આ વખતે ધનતેરસની ઉપર કાળીચૌદશ છે. આનો શાસ્ત્રોના એંગલથી શું અર્થ થાય એની આપણને ખબર નથી પણ જિંદગીમાં આપણે ચૌદશિયા ટાઈપના લોકોથી ક્યારેય બચી શકતા નથી.
આવા ચૌદશિયા લોકો નિશાળમાં સૌથી પહેલી બેન્ચ ઉપર બેસતા ચાંપલા સ્ટુડન્ટોથી લઈને.. કોઈની સગાઈમાં ફાચર મરાવનારા સગાં સુધી.. અને પાછલી સીટ ઉપર બેસીને ડ્રાયવરને સતત શીખામણ આપનારા દોઢ-ડાહ્યાઓથી લઈને... છેક ન્યુઝ ચેનલમાં આવતા એક્સ્પર્ટો સુધીની રેન્જમાં મળી આવતા હોય છે. (એ પણ મફતના ભાવે.)
આવા લોકોને બીજાના કામમાં ટાંગ અડાડવામાં, બીજાની સતત પંચાત કરવામાં અને બીજાઓના હિતેચ્છુ હોવાનો દેખાવ કરતાં કરતાં એમની જ પથારીઓ ફેરવવામાં ગજબનો આનંદ આવતો હોય છે.
આવી ચૌદશોથી આમ તો બચવું મુશ્કેલ છે, છતાં થોડા નટખટ ઉપાયો અજમાવવા જેવા છે.
(1) પૈસા ઉધાર માગો
કોઈપણ બહાનું કાઢો, ધંધામાં લોસ ગયો છે, ઘરમાં બિમારી છે, ઘરેણાં ચોરાઈ ગયાં છે, દાનેશ્વરી બની જવું છે… અથવા અંબાણી જોડે શરત લાગી છે… આવું કોઈ બહાનું કાઢીને એની પાસે કમ સે કમ બે પાંચ લાખ રૂપિયા ઉધાર માગો !
એ ચૌદશિયો તરત જ આઘો આઘો રહેવા માંડશે ! પછી જ્યારે પણ એ દેખાય ત્યારે સામેથી જઈને પચાસ હજાર, પાંચ હજાર, છેવટે 500 રૂપિયા પણ માગતા જ રહો ! બેટમજી એ જાતે જ તમારાથી દૂર ભાગતો ફરશે !
આવા સંજોગોમાં એને ઘેર ફોન કરીને રૂપિયા માગો ! અરે, ઓનલાઈન પચાસ રૂપિયા તો આપ ? પછી જુઓ, મજા ! એ તમને ટાળતો જ રહેશે.
(2) અફવાની બત્તી પકડાવી દો
આવા ચૌદશિયા મોટે ભાગે બોસના ચમચા તો હોય જ, પણ એમને ય બોસની પીઠ પાછળ સત્તર જાતની વાતો કરવાનું બહુ ગમતું હોય છે.
આવા સમચાને અમસ્તાં વાત વાતમાં કહી દેવાનું કે યાર, એક રાતે એક હાઈવેની હોટલ કમ રેસ્ટોરન્ટમાં મારો એક ફ્રેન્ડ ચા પીવા રોકાયેલો ત્યારે આપણા બોસને એણે કોઈ ગોરી ગોરી સ્ત્રી સાથે મસ્ત મિજાજમાં બહાર નીકળતા જોયેલા… પણ શ્યોર નહીં હોં ? મોટે ભાગે તો બોસ જ હતા !
બસ, પછી જુઓ… એ આખી ઓફિસમાં પોતાના નિંદારસનું રાયતું ફેલાવશે ! ભૂલેચૂકે જો વાત બોસ સુધી પહોંચી તો સ્ટાફના દસમાંથી નવ જણા એનું જ નામ દેવાના ! લે બેટા, લેતો જા !
(3) ખાનગી વાતનું સસ્પેન્સ
અમસ્તાં અમસ્તાં પૂછવાનું કે યાર, તને એક ખાસમખાસ ખાનગી વાત પૂછવાની હતી ! એનું કૂતૂહલ સળવળે એટલે તરત જ વાત ફેરવી નાંખવાની !
પછી ફરી પાછું યાદ કરાવવાનું. યાર, તું એકલો હોય ત્યારે મને કહેજે ને, એક ખાનગી વાત પૂછવાની છે, કેમકે તને જ આવી બધી ખબર હોય !
આમ સળંગ જુદી જુદી રીતે પંદર વીસ મુદતો પાડ્યા પછી છેવટે પેલો બહુ ઊંચોનીચો થઈ ગયો હોય ત્યારે બાજી ‘ફિટાઉસ’ કરતા હોય એમ કહી દેવાનું ‘કંઈ નહીં, જે જાણવું હતું એ તો મળી ગયું !’
બેટમજી ગુંચવાયા જ કરશે કે એવી તે કેવી ખાનગી વાત છે જે મારા જેવા ચૌદશિયાને ના ખબર હોય અને આને એ વાત જાણવા મળી ગઈ ?
(4) ડાઉટ પેદા કરો
ચૌદશિયા લોકોને કુથલીમાં બહુ રસ હોય ! ખાસ તો એ જાણવામાં કે લોકો એની પીઠ પાછળ શું બોલે છે ! આવા ચૌદશિયાઓને સતત ડાઉટમાં રાખો.
બે-ચાર જણા ભેગા મળીને કોઈ સાવ મામૂલી ટોપિક ઉપર વાત કરતા હો છતાં પેલો આવે કે તરત બધા એકસામટા ચૂપ થઈ જાવ ! જાણે કે એના વિશે જ કંઈ વાત થતી હતી એવો દેખાવ કરો ! એ ચૌદશિયાના પેટમાં જરૂર તેલ રેડાવાનું ચાલુ થશે !
પછી એકલા હો અને ફોનમાં વાત કરતા હો તો પણ એને જોતાંની સાથે જ ‘પછી વાત કરીએ’ એમ કહીને ફોન કટ કરી નાંખો. એ જાય પછી, કે નજીકથી પસાર થતો હોય ત્યારે, જાણી જોઈને સાવ ધીમા અવાજે ઘુસપુસ કરો ! જુઓ બેટમજીની શી હાલત થાય છે !
(5) ડર ઘૂસાડો
સાવ સામાન્ય સવાલો કોઈ ડિટેક્ટીવની જેમ પૂછો ‘તારી બર્થ-ડેટ કઈ ? હંઅંઅંઅં...' 'આજ કયો વાર થયો ? હંઅંઅંઅં... અચ્છાઆઆઆ...' ' ઓકે, રવિવારે તું ક્યાં હોય છે ? અચ્છાઆઆઆ...?’
આવા સવાલો ફટાફટ નહીં, ટુકડે ટુકડે… ગંભીર ડાચું કરીને, બહુ વિચારમાં હો એ રીતે પુછવાના ! છેલ્લે ખભે હાથ મુકીને દયા ખાતા હોય એમ કહેવાનું ‘બોસ, પોસિબલ હોય તો કોઈ જ્યોતિષીને બતાડી જુઓ... હોં !’
કસમ સે… આ છેલ્લા ઉપાય પછી તો એ ચૌદશ તમને પણ પોતાના કરતાંય મોટી ‘ચૌદશ’ માનવા માંડશે.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Cahudas ne bhagadva jate chaudas banvu pade evu😃
ReplyDeleteહા. એવું જ છે ! કાંટો જ કાંટાને કાઢે. 😀😀
ReplyDelete