ગુજરાતી ફિલ્મો નો 'પ્રવાહ' કેકેથી 'પલટાયો' ખરો ?

કલ્પના કરો, છેક સાંઈઠ વરસની ઉંમરે એક ઉમદા એક્ટર, જે હિન્દી ફિલ્મોમાં બાપ, કાકા, પોસ્ટમાસ્તર, પટાવાળા કે પ્રિન્સિપાલ જેવા નાના મોટા રોલ ભજવી ખાતો હોય તે અચાનક નક્કી કરે કે હું એક સાવ નવા પ્રકારની ગુજરાતી ફિલ્મ બનાવીશ... એ પણ હરકિસન મહેતા જેવા લેખકની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ ઉપરથી…

...તો શું, જ્યાં વીર પાઘડાવાળા અને સતી સાડલાવાળીનો યુગ ધોમધોમ તપતો હોય ત્યારે એ ફિલ્મથી પ્રવાહ પલટાયો હશે ?

જવાબ છે, હા અને ના !

હા એટલા માટે કે તખ્તાની ટેલેન્ટેડ અભિનેત્રી રાગિણીને લઈને બનાવેલી એ ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’ (1976) હિટ હતી. એના દિગ્દર્શક કેકે ઉર્ફ કૃષ્ણકાંત એ જમાનામાં ગુજરાતી ફિલ્મોમાં જે બીબાંઢાળ ‘છાપકામ’ ચાલતું હતું તેની સખત વિરુધ્ધમાં હતા. એટલે એમની ફિલ્મો બનતાં સમય પણ વધારે લાગતો અને ખર્ચ પણ વધારે થતો.

છતાં એમને પ્રોડ્યુસરો મળતા ગયા. આ ડાકુકથા પછી એમણે જે ફિલ્મ બનાવી ત્યાંથી જો પ્રેક્ષકોએ સાથ આપ્યો હોત, તો ખુદ પ્રેક્ષકોનાં અને આખા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનાં નસીબ પલટાયાં હોત !

હા, એમની બીજી ફિલ્મ ‘વિસામો’ પણ એક જાણીતા ગુજરાતી નાટક ઉપર આધારિત હતી. જેમાં વૃદ્ધ માબાપની સમસ્યાની વાત હતી. (આ એ જ ફિલ્મ છે જેના આધારે અમિતાભ બચ્ચન અભિનિત ‘બાગબાન’ બની !)

‘વિસામો’ પણ ચાલી. પરંતુ શહેરી પ્રેક્ષકોમાં હજી મોટા ભાગનો પ્રેક્ષકવર્ગ જુની બીબાંઢાળ વારતાઓના કેફમાંથી બહાર આવવા માગતો નહોતો.

ખરેખર તો આ એક નવી પહેલ હતી. નવો ચીલો ચાતરાઈ રહ્યો હતો પરંતુ ન તો એ સમયના કોઈ ગુજરાતી ફિલ્મ વિવેચકને એની નોંધ લેવાની જરૂર જણાઈ કે ન તો એ વખતનાં ઇમરજન્સી પછીના પ્રિન્ટ મિડિયાના સુવર્ણયુગમાં ચાર ચાર ગણાં સરક્યુલેશન વધારી ચૂકેલાં અખબારો કે મેગેઝિનોને આની કોઈ પરવા હતી.

એ વખતે તો સીન એવો હતો કે જો તમે એમ કહો કે ‘હું આજે એક ગુજરાતી ફિલ્મ જોઈને આવ્યો !’ તો નવરંગપુરાના લોકો તમારી સામે એવી વિચિત્ર નજરે જોવા લાગે કે ‘આ સરસપુર બાપુનગરનું પ્રાણી આ બાજુ ક્યાંથી આવી ચડ્યું ?’

વાત ખોટી પણ નહોતી. એ સમયના ગાડરિયા પ્રવાહમાં ચાલતી ગુજરાતી ફિલ્મોએ છાપ જ એવી ઊભી કરી હતી કે થોડો ઘણો સેન્સિબલ પ્રેક્ષક પણ ‘છાશનો દાઝ્યો’ બની ગયા પછી કેકે જેવા બે ચાર દિગ્દર્શકની ફિલ્મો ‘દૂધ’ જેવી હોવા છતાં એ બાજુ ‘ફૂંકવા’ ય નહોતા આવતા !

મિડીયાને તો કંઈક ‘મહાન’ હોય તો જ રસ પડે ને ?

એ સમયે કાંતિ મડિયાએ ‘કાશીનો દિકરો’ નામની એક ખરેખર સુંદર અને સ્વચ્છ ગુજરાતી ફિલ્મ બનાવી હતી. તેને ય માંડમાંડ ગુજરાતી અખબારો મેગેઝિનોમાં એટલા માટે સ્થાન મળેલું કે એનાં તમામ ગીતો મૂળ રાવજી પટેલ કે રમેશ પારેખ જેવા ગુજરાતી કવિઓએ લખેલી જાણીતી કૃતિઓ હતી.

બાકી, મણિરાજ બારોટ જેવો પ્રચંડ લોકપ્રિયતા ધરાવતો લોકગાયક, જેની ફિલ્મોએ પણ તરખાટ મચાવ્યો હતો. તે મૃત્યુ પામ્યો ત્યારે જ આ અખબારોમાં તેની ‘નોંધ’ લેવાઈ હતી ! (કદાચ અખબારો માટે એ ‘મહાન’ ઘટના હશે.) એ સમયે અમારી કડવાશ આ રીતે બહાર આવી હતી કે ‘જુઓને, અખબારોમાં પોતાનું નામ આવે એ માટે ગુજરાતના લોકગાયકોએ મરી જવું પડે છે !’

ખેર, આપણા કેકે સાહેબ તો 94 વરસની વયે 2016માં મૃત્યુ પામ્યા ત્યારે એમની વ્યવસ્થિત નોંધ જરૂર લેવાઈ હતી પરંતુ તેઓ જ્યારે ‘કુળવધુ’ ‘મા દિકરી’ ‘ઘરસંસાર’ અને ‘જોગ સંજોગ’ જેવી સ્વચ્છ સામાજિક ફિલ્મો બનાવી રહ્યા હતા ત્યારે એ ફિલ્મોને જો અખબારોએ સહેજ ટેકો કર્યો હોત તો પેલા સુગાળવાં પ્રેક્ષકોને ‘દૂધ’ અને ‘છાશ’ વચ્ચેનો ફરક જરૂર સમજાયો હોત અને ગુજરાતી ફિલ્મોનો ‘પ્રવાહ’ કદાચ ‘પલટાયો’ હોત.

એમ તો ‘ભરત મિલાપ’ અને ‘હિમાલય કી ગોદ મેં’ જેવી સફળ હિન્દી ફિલ્મો બનાવનાર દિગ્ગજ પ્રોડ્યુસર વિજય ભટ્ટે પણ આ જ સમયગાળામાં ગુજરાતીમાં ‘મોટા ઘરની વહુ’ ‘પારકી થાપણ’ અને ‘લોહીની સગાઈ’ જેવી સામાજિક ફિલ્મો બનાવી. એ સફળ પણ થઈ પરંતુ એની ખબર ‘લોકો’ને પડવી જોઈએ ને ?

આવું જ કંઈક ચૂનીલાલ મડિયાની નવલકથા ઉપરથી બનેલી ‘લીલુડી ધરતી’નું અને વીસનગરની ગાયિકા બેલડી ‘તાનારિરિ’નું થયું !

બાય ધ વે, તમને જણાવી દઉં કે એ સમયે ગુજરાતીમાં બનેલી ‘મહિયરની ચુંદડી’ની વારતા એટલી અદ્‌ભુત હતી કે એની ઉપરથી મરાઠીમાં ‘માહેર ચી સાડી’ ઉપરાંત તામિલ, તેલુગુ અને બંગાળી ભાષામાં પણ તેના રિ-મેક થયા હતા ! એ બધી જ ફિલ્મો જે તે ભાષામાં હિટ હતી.

પણ આ તો હવે માત્ર ‘માહિતી’ છે ને ? આજે એનું શું કરવાનું ? અથાણું ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Mahiyar ni chunddi ne vadhare tragic banavi ne hindi ma juhi chavla ni sajan ka ghar film bani.

    ReplyDelete
    Replies
    1. આ મને ખબર નહોતી. વાહ. નવી વાત છે !

      Delete
    2. જોકે રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા નૌકા ડૂબી પણ લગભગ એવી છે.

      Delete
  2. ખૂબ ખૂબ આભાર. મારા જેવા સામાન્ય વાચકની સલાહને ધ્યાન માં લેવા બદલ. લેખ ખૂબજ ઉમદા રહ્યો. ફરીથી અભિનંદન.

    ReplyDelete
    Replies
    1. હા, ભાસ્કરમાં લીલુડી ધરતીના લેખકનું નામ ભૂલથી ઈશ્વર પેટલીકર લખાઈ ગયું હતું. જે પ્રત્યે તમે ધ્યાન દોર્યું હતું. ધન્યવાદ 🙏

      Delete
  3. Thanks for this article. મોડું થઇ ગયું. It’s sad that many people like me missed those movies out of ignorance n prejudices. Our loss.

    ReplyDelete
  4. હા. જોકે મુંબઈમાં ગુજરાતી ફિલ્મો ખાસ રિલીઝ થતી નહોતી.

    ReplyDelete

Post a Comment