પાકિટમારની પ્રેમકહાણી !

પાકિટમાર પકિયાને પાવાગઢની ફક્ત એક જ જાત્રામાં સાંજ સુધીમાં એકસો ને સત્તાવન પાકિટનો ‘વકરો’ થઈ ગયો હતો !

કોરોનાથી કંટાળેલા લોકોનાં ટોળેટોળાં પાવાગઢમાં ઉમટ્યાં હતાં. હૈયે હૈયું દળાય એવી ભીડમાં બસમાં, પકિયાનું કામ સહેલું થઈ ગયું હતું. એક હડસેલો મારવાનો અને કમ સે કમ ચારથી પાંચ જણાનાં ખિસ્સાં ઉપર સિફ્તથી હાથ કી સફાઈ ચલાવી લેવાની !

આ કામમાં જિગુ નામનો એક ટેણિયો એનો સાથીદાર રહેતો. પકિયો પાકિટ મારે અને જિગુ તેના હાથમાં ઝાલેલા મોટા થેલામાં ભરેલાં નાળિયેરની નીચે પાકિટોને સરકાવતો જાય. જેથી ગફલતમાં જો પકિયો કોઈના હાથમાં ઝલાઈ જાય તો એની પાસેથી કોઈ પાકિટનો 'પુરાવો' ના મળે.

‘ચલ, ચલ, જલ્દી હાથ ચલાવ જિગુડા…’

પકિયો અને જિગુ સાંજે જાત્રાથી આવીને ઉપર કાળીમાતાનાં દર્શન કરવાને બદલે, નીચે માંચી પાસેના એક જુના ખંડેરની પાછળ પાકિટો ખાલી કરીને લક્ષ્મી માતાનાં દર્શન કરવા માટે તલપાપડ થયા હતા.

એમની સિસ્ટમ સિમ્પલ હતી. પાકિટ ખોલવાનું, એમાંથી જે રોકડા રૂપિયા નીકળે તે સાઇડમાં ભેગા કરતા જવાનું અને અંદરથી કાગળિયાં, વિઝિટીંગ કાર્ડ, ભગવાનના ફોટા, ડ્રાઇવિંગ લાયસન્સ કે આધારકાર્ડ વગેરે જે મળે તેનો ઢગલો કરીને છેવટે એમાં દિવાસળી ચાંપી દેવાની.

એવામાં અચાનક પકિયાનો હાથ અટકી ગયો ! એક પાકિટમાં રૂપિયા તો માંડ બસ્સો ને સત્તર જ નીકળ્યા પણ સાથે નાના નાના ત્રણ ફોટા હતા… એ પણ એક જ છોકરીના ! પકિયાની આંખો ચોંટી ગઈ !

‘અરે ! આ તો સ્કુલમાં જોડે ભણતી હતી એ ચિકુડી ! આયે… હાયે…’

પકિયાના દિલમાંથી ગરમાગરમ રોમેન્ટિક આહ સરકી પડી. ત્રણ ફોટામાંથી એક તો સ્કુલ વખતનો જ ફોટો હતો. બીજા ફોટામાં એ બારમા ધોરણવાળી લાગતી હતી અને ત્રીજામાં મસ્ત રંગીન કોલેજવાળી !

જોકે પકિયાના નસીબમાં કોલેજ તો ક્યાંથી હોય ? એ તો પેલી ચિકુડી જોડે મ્યુનિસિપલ શાળા નંબર બત્રીસમાં છેક ત્રીજા ધોરણથી નવમા ધોરણ સુધી જ હતો. પછી પકિયો નવમામાં બે વાર નાપાસ થયો. દરમ્યાનમાં એની ચિકુ દસમું પાસ કરીને ક્યાંક બીજી નિશાળમાં જતી રહેલી. પણ આયે… હાયે… પકિયો ફ્લેશ-બેકમાં સરી પડ્યો.

ચિકુનું હાજરીપત્રકમાં નામ ચંદ્રકાન્તા હતું પણ એના ગાલ તો બિલકુલ પાકેલાં નવસારીનાં ચિકુ જેવા મીઠ્ઠા… મીઠ્ઠા.. મીઠ્ઠા… હતા ! પકિયાને આજે પણ એ સ્વાદ યાદ આવી રહ્યો હતો.

ક્લાસના અડધો ડઝન છોકરા ચિકુની પાછળ આદુ ખાઇને પાછળ પડેલા. એમાંનો એક હતો મનિયો. એની મા ફૂલબજારમાં મોગરાની વેણી વેચતી હતી એટલે મનિયો રોજ ટોપલીમાંથી એક વેણી ચોરી લાવતો અને ચિકુડીને ગિફ્ટમાં આપતો. ચિકુડી એને બદલામાં પોતાના ગાલ ઉપર પપ્પી કરવા દેતી હતી !

આ પપ્પાની ‘સાટા-પધ્ધતિ’ની વાત બીજા છોકરાઓને પડતાં બધાએ જુદી જુદી ‘કરન્સી’ અપનાવવા માંડી ! કોઈ બંગડીઓ લાવતા, કોઈ લિપસ્ટીક તો કોઈ ચાંલ્લાનું સ્ટિકરનું પેકેટ ! પણ સૌથી સફળ કરન્સી ‘કેશ’ જ હતી !

ક્લાસમાં એક જ છોકરો હતો, ભણેશરી ચંદુ, જેના અક્ષર બહુ સારા હતા. એની પાસે નિશાળના તમામ રોમિયો ‘લવ-લેટર’ લખાવતા. પછી એ લેટર ઉપર ટાંકણી વડે દસ રૂપિયાની નોટ ખોસીને જો ચિકુને પ્રેમથી હાથોહાથ આપે તો એ પોતાના ગાલ ઉપર પપ્પી કરવા દેતી !

‘આયે… હાયે… એ ચિકુ અત્યારે ક્યાં હશે ?’

આવો વિચાર આવતાં જ પકિયાએ પાકિટ ફંફોસી નાંખ્યું. અંદરથી એક ડ્રાઇવિંગ લાયસન્સ નીકળ્યું ! એમાં જે ફોટો હતો એ તો કોઈ ચશ્મીસ બબૂચકનો હતો ! પણ સાલો એ એનો હસબન્ડ નીકળ્યો તો ?

‘બને જ નહીં !’ પકિયાએ વિચાર્યું. ‘પતિ કોઈ દહાડો પત્નીના ત્રણ ત્રણ ફોટા ખિસ્સામાં રાખતો હશે ?’
પકિયાએ ડ્રાઈવિંગ લાયસન્સ ઉપરથી એનું એડ્રેસ શોધી કાઢ્યું. એ ચશ્મીસ અમદાવાદમાં પાડાની પોળમાં રહેતો હતો. પકિયો બીજા જ દિવસે એના ઘરે પહોંચી ગયો. જતાંની સાથે જ ફોટા બતાડીને એણે પૂછ્યું ‘આ ચિકુડીને -’

‘શાળા નંબર બત્રીસ ને ?’ પેલાએ ચશ્મા સરખા કરતાં સામો સવાલ કર્યો.

કનિયો દંગ થઈ ગયો ! 'સ્સાલ્લાઆ... ચંદુડા ! તું ?'

ચશ્મીસ ચંદુએ ચશ્મામાં આંખો પટપટાવી. એણે કહ્યું ' હવે ચિકુડીનો બધો વહીવટ હું જ સંભાળું છું.'

'અબે તું ભણેશરીમાંથી સાવ ભ-'

ચંદુએ ચશ્મામાંથી આંખો વડે ડારો દેતાં કહ્યું :

‘500ની નોટ કાઢ ! હવે તો હું લવ-લેટરની ઝેરોક્સો જ રાખું છું !’

પકિયાના મગજમાં રાઈના દાણા જેવો વઘાર થઈ ગયો. છતાં એણે મન મારીને પાંચસોની નોટ ધરી. વિચાર્યું કે હશે.. એક પાકિટ નહોતું માર્યું એમ સમજવાનું.

એ અંદરના રૂમમાં ગયો. બીજી જ મિનિટે પાછો આવ્યો. એનું મોં બગડેલું હતું. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પોતાના હોઠ લૂછતાં તે બબડી રહ્યો હતો...

'સાલીના... ગાલ પણ ઝેરોક્સ કોપી જેવા થઇ ગયા છે....'

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment