તમે માર્ક કરજો…
જે વડીલના શરીરમાં સત્તર જાતના રોગ ઘર કરીને બેઠા છે એ જ વડીલ મોબાઈલમાં ‘નેવું વરસે નીરોગી શી રીતે રહેવું’ એવા મેસેજો મોકલતા હશે !
***
તમે માર્ક કરજો…
જે બહેને રાત્રે ફેસબુકમાં ‘હોટ ચોકલેટ વિથ ફ્રોઝન ગુલાબજાંબુ’ની રેસિપી હોંશેહોંશે મુકી હોય એ જ બહેન બીજા દિવસે બપોરે ‘ડાયાબિટીસથી દૂર રહેવાના દસ નુસખા’ શેર કરતાં હશે !
***
તમે એ પણ માર્ક કરજો કે…
જે ભાઈએ સરસ મઝાના ગુડમોર્નિંગના મેસેજ સાથે ‘ગાયના દૂધમાં કેટલા ગુણ રહેલાં છે’ તેનો મેસેજ મુક્યો હશે એ જ ભાઈ સાંજ પડે ‘ચાર બોતલ વોડકા, કામ મેરા રોજ કા…’વાળા મસ્ત વિડીયો પોસ્ટ કરતા હશે !
***
તમે ખાસ માર્ક કરજો કે…
જે માણસ તમને દસ રૂપિયા પણ કદી ઉછીના નહીં આપે, એ જ માણસ વોટ્સએપમાં ‘કીડની દાન કરો… નેત્રદાન કરો… અંગદાન કરો…’ એવા મેસેજો મોકલવામાં જરાય કંજૂસી નહીં કરતો હોય !
***
તમે એ પણ માર્ક કરજો કે…
… જે નવરી બજાર જેવો માણસ દહાડામાં દોઢસો મેસેજો મોકલતો હોય, સત્તર જાતનાં ટીકટોક જોક્સ બનાવીને બધાને વહેંચતો હોય, આઠ દસ ગાયનો કેરિઓકેમાં ગાઈને તમારે માથે મારતો હોય અને દહાડાના બાર કલાક મોબાઇલમાં જ ખૂંપેલો રહેતો હોય..
એ જ માણસ તમને એવો માહિતીસભર મેસેજ પણ મોકલશે કે મોબાઇલના વધુ પડતા ઉપયોગથી કેટલું ભયંકર નુકસાન થાય છે !
***
બાકી તમે માર્ક કર્યું જ હશે…
કે જે લોકો સ્ટેટસમાં એવું લખે છે કે Important messages only, please….
એ જ લોકો જ્યારે જુઓ ત્યારે online હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment