દિવાળીમાં પણ રોદણાં ?

અમુક લોકોને સરસ મઝાના તહેવારમાં પણ રોદણાં રડ્યા વિના ચેન પડતું નથી ! આટલા બધા સમય પછી માંડ એક દિવાળી મુક્ત મને ઉજવવા મળી છે છતાં એમનાં રોદણાં ચાલુ જ છે…

***

મોબાઈલમાં એક મેસેજ ફરે છે જેમાં એક ભાઈ કહે છે કે, ‘એક જમાનામાં પપ્પા ફટાકડા અપાવે ત્યારે એને વિચારી વિચારીને વાપરતા…’

(તો ભઈલા, આજે ય વિચારીને વાપર ને ! કોઈ ના પાડે છે ?)

કહે છે કે ‘ફટાકડાનું રેશનિંગ થતું ! એક બોક્સમાં દસ કોઠી હોય તો 2 ધનતેરસ પર, 1 કાળી ચૌદસ, 5 દિવાળીએ અને 1 બેસતા વરસે ફોડતા…’

(ભઈલા, આજે તું કમાઈને બેઠો છે તો આજે ય રેશનિંગ કરતાં તને શું જોર આવે છે ? આ જ રીતે ફોડ ને, સાલું, એટલું પ્રદૂષણ ઓછું થશે.)

આગળ ભઈલુ યાદ કરે છે કે ‘લૂમમાંથી એક એક ટેટો છૂટ્ટો પાડીને ફોડતા !’

(લો બોલો. જાણે મોદી સાહેબે ફટાકડા છૂટા પાડીને ફોડવા ઉપર પ્રતિબંધ મુક્યો હોય !)

એ ભાઈની એક એવી યે દિવાળી હતી ‘જ્યારે ચોપડા પૂજનમાં ભણવાની બુક્સ મુકાય તો મઝા પડી જતી હતી !’

(એમાં શું મોટી ધાડ મારવાની છે ? બે ચોપડી સાચવી રાખી હોય તો આજે ય મુક ને ? કે એના માટે ફરી સ્કુલમાં એડમિશન લેવું પડશે ?)

એવી યે દિવાળી હતી કે જ્યારે ચાર રસ્તે વડા મુકવા જવાનું, અને પાછું વળીને નહીં જોવાનું ! જોઈએ તો બીક લાગતી !

(તે શું આજે એ બધા ચાર રસ્તે પોલીસો બેસાડી છે ? કે ઘરમાં વડા નથી બનતા ? અને આજનાં છોકરાં તારા જેવાં ફટ્ટુસ નથી હોં !)

‘એક એવી યે દિવાળી હતી જ્યારે મમ્મીને મઠીયાં તળવામાં મદદ કરવાની મજા પડતી.’

(ભઈ પરણી ગયા લાગે છે ! એટલું જ નહીં, પત્નીના કહેવાથી માળિયું સાફ કરવામાં જ ટેં થઈ ગયા લાગે છે !)

છેલ્લે કહે છે ‘એક એવી યે દિવાળી હતી જ્યારે આપણે ખરેખર દિવાળી મનાવતા હતા !’

(લો બોલો ! તમને શું લાગે છે, આ વરસે આપણે દિવાળીને બદલે કંઈ ‘બેસણાં’ મનાવી રહ્યા છીએ ? )

આવા રોતલિયાઓ જ દિવાળીને બેસણામાં ફેરવી નાંખતા હોય છે. શું કહો છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments