ન્યુઝ... શેરબજાર સ્ટાઈલમાં !

આજકાલ શેરબજારના સમાચારો ભારે ચર્ચામાં છે. પરંતુ વિચારો, જો બધા સમાચારો શેરબજારની સ્ટાઇલમાં જ આવતા હોય તો ? જુઓ નમૂના…

***

કિસાન કાનૂનમાં ભારે કડાકો

વડાપ્રધાને કિસાન કાનૂનો પાછા લેવાની જાહેરાત કરતાં જ આ બાય-બેક સ્કીમમાં ભારે કડાકો બોલી ગયો હતો. જે પાર્ટીઓ આમાં રોકાણ કરીને ભારે નફો રળી લેવાની ફિરાકમાં હતી એમના પેટમાં તેલ રેડાયું છે. પંજાબ, યુપી જેવા પોલિટીકલ ફિન-કેપ સેક્ટરોમાં મંદી ફરી વળી છે. જોકે હજી કિસાન શેરધારકોને કોઈ એલોટમેન્ટ થયાં જ ના હોવાથી એમને નફો-નુકસાનમાં શું ફેર પડ્યો છે તેનાં વલણો સમજાતાં નથી.

***

10,000 સીટોનો ગ્રામપંચાયત ઈશ્યુ ખુલ્યો

ગુજરાતના નાના રોકાણકારો માટે નવો લગડી ઈશ્યુ ખુલી ગયો છે. સાવ ઓછા રોકાણમાં જ્યાં પાંચ વરસમાં પચાસ ગણો નફો રળી લેવાની તક છે એમાં ભારે લેવાલી નીકળવાની સંભાવના છે. વળી 30 ટકા જેટલું ભરણું માત્ર મહિલાઓને જ ફાળવવાની પોલીસીના કારણે જે રોકાણકારો પત્નીના નામે કમાવા માગે છે તેમનો મોટો ધસારો છે.

***

રાજસ્થાનમાં પોર્ટફોલિયો ધારકોમાં રિ-એલોટમેન્ટ

રાજસ્થાનમાં પોર્ટફોલિયોનાં રિ-એલોટમેન્ટ નીકળતાં નવી હલચલ શરૂ થઈ ગઈ છે. જેના હાથમાં સારા પોર્ટફોલિયો આવ્યા છે તે હવે બજારમાંથી ઝડપી રોકડી કરી લેવાના પ્લાનિંગમાં છે અને જેમને ભાગે નબળા પોર્ટફોલિયો આવ્યા છે તે ઇનસાઇડર ટ્રેડિંગમાં પોતાનું કમિશન કાઢી લેવાની ચાલ અપનાવે તેમ લાગે છે. આના કારણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરી આપનારા દલાલોના બિઝનેસમાં નવી તેજી આવી છે.

***

કોરોના વળતરનાં ફોર્મમાં ગૂંચવાડો

આમાં 50 હજારના વળતરથી વધારે કોઈ બેનિફીટ ના હોવાથી ફોર્મ ભરવાની ગતિ ધીમી છે. છતાં ફોર્મ ભરનારાઓ કરતાં ફોર્મ વિશે વિવાદ કરનારાઓની સંખ્યા વધારે છે. સોશિયલ મીડિયામાં નકલી ફોર્મ ફરતા થવાની વાતે બળતામાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments