ગુજરાતી ફિલ્મોનો એ 'સમ્રાટ' યુગ !

એમાં એમનો પોતાનો કશો વાંક હતો જ નહીં.

મૂળ વાત એમ હતી કે જ્યારે તેઓ ગુજરાતી નાટકો કરતા ત્યારે પોતાની પ્રોડક્શન કંપનીના નેજા હેઠળ એમણે એક મરાઠી નાટકનું ગુજરાતીમાં રૂપાંતર કરાવેલું. મરાઠીમાં એનું નામ હતુ ‘તો મિ નવ્હેચ’ મતલબ કે ‘એ હું નહીં !’ એમાં મુખ્ય કલાકારના સાત અલગ અલગ રોલ હતા. વળી એ પાત્ર ઠગનું પાત્ર હતું ! એટલે ગુજરાતી નાટકનું નામ રાખ્યું ‘અભિનય સમ્રાટ’.

બસ, આમાં જ એ ફસાઇ ગયા.

નાટકની સ્ક્રીપ્ટ તો મજબૂત જ હતી. ઉપરથી ‘સરકતા અને ફરકતા રંગમંચ’ ઉપર રજુઆત થતી. (રિવોલ્વીંગ સ્ટેજ હતું. નાટકના ફ્લોર ઉપર બે સેટ ઊભા કરવામાં આવે. એક સેટ ઉપર નાટક ભજવાતું હોય ત્યારે પાછળના ભાગે બીજો સેટ તૈયાર થઈ જાય ! પછી આગળનું દ્રશ્ય પુરું થાય કે તરત જ્યાં અંધકાર છવાય ત્યારે ગરગડીઓ ઉપર ગોઠવેલો તખતો ફરી જાય ! ફરી અજવાળું થાય ત્યારે નવો સેટ દેખાય ! થોડી જ વારમાં એ દ્રશ્યમાં એજ કલાકાર નવો પહેરવેશ, નવી દાઢી મૂછ વગેરે લગાડીને એન્ટ્રી મારે !)

આ નાટક ગુજરાતી રંગભૂમિના કોઈપણ મંજાયેલા કલાકારે ભજવ્યું હોત તો એના નામની પાછળ ‘અભિનય સમ્રાટ’નું લેબલ ચોંટવાનું જ હતું.

પરંતુ જ્યાં મહિના-મહિના રિહર્સલો અને એકે એક સંવાદ ગોખી ગોખીને, એકે એક રોલ માટે જુદી બોડી લેંગ્વેજ, સ્હેજ જુદો અવાજ વગેરેની તૈયારી કરવાની મહેનત લાગે તેના બદલે ગુજરાતી ફિલ્મમાં હજી સંવાદ મનમાં ઉતારીને કેમેરા સામે બોલે ત્યાં તો ડીરેક્ટર બોલી ઊઠે ‘ઓકે !’

વળી એ જમાનામાં, ગયા સપ્તાહના લેખમાં વાત થઈ એ મુજબ, ‘સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રા’ ની ફોર્મ્યુલા મુજબ શૂટિંગમાં નેગેટિવ રીલનો પણ બચત કરવાની (સોરી બચત નહીં, કંજુસાઈ) હોય ત્યાં રિ-ટેક તો થાય જ શેના ?

એમાં વળી ‘અભિનય સમ્રાટ’નું લેબલ ચોંટી ગયું હોય ! એટલે જે બોલ્યા, તે મહાન ! વાહ સાહેબ વાહ !

પછી તો ચાલ્યું… ‘જેસલ તોરલ’ હિટ થઈ ગયા પછી ફિલ્મોની વણઝાર લાગી. એમણે અગાઉ એક-બે હિન્દી ફિલ્મોમાં નાનકડા રોલ ભજવેલા પણ ખરા, પરંતુ આ તો ‘માર બુધું ને કર સીધું’વાળું કામકાજ ! એટલે ફિલ્મો મળતી ગઈ અને એ કરતા ગયા. સસ્તી શાહી અને સસ્તા કાગળ ઉપર ચવાણાંની દુકાનનાં ફરફરિયાં છપાતાં હોય એ જ રીતે ફિલ્મોનું છાપકામ થઈ રહ્યું હતું.

આમાં ને આમાં ‘કાદુ મકરાણી’ બહારવટિયો હોય કે ‘રાજા ભરથરી’ રાજા હોય, બન્ને સરખા જ લાગે. અભિનય સમ્રાટ એમાં શું કરી શકે ? એ ‘મહાસતી સાવિત્રી’ના ભરથાર સત્યવાન બને કે ‘હરિશ્ચંદ્ર તારામતી’માં સત્યવચની હરિશ્ચંદ્ર બને, અહીં સત્યવચન બોલવાનો સ્કોપ જ ક્યાં હતો કે ભાઈ, આ તો આખેઆખાં કોળાં શાકમાં જઈ રહ્યાં છે !

છતાં ચાલ્યું, ચાલ્યું, ચાલ્યું… થિયેટરોમાં ગુજરાતી પ્રેક્ષકોનાં ઘોડાપુર ઉમટતાં હતાં. લગભગ દરેક ફિલ્મ જાડો નફો કમાતી હતી. છતાં સહેલા નફાનું ઘર ભાળી ગયેલા પ્રોડ્યુસરોએ કંજુસાઇમાંથી હાથ જ ના કાઢ્યા !

જે મહેલનો સસ્તો સેટ ‘અમરસિંહ રાઠોડ’ માટે લાગ્યો હોય તે જ સેટ અગાઉ ‘માલવપતિ મુંજ’ માટે વપરાઇ ગયો હોય ! એ તો ઠીક ‘જોગીદાસ ખુમાણ’ની પાઘડી ‘હલામણ જેઠવા’ને માથે અને ‘અમર દેવીદાસ’ની પાઘડી ‘શેઠ સગાળશા’ને માથે પહેરાવી દીધી હોય !

તલવારો તો આમેય લાકડાની જ છે, એ તો પરદા ઉપર ચોખ્ખું દેખાઈ આવતું હતું, ત્યાં વળી ‘રા’નવઘણ’ માટે અલગ અને ‘જોગીદાસ ખુમાણ’ માટે અલગ શાની હોય ? એવું જ મોજડીઓ, ધોતિયાં, કેડિયાં અને સાફાઓનું ! (‘સાફા’ ઉપરથી યાદ આવ્યું, રાજાઓના સિંહાસનો ભંગારમાં કાઢી નંખાયેલા ‘સોફામાંથી’ બનાવતા હતા.)

આમાં અભિનય સમ્રાટ અભિનય ક્યાં કરે ? છતાં હૈશો હૈશો ચાલતું રહ્યું.

આ કલાકાર પોતે નસીબવાન પણ ખરા કેમકે ‘માલવપતિ મુંજ’ જ્યારે પરદા ઉપર આવ્યું ત્યારે એ કૃતિના અસલી લેખક કનૈયાલાલ મુનશી તથા એની ભવ્ય હિન્દી ફિલ્મ બનાવનાર સોહરાબ મોદી સ્વર્ગે સિધારી ચૂક્યા હતા. (અને એમની આત્માઓ અવગતે ગયા નહોતા.) નહિતર પૂછવા આવ્યા હોત કે ‘સમ્રાટ, આમાંથી અભિનય ક્યાં ગયો ?’

એ જ રીતે ‘માનવીની ભવાઇ’ના લેખક પન્નાલાલ પટેલ પણ બિચારા નસીબદાર કે એમને છપ્પનિયા દુકાળના દ્રશ્યોમાં હિરો હિરોઇનને એક ટંક ઉપવાસ જેટલા ય ભૂખ્યા ન હોય એવા જાડીયા પાડિયા શરીરવાળાં 'ગરીબો'ને નરી આંખે જોવાનો વારો ના આવ્યો !

જોકે હા, એમને પદ્મશ્રીનો ખિતાબ આપનારી કમિટીએ જો આ ફિલ્મો જોવી પડી હોય, તો એમની દયા ખાવા જેવી ખરી.

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment