આજે સ્માર્ટ ફોન વાપરીને બધા સ્માર્ટ થઈ ગયા છે. પણ યાદ કરો શરૂ શરૂમાં જે મોબાઈલો બજારમાં આવ્યા હતા તે કેટલા ‘ડોબા’ હતા !...
***
યાદ છે ?...
એ જુના મોબાઇલોમાં સાલી બે જ ટાઇપની ગેમ આવતી હતી. એકમાં પેલું સાપોલિયું ફરતું હતું અને બીજામાં કોઈ ખાઉધરું જીવડું દોડાદોડી કરતું હતું !
***
યાદ છે ?...
એ જુના મોબાઈલોમાં ગ્રુપ ફોટા તો એવા પડતા કે આંખોની જગ્યાએ વત્તા (+)ની નિશાની હોય અને હોઠની જગ્યાએ બાદબાકી (-)ની નિશાની હોય ! છતાં ચહેરો ઓળખાઈ જતો હતો !
***
યાદ છે ?...
સાલું, ફક્ત સરનામું લખીને મોકલવું હોય તો ટાઇપ કરતાં કરતાં આંગળાં દુઃખી જતાં હતાં ! એક ખાલી 'Z' ટાઈપ કરવા માટે તો ચાર વાર બટન દબાવવાનું ! જુલમ હતો ભૈશાબ !
***
છતાં, યાદ છે ?
એમાં અમુક મહેનતુ લોકો અક્ષરો વડે ભારતનો ઝંડો, મિકી માઉસ અને હેપ્પી બર્થ-ડેની કેક બનાવીને મોકલતા હતા ! બોલો.
***
અને યાદ છે ?
એક જ ઇયરફોનના બે છેડા પોતપોતાના કાનમાં નાંખીને બબ્બે યંગસ્ટરો એફએમ રેડિયોનાં ગાયનો સાંભળતાં હતા !
***
વળી, યાદ છે ?
199 રૂપિયામાં આખેઆખા ‘લાઇફ-ટાઇમ’ની સ્કીમો ચાલતી હતી ! સાલી, એમાંથી અમુક તો કંપનીઓની જ ‘લાઇફ’ પતી ગઈ !
***
અને હા, યાદ છે ?
મોબાઇલનાં જે પ્લાસ્ટિક કવરો આવતાં હતાં એમાં ‘ચેઇન’ આવતી હતી ! બોલો !
***
અને કેમ ભૂલાય ?
કે જ્યાં નેટવર્ક ના પકડાતું હોય ત્યાં તો ટાવર સર્ચ કરવામાં જ મોબાઇલની બેટરી પતી જતી હતી ! યાદ છે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment