એક તો પોતે હાર્ટ-પેશન્ટ, એમાં વળી હાર્ટ-સ્પેશ્યાલીસ્ટને દવાખાને જ વધુ એક હાર્ટ એટેક આવવાની તૈયારી હતી !
જી હા, અડસઠ વરસના વીઠ્ઠલભાઈ એમના ડોક્ટરને ત્યાં વેઇટિંગમાં બેઠા હતા ત્યાં જ એમની ખુરશીઓમાં એક પાતળી સરખી, આછી ગુલાબી રંગની સાડીમાં શોભતી નમણી સરખી સન્નારી આવીને બેઠી.
જોતાં જ વીઠ્ઠલકાકાનું દિલ એક ધબકારો ચૂકી ગયું. અરે, આ તો પેલી મધુબાલા ! સ્કુલમાં જોડે ભણતી હતી એ !
હકીકતમાં એ સન્નારીનું અસલી નામ મધુમાલિની હતું પણ એ જમાનામાં ય એ હેમા માલિની કરતાં વધારે મસ્ત લાગતી હતી એટલે બધાએ એનું નામ મધુબાલા પાડેલું. વીઠ્ઠલકાકાનું બીપી ઊંચુનીચું થવા લાગ્યું. સાથે સાથે પોતે પણ ખુરશીમાં ઊંચાનીચા થવા લાગ્યા.
‘શું કરું ? જઈને મળું કે નહીં ? એ મને ઓળખશે તો ખરીને ?’
આ ત્રણ સવાલોમાંથી ત્રીજો સવાલ સૌથી મહત્વનો હતો કેમકે વીઠ્ઠલકાકાને માથે ટાલ પડીચૂકી હતી. આંખે જાડા બાય-ફોકલ ચશ્મા આવી ગયા હતા અને વધારે પડતા તમાકુના મસાલા ખાવાને કારણે એક સાઇડની દાઢ કઢાવી નાંખવાને લીધે ચહેરાનો શેપ જરા ત્રાંસો થઈ ગયો હતો.
‘એ ના ઓળખે તો શું થયું, આપણે તો ટચમાં રહેવું જ જોઈએ ને ?’ એમ વિચારીને, જેવી પેલી સન્નારીની બાજુમાં બેઠેલો પેશન્ટ ઊભો થઈને અંદર ગયો કે તરત વીઠ્ઠલકાકા સન્નારીની બાજુમાં જઈને ‘ટચ’માં રહેવાનો ચાન્સ લેવા માટે ગોઠવાઇ ગયા.
સ્હેજ હળવેથી ખોંખારો ખાઇને એમણે પૂછ્યું ‘એ.. એક્સક્યુઝ મિ, પણ તમે નાના હતા ત્યારે ન્યુ વિદ્યાજ્યોતિ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા હતાં?’
સન્નારીને સ્હેજ નવાઇ લાગી. વીઠ્ઠલ સામે નજર નાંખતાં એના હોઠ જરીક મલક્યા. ‘હા ! તમને શી રીતે ખબર ?’
‘એ છોડો. તમે…’ વીઠ્ઠલે પોતાની ખુરશી તેની નજીક સરકાવતાં નવો મમરો મુક્યો. ‘તમે પાંચથી સાત 'બ' વર્ગમાં અને આઠથી અગિયાર ધોરણ ‘ક’ વર્ગમાં હતા. રાઈટ ?’
‘અફ કોર્સ !’ સન્નારીના ચહેરા પર ગુલાબી ઝાકળ જેવું સ્માઇલ ઝબકી ઊઠ્યું. વીઠ્ઠલને હવે હિંમત આવી ગઈ. તેણે મમરામાં હવે સેવ ઉમેરવા માંડી.
‘પાંચમા ધોરણમાં તમે પુનિતા નામની છોકરીનો ચોટલો ઝાલીને એને બહુ મારેલી… અને છઠ્ઠા ધોરણમાં તમે ચંપક નામના છોકરાનો કંપાસ ચોરી લીધેલો એટલે સાહેબે તમને આખો દહાડો ક્લાસની બહાર ઊભા રહેવાની સજા કરેલી… બરોબર ?’
સન્નારીની આંખો પહોળી થઈ ગઈ. ‘આ બધી વાતોની તમને ક્યાંથી ખબર ? કોણ છો તમે ?’
‘એ છોડો. નવમા ધોરણમાં એક જીગર નામના છોકરાએ તમને આઈ લવ યુ કીધેલું તો એને તમે ત્યાં ને ત્યાં ચાર લાફા ઠોકી દીધેલા ! બરોબર ? અને એ જિગરીયો સ્કુલના પ્રિન્સિપાલનો ભાણિયો થતો હતો એટલે ઉલ્ટું તમને જ સ્કુલમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપેલી ત્યારે તમે કચકચાવીને પ્રિન્સીપાલના ટેબલ પર પડેલું પેપરવેઇટ ઉઠાવીને એમના માથા ઉપર છુટું મારેલું ! બરોબર ?’
હવે તો પેલા સન્નારી ખડખડાટ હસવા લાગ્યાં. વીઠ્ઠલને થયું, યસ, હવે આખરી પત્તું ઉતરવાનો ટાઇમ આવી ગયો છે. તેણે કહી જ નાંખ્યું :
‘યાદ છે? દસમા ધોરણની છ-માસિક પરીક્ષામાં તમે તમારી આગળની બેન્ચ ઉપર બેઠેલા એક હોંશિયાર છોકરાના પેપરમાંથી ચોરી કરતાં પકડાઈ ગયેલા ?’
અચાનક સન્નારીના ચહેરાના હાવભાવ ફરી ગયા. આંખો ઝીણી થઈ ગઈ, હોઠ વંકાયા, ભ્રમરો સંકોચાઈ ગઈ. એણે વીઠ્ઠલની ટાલ તરફ આંગળી ચીંધીને કહ્યું :
‘અચ્છા… તો મને ચોરી કરતાં પકડી પાડનાર ટાલિયા માસ્તર ત્રિકમલાલ ત્રિવેદી તમે જ છો, એમ ને ! વિગ પહેરો વિગ ! જરાય સારા નથી લાગતા !’
વીઠ્ઠલ શું બોલે ? એને બીજો હાર્ટ એટેક આવતાં આવતાં રહી ગયો.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
વાહ સુંદર
ReplyDeleteThanks 🙏 😊
Deleteઆ વિઠ્ઠલ કાકા ને ' આખરી પત્તું ' ઉતરતા ના આવડ્યું !! રહી રહી ને ભગો કર્યો !! બિચારા વિઠ્ઠલ કાકા !😢😆 ( શશિકાન્ત મશરૂ - જામનગર)
ReplyDeleteચાલો, વીઠ્ઠલકાકાનું દુઃખ કોઈ તો સમજ્યું છે ! 😀🙏
DeleteFanyy
ReplyDelete🙏🙏😊😊
Delete