસ થયા પછી બાપના ધંધે બેસી ગયેલો છગ્નેશ આજે દર વરસે છત્રીસ કરોડની કમાણી કરતી કંસ્ટ્રક્શન કંપનીનો માલિક હતો. અને થોડા રુપિયા ખર્ચીને પોતાનું નામ છગનમાંથી છગ્નેશ કરાવી નાખેલું.


છત્રીસ કરોડના ધણી છગ્નેશને એક દિવસ ડાઉટ પડ્યો. થયું એવું કે ફેસબુકમાં કોઈ સંગીતા સવાણીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી.

એનો ફોટો જોતાં જ છગ્નેશના છત્રીસે કોઠે ટ્યૂબલાઇટો ઝબકી ઊઠી. ‘અરે, આ તો સ્કુલમાં જોડે ભણતી હતી એ સંગીતા તો નહીં ?’

તે વખતે તો સંગીતાનો દેખાવ સિમ્પલ જ હતો. થોડા ફૂલેલા ગાલ, પહોળું ફૂલેલું નાક અને એવા જ જાડાસરખા ફૂલેલા હોઠ… પણ અત્યારે તો ઠસ્સો ઓર જ હતો. હોઠ અને ગાલ સહિત જે કંઈ ફૂલેલું અને ફાલેલું હતું તે છગ્નેશને બહુ જ આકર્ષક લાગ્યું !

છગ્નેશને પિસ્તાલીસ વરસની ઉંમરે પણ સ્ટેટસમાં સિંગલ, મનથી કુંવારો અને સામાજિક રીતે વાંઢો હતો. છગ્નેશની આ વાંઢાઈનું કારણ પણ એ જ… એને કોઈ છેતરી ના શકે ! અત્યાર સુધી જે કોઈ કન્યા, બાઈ કે બૈરાં ભિટકાયાં તેમની આંખોમાં છગ્નેશને છેતરપિંડીની કુંડળી વંચાઈ જતી હતી.

સંગીતાના સંગીતમાં પણ એકાદ સૂર તો બેસૂરો લાગતો જ હતો. છતાં છગ્નેશ એમ કંઈ છેતરાય ?

ફેસબુકથી વોટ્સેપ અને વોટ્સએપથી વિડીયો કોલિંગ સુધીમાં છગ્નેશને ગંધ આવી ગઈ કે સંગીતા તો છૂટાછેડાવાળી છે ! એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ છૂટાછેડા ! એટલે જ એણે સ્કુલવાળી સરનેમ બચાવી રાખેલી.

છતાં વિડીયો કોલિંગ પછી સંગીતા સાથે સાચુકલો સામનો થયો ત્યારે સંગીતાના સંગેમરમર જેવા શરીરના સ્પર્શ વડે જે સેંકડો સિતારના શત શત તાર ઝણઝણવા લાગ્યા ત્યારે તો છગ્નેશ ચેતી જ ગયો ! એણે મનમાં નક્કી જ રાખેલું કે છેતરાવું તો નથી જ ! છતાં જોઈએ, શું શું થાય છે !

અને થવામાં તો જાતજાતનું થતું હતું ! આમાં ને આમાં છગ્નેશના છત્રીસે કોઠામાં એક બાજુ છપ્પાક છપ્પાકનાં છબછબિયાં અને બીજી બાજુ છેતરપિંડીના છણ-છણકારા થયા કરતા હતા. છતાં છગ્નેશ એમ કંઈ છેતરાતો હશે ?

બધું ચેક કર્યા પછી જ એણે સંગીતાને સવા લાખનો મોબાઇલ ભેટ આપ્યો. પછી સવા પાંચ લાખની કાર, અને પૂરેપૂરી ચકાસણી બાદ જ સવા કરોડનો ફ્લેટ, પોતાની જ સ્કીમમાંથી રહેવા માટે આપી દીધો. છતાં છગ્નેશ છેતરાયો તો નહોતો જ.

પછી તો છગ્નેશે સંગીતા સાથે શરણાઈના સૂરવાળા સંગીત વચ્ચે લગ્ન કરી લીધાં. સવા સાત લાખની વીંટી, સત્તર લાખનો નેકલેસ અને સવા સાડત્રીસ લાખની બીજી જ્વેલરી આપી… વળી, એ બધું સાચવવા માટે બેંકનું લોકર પણ ખરું.

પણ જુઓને... બધું પાકે પાયે હોવા છતાં હવે સવા વરસે છગ્નેશને છેતરાઈ ગયાની ફિલીંગ થયા કરે છે.

કેમકે લગ્ન પછી સંગીતાનો મૂડ ખરાબ રહેવા લાગ્યો છે. "મહારાજની રાંધેલી રસોઈ ભાવતી નથી, નેકલેસ ગળામાં ખૂંચે છે, વીંટી ઢીલી પડે છે, કારનો હોર્ન કકળાટિયો છે…" એવાં સવા સત્તર બહાનાં કાઢીને સંગીતા સતત ઝગડતી રહે છે.

જુઓને, હજી કાલે જ એ બોલી કે "આ તારા બંગલાની દિવાલોનો કલર મને જરાય નથી ગમતો અને તારા આ મોંના કલરનું કંઈ કર…. મને ચીતરી ચડે છે…"

છેક હવે છગ્નેશને લાગી રહ્યું છે કે એ છેતરાઈ ગયો છે ! પાકે પાયે.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment