મોબાઈલ ના રૂઢિપ્રયોગો -૨

મોબાઇલની દુનિયાએ આપણને એટલા બધા નવા શબ્દો આપ્યા છે કે હવે એનો ગુજરાતીમાં રૂઢિપ્રયોગોની જેમ ઉપયોગ થવા લાગ્યો છે ! જુઓ…

***

કોલર ટ્યૂન બદલાઈ ગઈ

નેતાઓ, અભિનેતાઓ,  વારંવાર રંગ બદલતા માણસો અને ખાસ કરીને જુઠ્ઠા લોકો માટે કહેવાય છે કે ‘જુઓ ? એની કોલર ટ્યૂન ફરીથી બદલાઇ ગઈ !’

***

કવરેજની બહાર છે

પત્ની પતિના કહ્યામાં ન હોય તો કહેવામાં આવે છે કે ‘એની બૈરી હંમેશાં એના કવરેજની બહાર જ હોય છે !’

હંમેશા રખડતા ફરતા લેભાગુ માણસો, જે કદી હાથમાં ના આવતા હોય એને પણ આવું જ કહી શકાય. ‘સાલો, જ્યારે જુઓ ત્યારે કવરેજની બહાર જ હોય છે !’

***

પિક્ચર ચોંટી ગયું

કોઇ ચોંકાવનારી વાત સાંભળીને માણસનું મોં ખુલ્લું રહી જાય તો કહેવામાં આવે કે ‘જોયું ? એ સાંભળતાં જ એનું પિક્ચર ચોંટી ગયું !’

***

ફાઇલ ખુલતી નથી

જેને સત્તર વાર સમજાવ્યા છતાં સમજતો જ ના હોય એને કહેવું પડે છે કે ‘ભઈ, તારી ફાઇલ કેમ ખુલતી નથી ?’

***

અવાજ કપાય છે

પત્ની આગળ પતિની અને બોસ આગળ કર્મચારીની કોઈ વાત ચાલતી જ ના હોય તો કહેવાય કે ‘એનો તો હંમેશા અવાજ કપાય છે !’

***

સ્ક્રીન લોક છે

હંમેશા ચૂપ રહેતા, મીંઢા અને એકલપેટા માણસને માટે તમે કહી શકો કે, ‘એનું હંમેશાં સ્ક્રીન લોક જ હોય છે !’

***

પેટર્ન લોક છે

અમુક લોકો આમ જુઓ તો સાવ ચૂપ જ હોય પરંતુ જ્યાં કોઇ ખાસ ટોપિકની વાત છેડો, કે કોઈ ચોક્કસ વ્યક્તિની બૂરાઇ ચાલુ કરો કે તરત જ બોલવા લાગે છે ! આવા નમૂનાઓ માટે કહેવાય છે કે, ‘જોયું ? એનું પેટર્ન લોક કેવું ખુલી ગયું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments